રાજકોટ
News of Friday, 8th October 2021

નવાગામમાં ફઇના દિકરાને છરીના ઘા ઝીંકી ભાગી ગયેલા શખ્સના પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રમેશભાઇ પરમારે જીવ દીધોઃ ગઇકાલે જ તેના પુત્ર ધર્મેશ વિરૂધ્ધ મારામારીનો ગુનો દાખલ થયો હતોઃ ધર્મેશને હાજર કરવાનો હતો તેનું ટેન્શન હતું તેમજ આર્થિક સંકડામણ સહિતની બાબતોને કારણે ચિંતામાં હતાં

રાજકોટ તા. ૮: નવાગામ  સાત હનુમાન સોખડા રોડ પર મફતીયાપરામાં રહેતાં રમેશભાઇ ભીમાભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામના આધેડે સવારે દસેક વાગ્યે ઘરે લોખંડના એંગલમાં કડીયા કામમાં વપરાતી પ્લાસ્ટીકની નળી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

સવારે રમેશભાઇના પત્નિ બહાર કપડા ધોઇ રહ્યા હતાં અને પુત્ર પ્રફુલ બહાર પાન ફાકી ખાવા ગયો હતો. તે પાછો આવ્યો ત્યારે પિતાને લટકતાં જોતાં દેકારો મચાવતાં બધા ભેગા થઇ ગયા હતાં. રમેશભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધાનું જાહેર થતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવાના એએસઆઇ એન. આર. વાણીયા અને જયદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રમેશભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને કડીયા કામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર ધર્મેશ તથા પ્રફુલ અને એક દિકરી છે.

દિકરા પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે ગઇકાલે જ નવાગામમાં મારામારી થઇ હતી. જેમાં મારા ભાઇ ધર્મેશે મારા ફઇના દિકરા ભાવેશ પરમારને મકાનની મજૂરીના જુના ડખ્ખાને કારણે છરીના બે ઘા ઝીંકી દીધા હતાં અને તે ભાગી ગયો હતો. આ અંગે કુવાડવા પોલીસે ભાવેશની ફરિયાદ પરથી મારા ભાઇ ધર્મેશ સામે ગુનો નોંધ્યો હતો. ધર્મેશ મોરબી તરફ હોવાની માહિતી મળી હતી. પણ ત્યાંથી મળ્યો નહોતો. તેને પોલીસમાં હાજર કરવા કહેવાયું હોઇ અને પોલીસ સ્ટેશને અમને પણ બોલાવાયા હોઇ જેથી મારા પિતાજી ચિંતામાં હતાં. આ ઉપરાંત આર્થિક સહિતની બાબતોથી પણ ટેન્શનમાં હતાં. કદાચ આવા બધા કારણો ભેગા થઇ જતાં આ પગલુ ભર્યુ હશે.

પરિવારના મોભીના મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. ફઇના દિકરા પર હુમલો કરી ભાગી ગયેલો ધર્મેશ હજુ પકડાયો નથી. ત્યાં તેના પિતાએ આવુ પગલુ ભરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. 

(3:12 pm IST)