રાજકોટ
News of Saturday, 8th June 2019

ન્યૂઝ ચેનલના લાઈવ કાર્યક્રમમાં તૃપ્તિબેને અરવિંદ રૈયાણીને કિલનચીટ આપી

તૃપ્તિબેન શાહે કહ્યું 'હું તમને ઓળખતી નથી, તમે કોઈ ગેરવર્તન પણ કર્યુ નથી' . અરવિંદભાઈએ કહ્યું 'હું નારી સન્માન કરૂ છું, મેં કોઈ ભૂલ કરી નથી છતાં સોરી કહું છું' . અરવિંદ રૈયાણીના શબ્દો - 'રાજકીય વિરોધીઓ મને સતત બદનામ કરે છે, હું કુળદેવી પર શ્રધ્ધા રાખીને લોકસેવામાં વ્યસ્ત છું'

રાજકોટ, તા. ૮ :. રાજકોટમાં આયોજિત ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રેટર મહિલાના અપમાનનો વિવાદ ખૂબ ચગ્યો છે. આ વિવાદમાં આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. એક ન્યૂઝ ચેનલના લાઈવ કાર્યક્રમમાં કોમેન્ટ્રેટર તૃપ્તિબેન શાહે જણાવ્યુ હતું કે, હું અરવિંદભાઈ રૈયાણીને ઓળખતી પણ નથી. તેમને મેં જોયા પણ નથી. અરવિંદભાઈએ મારી સામે કોઈ જ ગેરવર્તણૂક કે અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યુ નથી.

ન્યૂઝ ચેનલના લાઈવ કાર્યક્રમમાં અરવિંદભાઈ રૈયાણીએ તૃપ્તિબેન શાહને જણાવ્યુ હતુ કે, હું નારી શકિતના સન્માનમાં માનું છું. મેં તમારી સામે કોઈ જ અપમાનજનક હરકત કરી નથી, છતા આપની લાગણી ઘવાઈ હોય તો હું સોરી કહું છું.'

ન્યૂઝ ચેનલના લાઈવ પ્રોગ્રામમાં તૃપ્તિબેન અને અરવિંદભાઈ આમને સામને આવી ગયા હતા. તૃપ્તિબેન શાહે અરવિંદભાઈને કિલનચીટ આપી હતી.

'અકિલા' સાથે વાત કરતા અરવિંદભાઈ કહે છે કે, મને રાજકીય નુકસાન કરવાના ઈરાદાથી મને વિવાદોમાં ઢસડવામાં આવે છે જે વિવાદો સાથે મારે કંઈ લેવા દેવા નથી તેમાં મને સંડોવવાનો પ્રયાસ કરાય છે. આ અંગે મેં પાર્ટીમાં પણ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે.

અરવિંદભાઈ કહે છે કે, હું લોકોના કામ કરતો રહું છું. ધારાસભ્ય બન્યા બાદ લોકો વચ્ચે રહું છું અને પ્રશ્નો ઉકેલતો રહું છું. તાજેતરની લોકસભાની  ચૂંટણીમાં  મારા મત વિસ્તારમાંથી પાર્ટીને  મોટી લીડ મળી છે.

અરવિંદભાઈએ રાજકીય વિરોધીઓને ઉદ્દેશીને જણાવ્યુ હતું કે હું કુળદેવી પર શ્રધ્ધા રાખીને લોકસેવાની ફરજ અદા કરતો રહું છું અને કરતો રહીશ.

(3:51 pm IST)