રાજકોટ
News of Monday, 8th July 2019

મોરબી રોડની સિતારામ સોસાયટીમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધબધબાટીઃ ૬ ઘવાયા

વિશાલ સોલંકી (માળી) (ઉ.૧૯)ના કાકા દશરથભાઇએ ૧૫ દિ પહેલા છેડતી મામલે રાજુ ધાંધલને ટપાર્યો હોઇ તેનો ખાર રાખી તેના પિતા સહિતે વિશાલના ગેરેજમાં ઘુસી હુમલો કર્યોઃ સામે વિશાલના મામા સહિત ૯ જણાએ સ્કોર્પિયોમાં જઇ જેન્તીભાઇ ધાંધલના ઘરે ધમાલ મચાવીઃ છોડાવવા આવેલા ટ્રાફિક વોર્ડન રવિ અને તેના મિત્ર દિપક ચાવડાને ઇજા : ઘાયલ ટ્રાફિક વોર્ડન રવિ પોરડીયા કહે છે-મારે કોઇ સાથે ડખ્ખો નહોતો, છોડાવવા ગયો ને ઘા કરી લેવાયો :પોલીસે વિશાલ માળીના ઘાયલ પરિવારજનોનું નિવેદન નહિ નોંધ્યાની રાવ સાથે ટોળુ બી-ડિવીઝન પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યું

માળી સમાજના લોકોએ બી-ડિવીઝન પોલીસ મથક તથા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: મોરબી રોડ પર સિતારામ સોસાયટીમાં રહેતાં માળી યુવાનને તે ગઇકાલે ધોળકીયા સ્કૂલ પાસે વેરાઇ મોટર્સ નામના ગેરેજે હતો ત્યારે તેના કાકાને થયેલા ઝઘડાનો ખાર રાખી તેના પર સિતારામ સોસાયટીના ત્રણ જણાએ પાઇપથી હુમલો કરી દેતાં એ પછી માળી યુવાનના મામા, કાકા સહિતના લોકો હુમલાખોરોના ઘર પાસે તેને સમજાવવા જતાં તેના પર પણ હુમલો થયો હતો. બીજી તરફ આ માથાકુટમાં છોડાવવા માટે વચ્ચે પડેલા પડોશમાં રહેતાં ટ્રાફિક વોર્ડન કોળી યુવાન અને દલિત યુવાનને પણ ઘ્ધોકા ફટકારી ઇજા કરાઇ હતી. આ ધમાલમાં સ્કોર્પિયો કારમાં પણ તોડફોડ થઇ હતી. પોલીસે સામ-સામી ફરિયાદો દાખલ કરી છે. બીજી તરફ માળી યુવાનના ઘાયલ થયેલા અન્ય સ્વજનોના પોલીસે નિવેદન નહિ નોંધ્યાના આક્ષેપ સાથે ટોળુ બી-ડિવીઝન પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યું હતું.

બનાવ અંગે પોલીસે મોરબી રોડ સિતારામ સોસાયટી-૧માં રહેતાં અને ઘર નજીક ધોળકીયા સ્કૂલ પાસે રઘુવીર પાનવાળી શેરીમાં વેરાઇ મોટર્સ નામે ગેરેજ ધરાવતાં વિશાલ રમેશભાઇ સોલંકી (ઉ.૧૯)ની ફરિયાદ પરથી સિતારમ સોસાયટીના જેન્તીભાઇ ધાંધલ (દલિત), કાલીભાઇ ધાંધલ તથા ભદા નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

વિશાલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના કાકા દશરથભાઇ સોલંકીને પંદરેક દિવસ પહેલા જેન્તીભાઇ ધાંધલના દિકરા રાજુ ધાંધલ અને તેના મિત્ર સાથે માથાકુટ થઇ હતી. છેડતી બાબતે રજૂઆત કરવામાં આવી હોઇ તે કારણે ધાંધલ પરિવાર સાથે મનદુઃખ હતું. દરમિયાન પોતે ગેરેજે દિવાબત્તી કરવા ગયો ત્યારે જેન્તીભાઇ સહિત ત્રણ જણાએ   ગેરેજમાં ઘુસી જઇ ગાળો દઇ પાઇપથી હુમલો કરી માર્રો હતો. તેમજ છરી કાઢી મારવા દોડ્યા હતાં. માણસો ભેગા થઇ જતાં વિશાલ બચી ગયો હતો અને હુમલાખોરો ભાગી ગયા હતાં.

વિશાલના કાકા-મામા સહિતના સમજાવવા જતાં તેના પર હુમલો

થોડીવાર પછી વિશાલના કાકા દશરથભાઇ વાલજીભાઇ સોલંકી (ઉ.૪૫),  મામા જગદીશભાઇ ભીમજીભાઇ ચોૈહાણ (ઉ.૩૬), નરેન્દ્રભાઇ નામેરીભાઇ સોલંકી (ઉ.૪૨) સહિતના લોકો સિતારામ-૧માં  રાજલક્ષ્મી ફાટક પાસે જેન્તીભાઇ ધાંધલના ઘરે તેને સમજાવવા જતાં તેના ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી. 

જગાભાઇ માળી સહિતના સામે વળતી ફરિયાદ

સામા પક્ષે સિતારામ સોસાયટી-૧માં રહેતાં અને ટ્રાફિક વોર્ડન તરીકે ગ્રીનલેન્ડ ચોકડી પોઇન્ટ પર ફરજ બજાવતાં રવિ પ્રતાપભાઇ પોરડીયા (કોળી) (ઉ.૨૮) તથા તેના મિત્ર દિપક રમેશભાઇ ચાવડા (દલિત) (ઉ.૩૦) પણ પોતાના પર વિશાલના મામા જગદીશભાઇ ઉર્ફજગાભાઇ માળી, વસંતભાઇ માળી, ધીરૂભાઇ દલિત, દશરથભાઇ માળી તથા પાંચ અજાણ્યાએ સ્કોર્પિયો કારમાં આવી તલવાર-ધોકા-પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

પોલીસે રવિ પોરડીયાની ફરિયાદ પરથી જગાભાઇ માળી સહિતના સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. રવિએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરે છે. રાત્રે સાડા અગિયારેક વાગ્યે પોતે ઘરે હતો ત્યારે જગાભાઇ માળી, વસંતભાઇ, ધીરૂભાઇ, દશરથભાઇ અને બીજા પાંચેક અજાણ્યા લોકો સ્કોર્પિયો નં. જીજે૩સીઆર-૯૫૯૪માં પોતાના પડોશી જેન્તીભાઇ ધાંધલના ઘર પાસે આવ્યા હતાં અને 'તમે વિશાલ માળીને શું કામ માર માર્યો છે?' તેમ કહી જોર-જોરથી ગાળો બોલતાં હોઇ પોતે તથા મિત્ર દિપક ચાવડા આ લોકોને સમજાવવા જતાં જગાભાઇએ પોતાને પાઇપથી અને વસંતભાઇએ તલવારથી તેમજ બીજાએ ધોકાથી હુમલો કરી માથા, ડાબા પગ, ખભા, વાંસામાં ઇજા પહોંચાડી હતી અને દિપકને પગમાં ઇજા કરી હતી. આ ધમાલમાં કોઇએ સ્કોર્પિયોમાં પણ તોડફોડ કરી હતી.

પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. સાકરીયા સહિતે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી.

બીજી તરફ જગાભાઇ, નરેન્દ્રભાઇ, દશરથભાઇ સહિતને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોઇ તેનું પોલીસે નિવેદન નહિ નોંધ્યાના આક્ષેપ સાથે માળી સમાજના લોકો મોળી સંખ્યામાં બી-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતાં અને રજૂઆત કરી હતી.

(3:46 pm IST)