રાજકોટ
News of Wednesday, 8th August 2018

૧૧ કિ.મી. આજી રિવર ફ્રન્ટનો કબ્જો સંભાળી લેતી મહાપાલિકા

હવે આજી નદીની કાયાપલટ ઝડપી થશે : રાજકોટવાસીઓને નવુ નઝરાણુ મળશે : મેયર - મ્યુ.કમિશ્નરની જાહેરાત

રાજકોટ તા. ૮ : શહેરમાં 'આજી રીવર ફ્રન્ટ' તરીકે વિકસિત કરવા રાજય સરકાર દ્વારા થોડા સમય પૂર્વે આજી નદીનો ૧૧ કિ.મી.નો એરિયા રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવા હુકમ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ આજી નદીનો કબજો સંભાળી લીધો છે. હવે મહાનગરપાલિકાનો 'આજી રીવર ફ્રન્ટ' ઝડપથી આગળ ધપી શકશે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

અત્રે એ યાદ કરાવીએ કે, થોડા સમય પૂર્વે જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને આજી-૧ ડેમથી આજી ડેમ-ર ના ઉપરવાસમાં બેડી ગામ પાસેથી પસાર થતા ૧પ૦ ફૂટ રીંગ રોડ સુધીનો ૧૧ કિ.મી. જેટલો વિસ્તાર આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સોંપવાનો નિર્ણય થયો હતો.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું હતું કે, આજી રીવર ફ્રન્ટ રીડેવલપમેન્ટની આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતાં રાજકોટના નગરજનોને પ્રવાસન પર્યટન આનંદ-પ્રમોદનું જોવા-ફરવા લાયક નવતર નજરાણું પ્રાપ્ત થશે.

આજી-૧ ડેમથી આજી ડેમ-ર નો બેડી ગામ પાસેથી પસાર થતો ૧પ૦ ફૂટ રીંગ રોડ સુધીનો ૧૧ કિ.મી. વિસ્તાર મહાપાલિકાને રીવર ફ્રન્ટ બનાવવા સોંપવામાં આવેલ છે અને મહાનગરપાલિકાએ કબજો મેળવી લીધો છે.

(3:38 pm IST)