રાજકોટ
News of Tuesday, 9th October 2018

આજી ડેમમાં હજારો કેટ ફીશ (મુછાળા માછલા)નાં મોત પાછળ ગાંઠિયા ?!

ડેમમાં માછલાઓને ખવડાવવામાં આવતાં ગાંઠિયાનું તેલ પાણીમાં ભળવાથી ઓકસીજન ઘટી ગયો હોવાથી માછલાઓનાં મોતનું પ્રાથમિક તારણઃ મૃત માછલીની ગાંધીનગર FSLમાં તપાસઃ ડેમનંુ પાણી રાજય સરકારની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયું: ઓચિંતાજ માછલાઓના મોત પાછળ ખોરાકી ઝેર કારણભુત હોવાની તંત્રને શંકાઃ મ્યુ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા સમગ્ર ઘટનાની ગંભીર તપાસ

રાજકોટ : આજીડેમમાં ગઇકાલથી કેટફીશ (મુછાળા માછલા)ઓનાં મોતનો સીલસીલો શરૂ થયો છે. ગઇકાલે હજારો મૃત માછલાઓનાં નિકાલ બાદ આજે સવારે પણ ફાયર બ્રિગેડની ટીમે રબ્બર બોટથી પેટ્રોલીંંગ કરી વધુ મૃત માછલાઓ શોધી તેનો નિકાલ કર્યો હતોે તે વખતની તસ્વીરોમાં ચીફ ફાયર ઓફિસર શ્રી ઠેબા તથા ફાયર બ્રિગેડની ટીમ દર્શાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ :. શહેરને પાણી પુરૂ પાડતા આજી-૧ ડેમમાં કેટફીશ (મુછાળા માછલા) હજારોની સંખ્યામાં એકાએક મૃત્યુ પામતા આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાય છે. સાથોસાથ કોર્પોરેશનના તંત્ર વાહકોમાં આ પ્રકારે ઓચિંતા હજારો માછલાઓના મોતની પાછળ શું કારણ જવાબદાર છે ? તેને શોધવાની ચિંતા પ્રસરી છે. જો કે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ પ્રાથમિક ધોરણે એવી શંકા વ્યકત કરી હતી કે, માછલાઓના મોત પાછળ આજી ડેમમાં નાખવામાં આવતા ગાંઠીયા સહિતનો ખોરાક જવાબદાર હોઈ શકે ?

આ અંગેની વિગતો મુજબ ગત શનિવારે સાંજથી આજી ડેમમાં મોટા મોટા કેટફીશ માછલાઓ ટપોટપ મરવા લાગતા આ ઘટનાની જાણ મ્યુ. કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગને થતાની સાથે જ ફાયરબ્રિગેડ અને વોટરવર્કસના અધિકારીઓ અને કર્મચારીઓ આજી ડેમ ખાતે દોડી ગયેલ અને આજ સવાર સુધીમાં હજારોની સંખ્યામાં મૃત માછલાઓ ડેમમાંથી બહાર કાઢી તેનો નિકાલ કરવામાં આવેલ હતો.

દરમિયાન મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ આ ઘટના અંગે જાહેર કર્યુ હતુ કે, એક જ પ્રકારના માછલાઓના મોટી સંખ્યામાં મોત પાછળનુ કારણ શોધવા માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલીક ધોરણે સૌ પ્રથમ મૃત કેટફીશને ગાંધીનગર ખાતે એફએસએલ ડીપાર્ટમેન્ટમાં તપાસ માટે મોકલી આપવામાં આવેલ. આ ઉપરાંત ડેમમાંથી પાણીના સેમ્પલ લઈ અને રાજ્ય સરકારની પાણી પુરવઠા બોર્ડની તથા પબ્લિક હેલ્થ ડીપાર્ટમેન્ટની બન્ને લેબોરેટરીમાં આ પાણીમાં કોઈ ઝેરી કેમીકલ ભળી ગયુ છે કે કેમ ? તેની તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે.

આ દરમિયાન માછલીઓના મોત પાછળ ખોરાકી ઝેર હોવાની શંકા વ્યકત કરતા બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, ડેમમાં મોટી માત્રામાં દરરોજ જીવદયા પ્રેમીઓ દ્વારા ગાંઠીયા, બિસ્કીટ, લોટ વગેરે ખાદ્ય પદાર્થ નાખવામાં આવે છે, ત્યારે એવી શંકા છે કે મોટી માત્રામાં ગાંઠીયા નાખવાથી ગાંઠીયાનું તેલ સપાટી પર આવી જવાથી માછલીઓને પાણીમાં પુરતો ઓકિસજન મળ્યો ન હોય અને તેના કારણે આ માછલાઓ ટપોટપ મરવા લાગ્યા હોય કેમ કે આ માછલાઓ નર્મદા નીરની સાથે આવ્યા હોય તેના માટે આ ડેમનું વાતાવરણ નવુ હોય અને તેના   કારણે મોત  નિપજયાની  શંકા  છે.

દરમિયાન આજે પણ ફાયરબ્રિગેડ દ્વારા રબ્બર બોટથી પેટ્રોલીંગ ચાલુ રખાયુ છે અને ડેમમાંથી માછલાના મૃતદેહો શોધવામાં આવી રહ્યા છે. માછલાઓના મોત પાછળનું સાચુ કારણ એક બે દિવસ પછી બહાર આવશે કેમ કે પાણીનો લેબોરેટરી રીપોર્ટ અને ગાંધીનગર એફએસએલનો રીપોર્ટ કાલે સાંજ સુધીમાં મળે તેવી શકયતા છે.

(3:33 pm IST)