રાજકોટ
News of Thursday, 8th March 2018

ભાઇ, મારા બે'ય દિકરાને પરિક્ષા છે,ગીત ધીમા વગાડો ને...પડોશીને સમજાવવા જતાં મહિલા પર ધોકાવાળી

કોઠારીયા સોલવન્ટમાં બનાવઃ અમૃતાબેન સગરને પડોશી કાના અને આશિષ બારોટે માર માર્યો

રાજકોટ તા. ૮: ધોરણ-૧૦ની પરિક્ષા આવી રહી છે ત્યારે છાત્રો છેલ્લી ઘડીની તૈયારીમાં વ્યસ્ત છે. આવા સમયે કોઠારીયા સોલવન્ટ આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં સગર પરિવારના બે ભાઇઓ કે જેમાં એકને ધોરણ-૧૦ની અને બીજાને રેલ્વેની પરિક્ષા આપવાની છે તે સાંજે પરિક્ષાનું વાંચન કરતાં હોઇ પડોશી બારોટ ભાઇઓ મોટા અવાજે ગીતો વગાડતાં હોઇ તેને અવાજ ધીમો રાખવાનું સગર ભાઇઓના માતા સમજાવવા જતાં તેણી પર આ બંનેએ ધોકાથી હુમલો કરી માર માર્યો હતો.

 

કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં રહેતાં અમૃતાબેન અરજણભાઇ સારેલા (ઉ.૪૦) નામના સગર મહિલા રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેણે પોતાને પડોશી કાનો બારોટ અને તેના પિત્રાઇ ભાઇ આશિષ બારોટે ધોકાથી માર માર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

અમૃતાબેનને બે પુત્રો છે. જેમાં કિશન રેલ્વેની પરિક્ષાની તૈયારી કરે છે અને ભાવિકને એસ.એસ.સી.ની પરિક્ષા આપવાની છે. કિશનના કહેવા મુજબ બંને ભાઇઓ સાંજે વાંચન કરતાં હોઇ બારોટ ભાઇઓને ધીમા અવાજે ગીતો વગાડવાનું માતા સમજાવવા જતાં તેમના પર હુમલો થયો હતો. (૧૪.૫)

(10:35 am IST)