રાજકોટ
News of Thursday, 8th December 2022

જસદણના ગોડલાધારનો યુવાન ઘઉં લેવા જેવા નીકળ્‍યા બાદ લાશ મળીઃ હત્‍યાનો આક્ષેપ

શિવરાજપુરની યુવતિ સાથે ફોનમાં વાતચીત કરતો હોઇ યુવતિના પરિવારને ખબર પડી જતાં ધમકીઓ મળતી હતીઃ આઠેક દિવસ ગામ છોડી ગયો'તોઃ પરમ દિવસે જ પરત આવ્‍યો અને ગત સાંજે શંકાસ્‍પદ મોત થયું:ગામની સીમના રસ્‍તા પરથી બાઇક ઘોડી ચડાવેલુ મળ્‍યું: બાજુમાં હિતેષની લાશ પડી હતીઃ ગાલ પાસે ઇજા

રાજકોટ તા. ૮: જસદણના ગોડલાધાર ગામે રહેતો હિતેષ બોઘાભાઇ માનકોલીયા (કોળી) (ઉ.વ.૨૪) નામનો યુવાન ગત સાંજે સાડા છએક વાગ્‍યે ઘરેથી જસદણ વાવણી માટેના ઘઉં લેવા જઇ રહ્યાનું કહીને બાઇક લઇને નીકળ્‍યા બાદ સાડા સાતેક વાગ્‍યા પછી તેની લાશ ગામની સીમમાં રોડ કાંઠેથી મળતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેના ગાલ પાસે ઇજાના નિશાન હોઇ અને શિવરાજપુરની યુવતિ સાથેની મિત્રતાને કારણે યુવતિના પરિવારજનો તરફથી ધમકીઓ મળતી હોઇ હત્‍યા થયાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મૃત્‍યુ પામનાર હિતેષ ચાર ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેના માતાનું નામ સવિતાબેન છે અને પિતા બોઘાભાઇ પણ ખેતી કામ કરે છે. હિતેષના ભાઇએ જણાવ્‍યું હતું કે હિતેષને શિવરાજપુરની એક યુવતિ સાથે મિત્રતા હોઇ બંને ફોન પર વાતચીત કરતાં હતાં. બારેક દિવસ પહેલા યુવતિના ઘરના લોકોને તેણીનો ફોન મળી જતાં તે મારા ભાઇ સાથે વાત કરતી હોવાની જાણ થઇ જતાં એ લોકો તરફથી મારા ભાઇને ફોન કરી ધમકી અપાતી હતી. આ કારણે તે ગામ છોડીને જતો રહ્યો હતો અને આઠેક દિવસ પછી પરમ દિવસે જ પાછો ઘરે આવ્‍યો હતો.

ગઇકાલે સાંજે તે બાઇક લઇને જસદણ બિયારણના ઘઉં લેવા જાય છે તેમ કહીને નીકળ્‍યા બાદ તેની લાશ ગામની સીમમાં રસ્‍તા પાસે પડી હોવાની અમને જાણ થઇ હતી. તેનું બાઇક ઘોડી ચડાવેલુ હતું અને હિતેષના ગાલ પાસે ઇજાના નિશાન દેખાયા હતાં. તેની કોઇએ હત્‍યા કર્યાની અમને શંકા હોઇ પોલીસે લાશને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડી હતી. તેમ વધુમાં હિતેષના ભાઇએ જણાવ્‍યું હતું.

(11:33 am IST)