રાજકોટ
News of Wednesday, 9th January 2019

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બનતા અકસ્માત રોકવા વોકીંગ પાથની સુવિધા બનાવો

પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડનું રાજય સરકારને સુચન

રાજકોટઃ તા.૯, રાજકોટ અને  સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા  રાજયના ધોરીમાર્ગ પર અવારનવાર પદયાત્રિઓના અકસ્માતમાં કરૂણ મોત નીપજે છે. ત્યારે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મનોજ રાઠોડે અમદાવાદ રાજકોટ  ધોરીમાર્ગ નજીક અલગથી વોકિંગ પાથની સગવડતા ઊભી કરી પદયાત્રીઓને સુરક્ષા પૂરી પાડવાનું સ્તુત્ય સૂચન રાજયના મુખ્યમંત્રીને કર્યું છે.

શ્રી મનોજ રાઠોડે નિવેદનમાં જણાવ્યુ છેકે સૌરાષ્ટ્રના  અનેક સ્થળોએ લોકોની આસ્થાના પ્રતિક સમાં ધાર્મિક સ્થળો આવેલા છે. આવા સ્થળોએ ભાવિકો અને શ્રદ્ઘાળુઓ મહત્વના તહેવારો, તિથીઓ અને પ્રસંગોપાત પદયાત્રા કરીને જતાં હોય છે. ધાર્મિક સ્થળનું લાંબુ અંતર કાપવા તેઓ રાત્રિના સમયે પણ પદયાત્રા કરતાં હોય છે. પણ, સૌરાષ્ટ્ર અને  રાજકોટ  જિલ્લાને જોડતાં      હાઇ વે ઉપર વાહનચાલકો પદયાત્રિઓના જીવનની પરવા કર્યા વગર જ બેફામ વાહનો દોડાવીને પદયાત્રીઓની મહામૂલી જિંદગી હણી લે છે. હાઈ વે ઉપર પદયાત્રીઓને અડફેટે લઈને ગમખ્વાર અકસ્માત સર્જવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. અને, કેટલીક ઘટનાઓમાં રાજય સરકારે સહાય પણ જાહેર કરવી પડી છે,

સૌરાષ્ટ્રમાં સોમનાથ, ચોટીલા, વિરપુર, દ્વારકા, સારંગપુર, બગદાણા,  ખોડલધામ, ઉમિયાધામ, પાલિતાણા,સતાધાર, માટેલ, રાજપરા,  હાથલા, જડેશ્વર, નાગેશ્વર,  જેવા અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. આ તમામ સ્થળો એવા છે કે જયાં ભાવિકો અવાર નવાર પદયાત્રા કરીને જાય છે. ખાસ કરીને શકિતધામ તરીકે પ્રખ્યાત એવા ચોટીલા ખાતે દર માસે પુનમ ભરવા માટે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં બલ્કે ગુજરાતભરમાથી ભાવિકો દર મહિને પગપાળા આવે છે. આવી જ રીતે દ્વારકામાં હોળી ધૂળેટી તથા જન્માષ્ટમી જેવા મહત્વના પર્વે દેશભરમાથી અનેક ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવે છે. શ્રાવણ માસમાં પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ ખાતે જુદા જુદા સ્થળોએથી ભાવિકો પદયાત્રા કરીને આવે છે. આમ જ પાલિતાણા શેત્રુંજય ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ પદયાત્રા કરીને દર્શન માટે આવે છે. ખાસ કરીને ચાતુર્માસ પૂર્ણ થયા બાદ જયારે જૈન સાધુ સાધ્વીજીઓ અને ગુરુ ભગવંતો અન્ય સ્થળે વિહાર કરીને જતા હોય ત્યારે જો આવા અકસ્માતમાં તેઓ કાળધર્મ પામે ત્યારે માત્ર જૈન સમાજમાં જ નહીં તમામ હિન્દુ ધર્મના શ્રદ્ઘાળુઓમાં અરેરાટી ફેલાઈ જાય છે. એક તરફ રાજય સરકાર દ્વારા જુદા જુદા શેહરો ને જોડવા રાજકોટ  અમદાવાદ ધોરીમાર્ગ સિકસ લેન કરી રહી છે ત્યારે આ સુવિધાની સાથોસાથ જો પદયાત્રીઓની સુવિધા માટે અલગ થી વ્યવસ્થા કરીને વોકિંગ પાથ પણ બનાવવામાં આવે તો અનેક માનવ જિંદગી બચી જશે તેમ જણાવી મનોજ રાઠોડે  (મો. ૯૮૨૪૨ ૫૧૬૬૩) આ મુદે ગંભીરતાથી યોગ્ય દિશામાં કામગીરી કરવાની માગણી અંતમાં કરી છે. (૪૦.૪)

(4:01 pm IST)