રાજકોટ
News of Saturday, 8th June 2019

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની દાયકાબાદ કોલકતામાં પધરામણી

સંત એ જ હોય જેને જોઈને અંદરનું જનમ જનમનું સંતત્વ જાગી જાયઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટઃ કોલકતાના ભાવિકોની ૧૦ વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત કરતાં ગુજરાતના રાજકોટ ક્ષેત્રથી મુંબઈ, મહારાષ્ટ્ર, છત્ત્।ીસગઢ, ઝરખંડ ક્ષેત્રની ૨૭૦૦ કિ.મી. ની લાંબી વિહારયાત્રા કરીને કોલકત્ત્।ાની ધરા પર મંગલ પધરામણી કરતાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ પૂજય ગુરૂદેવશ્રીને અંતરના ભકિત - ભાવના અમૃતથી ભીંજવી દીધાં હતાં.  ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં એક સાથે ૩૮ સંત-સતીજીઓના વિશાળ પરિવાર સાથે કોલકાતાના ભાવિકોનું કલ્યાણ કરવા પધારી રહેલા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીનું સ્વાગત કરવા શ્રી કોલકત્ત્।ા જૈન શ્વેતામ્બર સ્થાનકવાસી (ગુજરાતી) સંઘના ઉપક્રમે તેમજ શ્રી સમસ્ત કોલકત્ત્।ા સ્થાનકવાસી જૈન સંઘોના સહયોગે હાવરા બ્રીજથી વહેલી સવારના ૪:૪૫ કલાકના શુભ મુહુર્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્તકે મંગલ કલશધારી બહેનોએ કરેલાં સ્વાગત સામૈયા અને ભાવિકોના અંતરના ઊંડાણથી પ્રગટતાં 'સદ્ગુરૂ શરણં પવજ્જામિ' ના ગગનભેદી ગુંજારવ સાથે પશ્યિમ બંગાળની પારંપરિક વેશભૂષામાં સજ્જ બહેનો તેમજ ભાઈઓએ ભકિત - નૃત્ય - ગાન કરતાં કરતાં   પૂજય ગુરુભગવંતને આવકારેલ.

  શ્રી નવલખા ઉપાશ્રયમાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિકોને સંબોધીને પૂજય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું હતું કે, સંતની પધરામણી થતાં જ બે પ્રકારની સંભાવનાઓ સર્જાતી હોય છે. સંતની પધરામણી વ્યકિતને યા તો સંત બનાવી દેતી હોય છે યા શાંત બનાવી દેતી હોય છે. આ કાળમાં સંતત્વ ગ્રહણ કરવાના ભાવ એને જ જાગૃત થતાં હોય છે, જેઓએ જનમ જનમની સંયમની સાધના કરેલી હોય છે. જેમના દર્શન માત્રથી જનમ-જનમનાં સંસ્કાર જાગૃત થઈ જતાં હોય તે જ વાસ્તવિકતામાં સંત હોય છે.

 આ અવસરે કોલકતાના જ દીકરી એવા પૂજય શ્રી પરમ ઋજુતાજી મહાસતીજીએ ઉપસ્થિત સમુદાય સમક્ષ સદ્દગુરુના કલ્યાણકારી અનુશાસન, કરુણા અને ૩ વર્ષની સંયમ પર્યાયમાં થયેલા અનુભવોનો પરિચય કરાવતું પ્રવચન કરેલ. હર્ષદભાઈ શેઠ અને બડા બઝાર સંઘના પ્રમુખ રમણીકભાઇ ખારાએ સ્વાગત કર્યું હતું. અંતમાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવે  શ્રીમુખેથી માંગલીક  ફરમાવેલ.

(11:47 am IST)