રાજકોટ
News of Thursday, 9th January 2020

ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન મળવુ જોઈએઃ ઇશાની દવે

ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપવા 'ચાલો આપણે થોડા વધુ ગુજરાતી બનીએ' અભિયાનમાં જોડાવવા લોકગાયક પ્રફુલ્લ દવે અને લોકગાયિકા ભારતીબેન કુંચાલા (દવે)ની પુત્રી લોક ગાયિકા 'અકિલા'ની મુલાકાતે

રાજકોટ, તા. ૯ :. માતૃભાષાની શરમ એ માતાની શરમ બરાબર છે તેમ લોકગાયક પ્રફુલ દવે અને લોકગાયીકા ભારતી કુંચાલા (દવે)ની સુપુત્રી અને લોકગાયીકા-પ્લેબેક સિંગર ઈશાની દવેએ આજે અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફેસબુક લાઈવ કાર્યક્રમમાં મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું.

ઈશાની દવેએ જણાવ્યુ હતુ કે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે. હોલીવુડ, બોલીવુડમાં ગુજરાતી ગીતો આવે તે ગૌરવની વાત છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતી સાહિત્ય ગુંજતુ રહે તે મુખ્ય ધ્યેય છે. ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપવુ જોઈએ.

ઈશાની દવેએ વધુમાં જણાવ્યુ કે, માતૃભાષાને પ્રોત્સાહન આપવા માટે કોઈપણ વ્યકિત તત્પર હોવો જોઈએ. આ માટે સિંગર, ડાન્સરે પણ પોતાના ક્ષેત્રમાં માતૃભાષાને મહત્વ મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ કારણ કે માતૃભાષા સૌની છે. આપણી ગુજરાતી ભાષા ભુલાવી ન જોઈએ.

ઈશાની દવેએ જણાવ્યુ કે હું આજના યુવાધનને ગમે તે માટે જૂના ગીતોને નવી ટ્રીટમેન્ટ આપવા માંગુ છું. ગીતનો આત્મા ન મરે તે રીતે ગીતને યુવા હૃદયમાં ગુંજતુ કરવા તત્પર છું.

ઈશાની દવેએ વધુમાં જણાવ્યુ કે ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે 'ચાલો આપણે થોડા વધુ ગુજરાતી બનીએ...' એ કોન્સેપ્ટ અંતર્ગત એક નવી પહેલ શરૂ કરી છે. જેમા જૂના લોકસંગીત અથવા કવિતાઓ લાવવાની યોજના બનાવી છે જે બહુ પ્રખ્યાત નથી અને લોકોને ખબર નથી કે તે અસ્તિત્વમાં છે જેના દ્વારા ગુજરાતી લોકસંગીત અને સાહિત્યને ધબકતુ રાખવા માટે પ્રયાસ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈશાની દવે સંગીત ક્ષેત્રે કાર્યરત પરિવારમાંથી આવે છે. તે સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવે અને ભારતીબેન કુંચાલાની પુત્રી છે. ઈશાની દવેના ભાઈ હાર્દિક દવે પણ સાહિત્ય અને સંગીત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યા છે.

ઈશાની દવેએ ૧૨ વર્ષની ઉંમરે તેમના પિતા પ્રફુલ દવે સાથે લંડનમાં પ્રથમ વખત સ્ટેજ શો કર્યો હતો ત્યાર બાદ દેશવિદેશમાં તેમના સ્ટેજ શો થઈ રહ્યા છે.

ઈશાની દવેએ સાઉન્ડ એન્જીનીયરનો અભ્યાસ ઓસ્ટ્રેલીયામાં કર્યો હતો ત્યાર બાદ ભારતમાં આવીને ચેન્નઈમાં એ.આર. રહેમાનની કે.એમ. સંગીત સંરક્ષકમાં જોડાયા હતા.

યુ-ટયુબ પર ઈશાની દવેનુ પહેલુ ગીત ખમ્મા ઘણી... ખૂબ જ લોકપ્રિય થયુ હતું. ત્યાર બાદ ગુલાબી, ગરબડયો, પાપા પગલી જેવા હીટ ગીતો પણ આપ્યા છે. તેમને ગુલાબી સોંગ માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

તા. ૭ જાન્યુઆરીના રોજ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર લેટ્સ બી લિટલ મોર ગુજરાતીના હેશટેગનો ઉપયોગ કરીને પહેલુ ગીત 'વધાવો' રજૂ કર્યુ છે. યુ-ટયુબ ચેનલ પર રીલીઝ થયેલુ આ ગીત લગ્નગીત છે જે કન્યાની ભાવનાત્મક યાત્રા વિશે વાત કરે છે. આ ગીતનુ વિડીયો શૂટ પોલો ફોરેસ્ટમાં કરવામાં આવ્યુ છે અને નિર્દેશન કૃણાલ ઓડેદરાએ કર્યુ છે.

અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથેની વાતચીતમાં ઈશાની દવેએ ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે શું શું કરી શકીએ ? તે અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ.(૨-૧૯)

લોકડાયરા અને ગરબામાં હિન્દી ફિલ્મી ગીતો ગાવાનું બંધ કર્યુ

રાજકોટ : ઇશાની દવેએ જણાવ્યું હતું કે લોકડાયરા તથા ગરબાઓમાં ફિલ્મી ગીતોનું પ્રમાણ વધી રહયુ હતુ. જેથી મે ર૦૧૭થી લોકસંગીતના કાર્યક્રમમાં હિન્દી ગીતો ગાવાનું બંધ કરી દીધુ હતુ.

ચાલો આપણે થોડા વધુ ગુજરાતી બનીએ અભિયાનમાં જોડાવવા આહવાન

રાજકોટ : ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ઇશાની દવેએ ચાલો આપણે થોડા વધુ ગુજરાતી બનીએ તે અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનમાં  સૌ લોકોને જોડાવવા આહવાન કર્યુ છે આ માટે ઇશાની દવેનો ફેસબુક ઉપર ઇશાની દવે તથા ટવીટર ઇશાની પી દવેનો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:52 pm IST)