રાજકોટ
News of Wednesday, 8th August 2018

'હિટ એન્ડ રન'ના બનાવમાં રંગોલી પાર્કના બિપીનભાઇ રજપૂતનું મોત

નવા ૧૫૦ રીંગ રોડ પર કટારીયાના શો રૂમ પાસે બનાવઃ હોન્ડા લઇને નીકળ્યા ત્યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૮: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર કટારીયા ઓટો મોબાઇલ્સ શો રૂમ નજીક સાંજે અજાણ્યો કાર ચાલક બાઇકને ઠોકરે મારી ભાગી જતાં હિટ એન્ડ રનની આ ઘટનામાં કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશનની પાછળ રંગોલી પાર્ક ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં બાઇક ચાલક બિપીનભાઇ જેસીંગભાઇ કામલીયા (કારડીયા રજપૂત) (ઉ.૫૫) નામના પ્રોૈઢનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

મૃત્યુ પામનાર બિપીનભાઇ છુટક કામ કરતાં હતાં. ગત સાંજે ઘરેથી બાઇક નં. જીજે૩એએફ-૪૧૮૧ લઇને કામ સબબ નીકળ્યા હતાં ત્યારે નવા દોઢસો ફુટ રીંગ રોડ પર કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દીધો હતો.

તાલુકા પોલીસને જાણ થતાં એએસઆઇ અજીતસિંહ જાડેજા અને રાઇટર રિતેશભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના એક પુત્ર ઇન્કમટેકસ ઓફિસમાં નોકરી કરે છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૫)

(11:53 am IST)