રાજકોટ
News of Wednesday, 8th February 2023

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ” યોજનાનો લાભ મેળવવા માટે આધાર સીડીંગ કરાવવું ફરજિયાત

રાજકોટ : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે સીડીંગ કરાવી લેવાનું રહેશે.

આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને રૂ.૨૦૦૦/-ના ત્રણ હપ્તામાં વાર્ષિક રૂ.૬,૦૦૦ની સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજનાનો તેરમો હપ્તો જમા કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર સિડિંગ સાથેનું બેન્ક ખાતું હોવું ફરજીયાત છે. (આધાર સીડિંગ એટલે આધાર ધારકના આધાર નંબરને તેમના બેંક ખાતા કે PAN સાથે લિંક કરવું.) આથી, જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે સીડીંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થીઓએ બેંકનો સંપર્ક કરી આધાર સિડિંગ કરાવી લેવાનું રહેશે.

ખેડુતોની સુવિધા માટે સરકાર દ્વારા આધાર સિડિંગ સાથે નવું ખાતું ખોલવાની સુવિધા દરેક પોસ્ટ ઑફિસમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેડૂત લાભાર્થીઓ આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે પોસ્ટ ઑફિસની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં કોઈ પણ પ્રકારનું ફોર્મ ભર્યા વગર આધાર સિડિંગ સાથે નવું ખાતું ખોલાવી શકે છે. આ માટે લાભાર્થીનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે રાખવાના રહેશે તેમ રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

(12:38 am IST)