રાજકોટ
News of Friday, 8th October 2021

મોદીનો જાદુ દેશમાં ચાલે, પંજાબમાં નહિ : મનપ્રિત સિંઘ

ઇ-કોમર્સ કંપનીને લાભ આપવાથી નાના ધંધા ભાગ્યા : રાજકોટમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ભા.જ.પ સરકાર સામે પંજાબના નાણામંત્રીના તીખા પ્રહારો

શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારે ૧૦:૩૦ કલાકે નાગર બોર્ડીંગ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંહે બાદલે સંબોધી હતી. તે વખતની તસ્વીરમાં શહેર કોંગ્રેસ સમિતિના કાર્યવાહી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી,ગાયત્રીબા વાઘેલા(પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ), ભાનુબેન સોરાણી ( મ.ન.પા.ના વિપક્ષી નેતા), પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત (કોંગ્રેસના પ્રદેશ આગેવાન), ડો. હેમાંગભાઇ વસાવડા, દિનેશભાઇ મકવાણા, રહીમભાઇ સોરા, નિદતભાઇ બારોટ, ધરમભાઇ કંબલીયા, અતુલભાઇ રાજાણી, પ્રવિણભાઇ રાઠોડ, સુરેશભાઇ બથવાર, દિપ્તીબેન સોલંકી, ભાર્ગવભાઇ પઢીયાર અને હિમાલયરાજ રાજપૂત વિગેરે નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૮ : પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંહ આજે રાજકોટમાં પત્રકાર પરીષદ સંબોધી ભ્રષ્ટાચાર, બેરોજગારી તથા નશાની ભરમાર સહિતના મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. અને ઇ-કોમર્સ કંપની એ ૮,૫૪૬ કરોડ રૂપિયા આપી ભ્રષ્ટાચાર કર્યોના આક્ષેપો કર્યા હતા. મોટા ડ્રગ કેસની તપાસ સુપ્રિમ કોર્ટના સિટિંગ જજ પાસે થવી જોઇએ તેવી માંગ કરી હતી. આ સમયે આવતા દિવસોમાં આવતી પંજાબની ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, આખા ભારતમાં મોદીનો જાદુ ચાલે છે, પરંતુ પંજાબની ધરતીમાં જ જાદુ છે માટે પંજાબની જનતા અન્યાય પસંદ નથી કરતા. એક માત્ર પંજાબમાં મોદીનો જાદુ નહિ ચાલે. ચાલશે પણ નહીં, હા. જો ન્યાય આપશે તો પંજાબની જનતા તેમને જરૂર સ્વકારશે.

શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારે પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંહ બાદલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતુ કે, ઇન્ટરનેશનલ કંપની એમેઝોન છેલ્લા બે વર્ષમાં ૮૫૪૬ કરોડ રૂપિયા લીગલ ફી આપી ભ્રષ્ટાચાર કર્યો છે. અને નાના દુકાનદારો તેમજ નાના વેપારીના ધંધા ભાંગી નાખવા ઇ-કોમર્સ કંપનીને લાભ આપવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, છેલ્લા એક વર્ષમાં ૧૪ કરોડ નોકરીઓનો અંત આવ્યો. દુકાનદાર, નાના ઉદ્યોગકાર, એમએસએમઈ, યુવાનો, બધાના ધંધાનો નાશ થયો. આ બધાની રોજગારી જવાનું કારણ હવે સ્પષ્ટ છે. એમેઝોન કંપનીએ છેલ્લા ૨ વર્ષમાં ભારતમાં કાનૂની ખર્ચ માટે ૮૫૪૬ કરોડ રૂ.નો ખર્ચ કર્યો છે. આ દેશના કાયદા મંત્રાલયનું બજેટ ૧૧૦૦ કરોડ છે અને સામે ૮૫૪૬ કરોડ રૂ. આપ્યા જે દર્શાવે છે કે એમેઝોન કંપની ભ્રષ્ટાચારના ભાગરૂપે ભારતમાં રૂપિયા વહાવી રહી છે, ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકારને કેટલાક સવાલો કર્યા હતા.

મનપ્રિતસિંહે વધુમાં હતુ કે, બીજી તરફ તાજેતરનો દુનિયાનો સૌથો મોટો ડ્રગ કેસનો ખુલાસો હાલમાં સામે આવ્યો. જેમાં ૧ લાખ ૭૫ હજાર કરોડ રૂપિયાનું ૨૫,૦૦૦ કિલો ડ્રગ ઝડપાયું જે મામલે કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા. આ તમામ હેરોઇન જથ્થો કયા ગયો ? NDPS, ED,CBI,DRI આ તમામ ટીમ શું કાર્યવાહી કરી રહી છે ? રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં થઇ રહ્યા છે. આ ડ્રગની વાત તાલિબાન અને અફઘાન સાથે ઝોડાયેલી છે. અને અદાણી તેમજ મુન્દ્રા પોર્ટની તપાસ થવી જોઅઇે. ત્યારે કોંગ્રેસે આ બંને મુદ્દા પર સુપ્રિમ કોર્ટના સિટિંગ જજ પાસે તપાસ થવી જોઇએ. તેવી માંગ કરી છે. (૨૨.૩૩)

પેટ્રોલ -ડીઝલનો પણ GSTમાં સમાવેશ કરો

પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ અંગે મનપ્રિતસિંઘે નિવેદન આપતા જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ પર ૭ વર્ષથી એકસાઇઝ ડ્યુટી વધારે છે. એકસાઇઝ ડ્યુટ ઘટાડવી જોઇએ તો પેટ્રોલ ભાવ ઘટી શકશે. પેટ્રોલ ડીઝલ નો પણ જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પેટ્રોલ -ડીઝલના ભાવ વધારા અર્થતંત્ર મોંઘુ થઇ રહ્યું છે.

(3:41 pm IST)