રાજકોટ
News of Thursday, 8th March 2018

અચલગચ્છાધિપતિ પૂ.ગુણોદયસાગરસુરીશ્વરજીની કાલે પધરામણી : મહેતા પરિવારને ત્યાંથી સામૈયુ

સળંગ ૫૧માં વર્ષીતપના આરાધક, તપસ્વી : ગુરૂદેવ વર્ષીતપ માટેના પચ્ચકખાણ ગ્રહણ કરાવશે

રાજકોટ, તા. ૮ : સળંગ ૫૧માં વર્ષીતપના આરાધક મહાન તપસ્વી અચલગચ્છાધિપતિ પૂ. ગુણોદયસાગરસુરીશ્વરજી મ. સા. આદી ઠાણા આવતીકાલ તા.૯ને શુક્રવાર, ફાગણ વદ ૮ના રોજ રાજકોટ પધારશે. જોગાનુજોગ આ દિવસ વર્ષીતપ શુભારંભનો દિવસ હોય વર્ષીતપ શરૂ કરવા માગતા રાજકોટ અને આસપાસના વિસ્તારના તપસ્વીઓને મહાન તપસ્વીના શ્રીમુખે પચ્ચકખાણનો લ્હાવો મળશે. જીન શાસનમાં નં. ૧ એવા વિક્રમી વર્ષીતપના આરાધક ગુરૂદેવના દર્શન - વંદનનો લાભ લેવા તથા વર્ષીતપના પચ્ચકખાણ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અચલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગરસુરીશ્વરજી મ. સા. પાલીતાણાથી ઉગ્ર વિહાર કરી રાજકોટ પધારી રહ્યા છે. કચ્છના ૭૨ જીનાલય તીર્થના પ્રતિષ્ઠાપક, ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારક એવા ગુરૂદેવને સળંગ ૫૧મો વર્ષીતપ ચાલી રહ્યો છે. આટલી લાંબી ઉગ્ર તપશ્ચર્યા કરતા તપસ્વીરત્ન ગુરૂદેવ જીન શાસનમાં નં.૧ તપસ્વી છે. આવતીકાલે સવારના ૭ કલાકે ગુરૂદેવ રાજકોટ પધારશે. મણીયાર જિનાલય ખાતે એક દિવસ સ્થિરતા કરી મોરબી, કચ્છ તરફ વિહાર કરશે.

મહાન તપસ્વી પૂજય ગુણોદયસાગરસુરીશ્વરજી મ. સા. ૮૬ વર્ષની જૈફ વયે સળંગ ૫૧માં વર્ષીતપની તપશ્ચર્યા કરી રહ્યા છે. શાંત, સરળ સ્વભાવી પૂજય ગુરૂદેવ, જયોતિષાચાર્ય પૂ. વિરભદ્રસાગરજી મ. સા. આદી સાધુ ભગવંતો આવતીકાલે સવારે ૭ વાગ્યે જામવણથલીવાળા જયસુખલાલ ખુશાલચંદ મહેતા પરીવાર (વૈભવ એન્ટરપ્રાઈઝવાળા)ને ત્યાં પધારશે. સવારે ૮:૪૫ કલાકે મહેતા પરીવારના નિવાસસ્થાન માધવવન એપાર્ટમેન્ટ, ચૌધરી હાઈસ્કુલ પાછળ, ડો. તન્ના હોસ્પિટલ પાસેથી ગુરૂદેવના સામૈયા કરવામાં આવશે. સકળ સંઘ દ્વારા વાજતે ગાજતે ગુરૂદેવના સામૈયા કરી મણીયાર દેરાસર ખાતે પધારશે. ત્યાં પૂજય ગુરૂદેવ આર્શીવચન પાઠવશે. વર્ષીતપ પ્રારંભ કરવા માગતા તપસ્વીઓ સામૈયામાં ઉપસ્થિત રહી મણીયાર જીનાલય ખાતે આર્શીવચન સાથે પૂજય ગુરૂદેવના શ્રીમુખે પચ્ચકખાણ લઈ શકશે.

જૈન ધર્મમાં એક વર્ષના આકરા તપ વર્ષીતપનું અનેરો મહિમા છે. અચલગચ્છાધિપતિ સળંગ ૫૧માં વર્ષીતપના આરાધક છે. ગયા વર્ષે ગુરૂદેવના ૫૦માં વર્ષીતપની અનુમોદના અર્થે દેશભરમાંથી હજારો ભકતોએ વર્ષીતપની તપશ્ચર્યા કરી હતી જેના સમૂહ પારણા દેવલાલી ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયા હતા. જૈન શાસનમાં આટલી આકરી તપશ્ચર્યા કરનાર કદાચ ગુરૂદેવ એકમાત્ર તપસ્વી છે.

પૂજય ગુરૂદેવના સામૈયા તથા વ્યાખ્યાનમાં પધારવા રાજકોટના દરેક જૈન સંઘોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. સમસ્ત જૈન સમાજને બહોળી સંખ્યામાં પૂજય ગુરૂદેવની ભકિતનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:53 pm IST)