રાજકોટ
News of Wednesday, 8th December 2021

કેકેવી ચોક સહિતના બ્રિજના કામો ટલ્લે ચડયા : લોકો ત્રાહીમામ

રાજકોટ તા. ૮ : શહેરમાં ચારે તરફ બ્રીજ બની રહ્યા હોઇ ટ્રાફિકજામ સહિતની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે મ.ન.પા.ના અધિકારીઓ - પદાધિકારીઓ બ્રીજની સ્થળ મુલાકાતો લઇ કામગીરી વેગવંતી ચાલતી હોવાના દાવા કરી રહ્યા છે જે ખોખલા સાબિત થઇ રહ્યા છે. કેમકે છેલ્લા કેટલાક દિવસથી કાલાવડ રોડ કેકેવી બ્રીજનું કામ બંધ થઇ ગયું છે. અન્ય ચાર બ્રિજના કામો પણ અત્યંત ધીમા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ કેકેવી ચોક બ્રિજનું કામ છેલ્લા કેટલાક દિવસથી અટકી ગયું છે. આ બ્રિજને ટુંકાવવા માટે રસ્તા પર આવતી શૈક્ષણિક સંસ્થાએ રજુઆત કરી છે તેની સાથોસાથ અહી મજુરો પણ નહી હોવાથી કામ અટકેલું પડયું છે.

આજ પ્રકારે નાનામૌવા ચોકડી, રામાપીર ચોકડી અને જડ્ડુસ ચોકડી વગેરે બ્રીજની કામગીરી પણ મજુરોની તંગી સહિતના પ્રશ્ને અત્યંત ઢીલી પડી રહી છે.

જ્યારે લક્ષ્મીનગર અન્ડરબ્રીજનો હાથી પૂછડે આવીને અટકી ગયો છે. આ બ્રિજમાં હવે માત્ર ૨૦ ટકા કામ જ બાકી છે જેનું લોકાર્પણ જાન્યુઆરીમાં થઇ જશે તેવી જાહેરાત મ્યુ. કમિશનર - મેયર કરી ચુકયા છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે દ્વારા આ બ્રિજ માટે હજુ વધુ રૂા. ૭ થી ૮ કરોડ માંગ્યા છે.

આમ, લક્ષ્મીનગર બ્રિજનું કામ નાણાના પ્રશ્ને ઢીલુ પડી ગયું છે.

ટુંકમાં શહેરીજનોને હજુ લાંબો સમય ટ્રાફિકજામની હાડમારી સહન કરવી પડે તેવી સ્થિતિ હાલમાં છે. જો કે લક્ષ્મીનગર બ્રિજ જાન્યુઆરીમાં ચાલુ થાય તો થોડો ટ્રાફિક ઓછો થવાની શકયતા છે.

(3:24 pm IST)