રાજકોટ
News of Monday, 8th August 2022

શહેરમાં કોવિડનો ઓચિંતો જીવલેણ ઘાઃ વૃધ્ધનું મોત

૮૮ વર્ષના વડિલે વેકસીન લીધી નહોતીઃ હૃદયની બિમારી પણ હતીઃ ત્રણ દિ' પહેલા પોઝિટિવ આવ્યા બાદ ગઇકાલે સારવારમાં દમ તોડ્યો : મોટી ટાંકી ચોક વિસ્તારના રહેવાસી હતાં: ગઇકાલે ૬૩ નવા કેસ નોંધાયાઃ હાલમાં ૩૩૫ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૬: મહામારી કોરોનાના માંડ વળતા પાણી થયા છે. જો કે આમ છતાં રોજબરોજ નવા કેસો આવવાનું યથાવત રહ્યું છે. ભરપુર વેકસીનેશન સહિતના પગલાઓને કારણે પણ કોરોના કાબુમાં રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કેસ વધી રહ્યા છે. ત્યાં કોરોનાએ ઓચિંતો જીવલેણ ઘા કરી લીધો છે. શહેરના મોટી ટાંકી ચોક વિસ્તારના ૮૮ વર્ષના વૃધ્ધને કોરોના લાગુ પડ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ થઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ મોટી ટાંકી ચોક વિસ્તારમાં રહેતાં ૮૮ વર્ષના વૃધ્ધ કેટલાક દિવસ બિમાર રહ્યા બાદ ગત તા. ૨ના રોજ તેમને કોરોના લાગુ પડ્યાની શંકાએ રિપોર્ટ કરાવવામાં આવતાં તે પોઝિટિવ જાહેર થતાં સારવાર માટે તા. ૩ના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ વૃધ્ધને હૃદય રોગની બિમારી પણ હતી. સારવાર દરમિયાન તેમનું ગત સાંજે મૃત્યુ નિપજતાં તંત્રવાહકોએ નિયમાનુસાર અંતિમવિધી કરાવી હતી. ઉલ્લેખનિય છે કે મૃત્યુ પામનારા વડિલને કોરોના વિરૃધ્ધ વેકસીન અપાવવામાં આવી નહોતી.

શહેરમા ગઇકાલે કોરોનાના ૬૩ નવા કેસ નોધાયા છે. જ્યારે ૨૯ દર્દીઓ સાજા થયા છે. હાલ ૩૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૪,૭૬૫ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂકયા છે. જ્યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૯૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૫૫૭ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૬૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૦૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૦૨,૬૮૨ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૪,૭૬૫ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૦ ટકાએ પહોંચ્યો છે.

(4:10 pm IST)