રાજકોટ
News of Thursday, 8th March 2018

કામેથી ઘરે આવતી વખતે લેઉવા પટેલ હરખાભાઇ હાપલીયાને કાળ ભેટી ગયો

મવડી-ગોંડલ રોડ ચોકડી વચ્ચે ચક્કર આવતાં બાઇક પરથી પડી જતાં મોતઃ મવડીની શ્રી હરિ સોસાયટીમાં રહેતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૮: કાળા માથાના માનવીને કાળ ગમે ત્યારે અને ગમે તે રીતે ભેટી જતો હોય છે. મવડી ચોકડી પાસે આવેલી શ્રીહરિ સોસાયટી-૧૨માં રહેતાં હરખાભાઇ જેઠાભાઇ હાપલીયા (ઉ.૫૦) નામના લેઉવા પટેલ પ્રોૈઢ સાથે આવુ જ બની ગયું છે. તેઓ કામેથી સાંજે પોણા આઠેક વાગ્યે બાઇક હંકારી ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે મવડી ચોકડી-ગોંડલ રોડ ચોકડી વચ્ચે અચાનક ચક્કર આવતાં ફંગોળાઇ જતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

 

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ માલવીયાનગર પોલીસને કરતાં પી.એસ.આઇ. પી.એલ. ધામા અને રાઇટર રવિરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હરખાભાઇ સાત ભાઇમાં વચેટ હતાં અને બાંધકામની સાઇટો પર સુપરવિઝનનું કામ કરતાં હતાં. સાંજે કામેથી ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૫)

(10:33 am IST)