રાજકોટ
News of Saturday, 8th December 2018

મંદિર નિર્માણ માટે ગુજરાતમાં ૨૩ ધર્મસભાઓ, ૧૬મીએ સાંજે વિ.હિ.પ. ઢેબર ચોક ગજાવશે

કેન્દ્ર સરકાર કાનૂન બનાવી મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરેઃ ગોપાલજી

વિહિપના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી ગોપાલજી પરિષદ કાર્યાલયે પત્રકાર પરિષદ સંબોધી રહયા છે. બાજુમાં અગ્રણીઓ શાંતુભાઇ રૂપારેલિયા અને હરિભાઇ ડોડિયા ઉપસ્થિત છે.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા.૮: વિશ્વ હિન્દુ પરિષદના (રાજસ્થાન અને ગુજરાત) ક્ષેત્રીય સંગઠનમંત્રીશ્રી ગોપાલજીએ પ્રેસ કોન્ફોરન્સમાં જણાવેલ કે મર્યાદા પુરૂષોતમ શ્રી રામ આરાધ્ય દેવ છે. ભગવાન રામના જન્મ સ્થાન અયોધ્યામાં તેમનું ભવ્ય મંદિર તાત્કાલિક નિર્માણ થાય તેવી કરોડો હિન્દુઓની અપેક્ષા છે. તેના સંદર્ભે રાજકોટમાં તા.૧૬મીએ ધર્મસભા રાખેલ છે.

સંતોના આદેશ મુજબ વિશ્વ હિન્દુ પરિષદ ૧૯૮૪થી સતત રામ જન્મભૂમિ માટે આંદોલન કરી રહયું છે. ૨૦ કરોડથી પણ વધુ લોકો આ આંદોલનમાં સહભાગી થઇ ચુકયા છે અને હજારો રામ ભકતો શહિદ થયા છે. ૧૯૫૦થી રામ જન્મભૂમિ માટે કેસ અદાલતમાં પણ લડી રહયાં છીએ. ૬૮ વર્ષથી લાંબા સમય સુધી ન્યાય મળ્યો નથી. હવે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશે રામ જન્મભૂમિના કેસને તત્કાલ સાંભળવા માટેની દલીલને ઇન્કાર કરતાં કહેલ કે આ કેસ પ્રાથમિકતામાં નથી એટલા માટે કેન્દ્ર સરકાર સંસદમાં કાનુન બનાવીને રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર નિર્માણ કરે અને મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરે એવો શ્રધ્ધેય સંતોનો આદેશ છે. દેશભરમાં બધા સંસદીય ક્ષેત્રોમાં વિશાળ જનસભાના માધ્યમથી જન ભાવનાને ગવાડવા માટે તેમજ બધા સાંસદોને આવેદન આપી સંસદમાં જે વિધાયક મુકાય તેને સમર્થન કરવાનો આગ્રહ કરશે તેમ ગોપાલજીએ જણાવ્યું હતું.

ગુજરાતના બધા સંસદીય ક્ષેત્રમાં (કુલ ૨૩) ડીસેમ્બર મહિનામાં તા. ૯,૧૬,૧૮ની તારીખોમાં સભાઓ થશે. રાજકોટના સંસદીય ક્ષેત્રમાં તા. ૧૬ ડીસેમ્બરે સાંજે ૭ વાગ્યે ઢેબરભાઇ ચોક, ત્રિકોણબાગ ખાતે ધર્મસભા થશે. જેમાં વિવિધ સંપ્રદાયના બધા સંતો ભાગ લેશે તથા ૨૦થી રપ હજાર રામભકતો સહપરિવાર ભાગ લેશે અને ભાગ લઇ રામજન્મભૂમિ ઉપર ભવ્ય શ્રી રામ મંદિરનું નિમાર્ણ થાય એ માટે તેમનું  યોગદાન આપશે.

આ પ્રસંગે હરિભાઇ ડોડીયા, શાંતુભાઇ રૂપારેલિયા, હસુભાઇ ચંદારાણા, હરેશભાઇ ચૌહાણ, ભુપતભાઇ ગોવાણી, નીતેશભાઇ કથીરીયા, રશ્મીતભાઇ પંચાસરા વગેરે હાજર રહયા હતા.

તોગડિયા વિહિપ છોડી ગયા છે, એને જનસમર્થન મળતુ નથી

રાજકોટઃ વિહિપના ક્ષેત્રીય સંગઠન મંત્રી ગોપાલજીએ વિહિપથી અલગ પડી ડો. તોગડિયાએ એ.એચ.પી.ની સ્થાપના કર્યા અંગેના પત્રકારોને સવાલના જવાબમાં જણાવેલ કે વિહિપે તેમને છોડયા નથી. તેઓ છોડી ગયા છે. તેમણે અયોધ્યા કૂચ વખતે ૧ લાખ લોકો ભેગા કરવાનો દાવો કરેલ પણ માંડ પાંચ-સાત હજાર લોકો ભેગા થયેલ. તે જ બતાવે છે કે તેમને પુરતુ જનસમર્થન મળતું નથી. પરિષદ તેમની વિરૂદ્ધમાં નથી.

(4:27 pm IST)