રાજકોટ
News of Thursday, 9th January 2020

પ્રમુખ વી.પી. વૈષ્ણવની આગેવાની હેઠળ ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ CMને મળ્યું

સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત

રાજકોટ, તા. ૯ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, કારોબારી સભ્ય વિનોદભાઈ કાછડીયા તથા નિલેશભાઈ ભલાણી (ભિમભાઈ)એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વિવિધ મહત્વના પ્રશ્નો અંગે રજૂઆત કરેલ. જેમાં ખાસ (૧) રાજ્ય સરકાર શ્રી દ્વારા ઔદ્યોગીક વિકાસને ધ્યાનમાં લઈ રાજકોટના લોધીકા તાલુકાના ખીરસરા ગામ ખાતે જીઆઈડીસીની ફાળવણી કરવામાં આવેલ છે. આ જીઆઇડીસીમાં પ્લોટીંગ કરતા પણ અનેકગણી અરજીઓ થયેલ છે. તેથી ટુંક સમયમાં લક્કી ડ્રોનું આયોજન થનાર છે. તેથી આ લક્કી ડ્રો દરમ્યાન વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા તમામ એસોસીએશનોને સાથે રાખી લક્કી ડ્રો કરવામાં આવે તે અંગે. (ર) હાલમાં રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી ખૂબ જ મંદગતિએ ચાલતો હોય તેવું જણાય રહ્યું છે તેથી આ પ્રોજેકટ તેની નિર્ધારીત સમય મર્યાદા તા. ૩૧ માર્ચ ર૦ર૧ સુધીમાં તાત્કાલીક પૂર્ણ થાય તે બાબત (૩) મુસાફરોની વધુ સુવિધા અર્થે ટ્રેન નં. રર૯૧૯/રર૯ર૦ અમદાવાદ-મદ્રાસ-અમદાવાદ હમસફર એકસપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટે ખાસ માંગણી મૂકી રજૂઆત કરવામાં આવેલ. આમ રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મૌખિક તથા લેખિત રજુઆત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સહાનુભૂતિ દર્શાવવામાં આવેલ અને રાજકોટ ચેમ્બર દ્વારા ધ્યાન પર મૂકાયેલ પ્રશ્નો અંગે તુરંત યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

(3:33 pm IST)