રાજકોટ
News of Saturday, 8th June 2019

પૂ.મહંત સ્વામીના હસ્તે બાળકો- યુવાનોને પારીતોષીક અર્પણ

બીએપીએસ દ્વારા તિર્થધામ સારંગપુરમાં યોજાયેલ અખિલ ભારતીય બાળ- યુવા અધિવેશન

રાજકોટઃ વિશ્વવિખ્યાત સારંગપુર તીર્થના દિવ્યતા સભર વાતાવરણમાં પ.પૂ. મહંતસ્વામીની પ્રેરણાથી સારંગપુર મંદિર પરિસર ખાતે બીએપીએસ દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પાવન સ્મૃતિમાં તેઓનો પંચવર્ષીય શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ 'વચનામૃત'ને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે.  મહોત્સવના ભાગરૂપે સંસ્થાના હજારો બાળકો અને યુવાનો ના એક ભવ્ય અને દિવ્ય અધિવેશનનું આયોજન સારંગપુર ખાતે થયું હતું.

જેમાં સમગ્ર ભારતમાં બીએસપીએસ સંસ્થા દ્વારા સંચાલિત ૮૨૭૮ બાળસંસ્કાર કેન્દ્રોમાંથી ૨૦૦૦ જેટલા બાળ-બાલિકાઓ અને ૧૮૨૦  યુવાસંસ્કાર કેન્દ્રોમાંથી ૪૦૦૦ જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

અધિવેશનોમાં સૌપ્રથમ તા.૨૮ મે થી ૧ જૂન સૂધી અખિલ ભારતીય બાળ-બાલિકા અધિવેશનમાં ૧૨૪૦ બાળકો ૭૪૦ બાલિકાઓએ ભાગ લીધો હતો. કુલ ૪૦ હજાર બાળ-બાલિકાઓ પોત-પોતાના વિસ્તારમાં આયોજિત ઝોનલ અને રીઝનલ અધિવેશનરૂપ બે તબકકાઓમાંથી પસાર થયા હતા. જેમાંથી ફકત ૨૦૦૦ જેટલા બાળ-બાલિકાઓ અખિલ ભારતીય અધિવેશન સુધી પહોંચી શકયા હતાં.  તેઓ માટે વચનામૃત મુખપાઠ, અક્ષર પુરુષોત્તમદર્શન મુખપાઠ, સત્સંગજ્ઞાન પ્રશ્નોત્તરી, પ્રવચન, વાર્તાકથન, ચિત્રકળા, રંગખરૂણી, એકપાત્રિય અભિનય, નૃત્ય, કીર્તનગાન આદિ ૧૦ સ્પર્ધાઓ આયોજન કરવામાં આવ્યું હતું. પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે પારિતોષિકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જયારે યુવા અધિવેશનમાં કુલ ૨૦૨૮ યુવાનોએ અને ૧૭૭૫ યુવતીઓએ ભાગ લીધો હતો. આજના યુવાસમાજને લક્ષ્યમાં રાખીને તેઓ માટે વચનામૃત મુખપાઠ, વચનામૃત પ્રશ્નોત્તરી, પ્રવચન, કથા નિરૂપણ, સંવાદ ઉપરાંત શોર્ટ ફિલ્મ, વિડિયો મેકીંગ, પોસ્ટર મેકીંગ આદિક સ્પર્ધાઓ યોજાઈ હતી.

(1:36 pm IST)