રાજકોટ
News of Thursday, 8th March 2018

ટ્રાફીક પોલીસનું લાંચ પ્રકરણ : વાહન ચાલકોને ફિકસ હપ્તા પેટે અપાતા પહોંચરૂપી ૫૦૦ કાર્ડ વેપારી પાસેથી કબ્જે

વેપારીના ગ્રાહકોમાં ૧૫ જેટલા ટ્રાફીક બ્રિગેડ અને ૫ થી ૭ ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું ખુલ્યુ : એન્ટીકરપ્શન બ્યુરોની આગળ ધપતી તપાસ

રાજકોટ, તા. ૭ : બે દિવસ પૂર્વે ગોંડલ રોડ નજીકના ઓવરબ્રીજ ઉપર ટ્રાફીક હેડ કોન્સ્ટેબલ અને તેના મધ્યસ્થી દ્વારા માલવાહક રીક્ષાને રોકી ટ્રાફીક પોઈન્ટદીઠ રૂ.૫૦નો હપ્તો લાંચ પેટે સ્વીકારી તેના બદલામાં પહોંચરૂપી ચોક્કસ પ્રકારનું કાર્ડ આપવાના મામલે એન્ટીકરપ્શન વિભાગની તપાસ આગળ ધપી રહી છે. આજે એસીબીના નાયબ નિયામક એ.પી. જાડેજા અને પી.આઈ. કે. એચ. ગોહિલે ટ્રાફીક પોલીસ જે વેપારી પાસે કાર્ડ છપાવતી હતી તેની દુકાન પર તપાસ કરી ૫૦૦ જેટલા કાર્ડ કબ્જે કર્યા હતા.

વેપારીની પ્રાથમિક પૂછપરછમાં ૧૫ જેટલા ટ્રાફીક બ્રિગેડ અને ૫-૭ પોલીસમેન વેપારી પાસેથી કાયમી ધોરણે નંબર અને ચોક્કસ સિમ્બોલ દર્શાવતા કાર્ડ લઈ જતા હોવાનું બહાર આવ્યુ છે.

લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલ બિપીન મકવાણા અને તેના મધ્યસ્થી દિપક પરમાર હજુ આવતીકાલ સુધી રિમાન્ડ પર છે. આ દરમિયાન પોલીસમેન અને ટ્રાફીક બ્રિગેડની યાદી એસીબી દ્વારા બનાવવામાં આવશે. આવતા દિવસોમાં આ તમામની વિધિવત પૂછપરછ કરી 'ઉઘરાણા'નું 'અત્થી ઈતિ' જાળવવા એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીઓ પ્રયાસો કરશે.

(9:15 am IST)