રાજકોટ
News of Saturday, 8th June 2019

બાળ વૈજ્ઞાનિક જેનીલ છત્રાલાની વેસ્ટઝોન સાયન્સ ફેરમાં પસંદગી

ઇડીએટ ફોર ઇન્ડીયા-ર૦૧૯માં ધોળકીયા સ્કુલના વિદ્યાર્થીની પસંદગી : વાહનો દ્વારા થતુ પ્રદુષણ ઘટાડવા નવી ડિઝાઇનનું સાયલેન્સર બનાવ્યું: સૌરાષ્ટ્ર કચ્છનું પ્રતિનિધિત્વ કરશે

રાજકોટ તા. ૮ : ધોળકીયા શાળાના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.  ગુજરાતમાંથી પસંદગી પામેલા ટોપટેન ૧૦ પૈકી એક પ્રોજેકટ રાજકોટની ધોળકિયા સ્કુલનો બાળ વૈજ્ઞાનિક જેનીલ છત્રાલાએ તૈયાર કર્યો છે. જે સમગ્ર-કચ્છમાંથી પસંદગી પામેલો એક માત્ર પ્રોજેકટ છે. આમ હરહંમેશ વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરતી ધોળકીયા સ્કુલ ફરી એકવાર રાજકોટને એવોર્ડ અપાવશે.

કે.જી.ધોળકિયા સ્કુલમાં ૧ર (સાયન્સ)માં અભ્યાસ કરતાં સાથે સાથે સંશોધન કાર્ય પણ ચાલુ રાખનાર જેનીલ હરેશભાઇ છત્રાલા ફરી એક વખત વિજ્ઞાનક્ષેત્રે પસંદગી પામ્યા છે. આ અગાઉ પણ તેઓ વર્ષ ર૦૧૬માં અમેરીકામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળા જીનસ ઓલિમ્પિયાડ-ર૦૧૬માં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવી ચુકયા છે. અને ધો.૧ર (સાયન્સ) ના અભ્યાસની સાથે સૌરાષ્ટ્રનુ પ્રતિનિધિ કરવા વેસ્ટ ઝોન સાયન્સ ફેરમાં જશે.

જેનીલે પર્યાવરણને હાનીકારક એવા વાયુ પ્રદુષણને દૂર કરવા માટે નવી ડિઝાઈનનું સાયલેન્સર તૈયાર કર્યુ છે જે હાલ વપરાતા સાયલેન્સરના સ્થાને જોડવાથી પ્રદુષિત વાયુની માત્રામાં ઘટાડો કરવા માટે સક્ષમ છે. આ માટે તેઓએ ધાતુની એક નળાકાર એક કેન્ડલ તૈયાર કરેલ છે જેની સપાટી છિદ્રાળુ છે આ કેન્ડલની અંદર બેન્ટોનાઈટ પાવડર, ભોગાવો રેતી, શંખજીરૂ, સિલીકોન, મેગ્નેશિયમ, સફેદ મારબલ પાવડર, કાર્બન પાવડર તથા ગ્રેફાઈટના ફાઈન પાઉડરમાંથી તૈયાર કરેલ પોરસ મટિરીયલ ભરવામાં આવ્યું છે. જેથી દહન પામેલુ બળતણ વાયુ સ્વરૂપે સરળતાથી મુકત થઈ શકે સાથે સાથે ગાળણ ક્રિયા દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય. આ કેન્ડલને યોગ્ય કનેકટર દ્વારા વાહનના સાયલેન્સરના સ્થાને જોડવાથી વાહનમાંથી દહન પામેલુ બળતણ તેમાથી પસાર થાય છે અને તે દરમિયાન તેમા રહેલા પ્રદુષણકારક વાયુ કાર્બન ડાયોકસાઈડ (સીઓ) અને એચસીનું પ્રમાણ ઘટાડી શકાય છે. તદુપરાંત અપૂર્ણ પામેલા બળતણના નાના રજકણ પણ શોષી શકાય છે. આ રીતે વાતાવરણમાં થતો પ્રદુષણમાં ઘટાડો કરી શકાશે.

જેનીલ છત્રાલા છેલ્લા દોઢ વર્ષથી આ સંશોધન કાર્ય કરી રહેલ છે.અને વિવિધ પ્રકારના ટુ વ્હીલર પર ટેસ્ટીગ કરી તેમના પીયુસી સર્ટીફીકેટ દ્વારા સાબીત કર્યુ કે પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય છે.

સામાન્ય કારખાનેદાર હરેશભાઇ છત્રાલા અને ગૃહીણી પ્રજ્ઞાબેન છત્રાલાના વૈજ્ઞાનીક માનસ ધરાવતા સુપુત્ર જેનીલ સતત સંશોધન કાર્ય કરતા રહે છે. વિજ્ઞાનનો આ તાજ રાજકોટના શિરે આવેતેવી અપેક્ષા સાથે શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને શ્રી જીતુભાઇ ધોળકીયા તથા સમગ્ર ધોળકીયા પરીવારે શુભેચ્છા પાઠવી છે.

(4:11 pm IST)