રાજકોટ
News of Tuesday, 8th October 2019

નવાગામના બૂક સેલર કેતનભાઇ જોબનપુત્રાના રહસ્યમય મોતમાં ઉંડાણપૂર્વક તપાસ કરાવવા બે બહેનોની માંગણી

૧૧/૭ના રેસકોર્ષના પુસ્તક મેળામાંથી ગૂમ થયા બાદ લિમડા ચોકની હોટેલમાંથી લાશ મળી હતીઃ આપઘાત નહિ હત્યા હોવાની શંકાઃ ત્રણ મહિના પહેલાની ઘટનામાં બે મહિલાઓની પુછતાછ કરાવવા, મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવાની માંગણીઃ જુદા-જુદા મુદ્દે ન્યાયી તપાસ થાય તો સત્ય સામે આવે તેવી નયનાબેન સચદેવ અને તરૂબેન સિમરીયાને આશા

રાજકોટ તા. ૯: પોણા ત્રણ મહિના પહેલા નવાગામ આણંદપરના પુસ્તક મેળાના સંચાલક લોહાણા યુવાન કેતનભાઇ જોબનપુત્રા રેસકોર્ષના પુસ્તક મેળાના સ્ટોલમાંથી ગૂમ થયા બાદ લિમડા ચોકની હોટેલના રૂમમાંથી તેમની લાશ મળી હતી. ઘટના આપઘાતની હોવાનું સ્યુસાઇડ નોટ પરથી પોલીસે જાહેર કર્યુ હતું. પરંતુ કેતનભાઇના બે બહેનોએ આ ઘટનામાં કંઇક બીજુ જ રહસ્ય હોવાની ચોંકાવનારી રજૂઆત પોલીસ કમિશનરશ્રીને કરી બે મહિલા પાત્રની તપાસ કરવા તેમજ સીસીટીવી ફૂટેજ, મોબાઇલની કોલ ડિટેઇલ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવે તો સત્ય કંઇક જુદુ જ નીકળશે તેવી દહેશત સાથે ઇમાનદાર-તટસ્થ પોલીસ અધિકારી પાસે તપાસ કરાવવા માંગણી કરી છે.

મૃત્યુ પામનાર નવાગામના બૂક સેલર કેતનભાઇ ધીરજલાલ જોબનપુત્રાના બહેનો નયનાબેન કરણભાઇ સચદેવ (રહે. નવાગામ આણંદપર) તથા તરૂબેન હિરેનભાઇ સીમરીયા (રહે. પ્રસાદ એપાર્ટમેન્ટ, રામાપીર ચોકડી બંસીધર પાર્ક)એ પોલીસ કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી પોતાના ભાઇના આપઘાત મામલે વિવિધ મુદ્દે તપાસ કરાવી સત્ય સામે લાવવા માંગણી કરી છે. નયનાબેન અને તરૂબેને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે અમારા નાના ભાઇ કેતનભાઇ જોબનપુત્રા તા. ૧૧/૭/૧૯ના રોજ રેસકોર્ષમાં પુસ્તક મેળો યોજાયો હોઇ તેમાં પોતાના બૂકના સ્ટોલ ખાતેથી ગૂમ થયા હતાં. તેમનો ફોન રિસીવ થતો ન હોઇ અમે શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો નહોતો. જે તે દિવસે મોબાઇલ ફોનનું લોકેશન લિમડા ચોકનું આવ્યું હોઇ ત્યાંની હોટેલોમાં તપાસ કરી હતી. અહિની સિલ્વર સેન્ડ હોટેલમાં પણ અમારા ભાઇનો ફોટો બતાવી આ ભાઇ અહિ ઉતર્યા છે કે કેમ? તેની તપાસ કરી હતી, પણ ત્યાંથી એવું કહેવાયેલુ કે રાજકોટના રહેવાસીઓને અમે રૂમ આપતા નથી.

એ પછી ક્રાઇમ બ્રાંચમાં અરજી આપી હતી અને પ્ર.નગર પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ આ હોટેલના રૂમ નં. ૩૦૫માંથી અમારા ભાઇની લાશ મળી હતી. તેણે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે-હું જે પગલુ ભરુ છું તે રાજીખુશીથી ભરૂ છું, મને કોઇ બાબતમાં ઉપાદી નથી, હું મરું તો મારી પાછળ કોઇને હેરાન કરશો નહિ, આટલી મારી વિનંતી છે. મારે કોઇને રૂપિયા આપવાના નથી. મારે ખાલી લેવાના હશે બધા પાસે. કોઇ દબાણ નથી. હું શાંતિથી જીવ્યો અને શાંતિથી મરવા માંગુ છું. આટલી મારી ઇચ્છા છે...આ સ્યુસાઇડ નોટ પોલીસે અમને બતાવી હતી.

બંને બહેનોએ રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે ૧૧/૭ના બપોરે ૧:૨૦ કલાકે અમારા ભાઇ આર વર્લ્ડ સિનેમા હોલમાં ફિલ્મ જોવા ગયા હતા. અમે સીસીસીટી ફૂટેજ ચેક કરતાં બપોરે ૧૨:૩૦ કલાકે રેસકોર્ષ બાલભવન આર્ટ ગેલેરી બહાર અમારા ભાઇ કેસરી પુલ ૫ાસે જીતેન્દ્ર બૂક સ્ટોર ધરાવતાં કિંજલબેન માણેક સાથે દેખાયા હતાં. તેઓ પોતાનું એકટીવા લઇને ઉભા હતાં. એ પછી તેઓ મારા ભાઇના બૂલેટ પાછળ બેસી થોડે આગળ જતાં અને બાદમાં વાત કરતાં દેખાય છે. ત્યારબાદ મારા ભાઇ બૂલેટની ચાવી કિંજલબેનને આપી દઇ રિક્ષામાં જતાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં અમને દેખાયા હતાં. એ પહેલા ૧૦/૭ના રોજ કિંજલબેને અમારા બીજા ભાઇ નરેન્દ્રભાઇને ફોન કરીને કહ્યું હતું કે-તારો નાનો ભાઇ કેતન કંઇક ખોટુ પગલુ ભરવાનો છે. જેથી મારા ભાઇએ કેતને પુછતાં તેણે કહેલ કે હું કોઇ ખોટુ પગલુ ભરવાનો નથી, મારે જસ્સી નામની છોકરી સાથે લગ્ન કરવા છે.

અમારો ભાઇ સુખી સંપન્ન હતો. કોઇ તેની પાસે પૈસા પણ માંગતું નહોતું. તે સારા મનોબળના હોઇ સ્યુસાઇડ કરે તેમ નહોતાં. કોઇએ મર્ડર કરી ઘટનાને સ્યુસાઇડમાં ખપાવી દીધાની અમને દહેશત છે. સિલ્વર સેન્ડ હોટેલના સીસીટીવી ફૂટેજ માંગેલ ત્યારે પોલીસે કહેલું કે બે-ત્રણ દિવસમાં ફૂટેજ આપીશું અને કિંજલબેન માણેકનું નિવેદન તથા તમારા ભાઇની સ્યુસાઇડ નોટ પણ આપીશું. અઠવાડીયા પછી અમે ફરી પોલીસ સ્ટેશને ગયા ત્યારે નિવેદન કે સ્યુસાઇડ નોટની કોપી આપ્યા નહિ. હોટેલના કેમેરા બંધ હોવાનું કહેવાયું હતું!

અમારા ભાઇ જે છોકરી સાથે લગ્ન કરવાના હતાં તેનું એડ્રેસ પણ અમને કિંજલબેને આપ્યું હતું. કિંજલબેન ઘણું જાણતા હોય તેવી અમોને શંકા છે. આમ છતાં તેઓ અમોને કોઇ માહિતી આપતાં નથી. અમારા ભાઇના મૃત્યુ અંગે યોગ્ય તપાસ થતી નથી અને બધુ રફેદફે કરવા પ્રયાસ થતો હોય તેવું લાગે છે.

જસ્સીબેન શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેની સાથે મારા ભાઇ લગ્ન કરવા ઇચ્છતા હતાં. તેની પુછતાછ થાય તો પણ મારા ભાઇના રહસ્યમય મોતનું સાચુ કારણ બહાર આવે તેમ છે. ઇમાનદાર-તટસ્થ અધિકારીનને તપાસ સોંપવામાં આવે તેવી અમારી બંને બહેનોની માંગણી છે. અમારા ભાઇ સ્વ. કેતનભાઇના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવાથી પણ ઘણું મળી શકે. અગાઉ પણ અમોએ લેખિત અરજી કરી છે, પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. આથી ફરીથી અરજી કરવાની ફરજ પડી છે. તેમ અંતમાં નયનાબેન સચદેવ અને તરૂબેન સીમરીયાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

(11:46 am IST)