રાજકોટ
News of Friday, 8th June 2018

સર્વેયરે આકારેલ અને સુનિશ્ચિત કરેલ નુકશાનને વિમા કંપની અવગણી ન શકેઃ ગ્રાહકની તરફેણમાં ચુકાદો

રાજકોટ તા.૮: સર્વેયરે આકારેલ અને સુર્નિશ્ચિત કરેલ નુકશાનને વિમાકંપનીઓ અવગણી ન શકે તેવો એક મહત્વપૂર્ણ ચુકાદો જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે પાઠવ્યો છે.

કેસની હકિકત જોતા મોરબીની ડોનાટો વીટ્રીફાઇડ પ્રા.લી. કે જે જુદી-જુદી વિશાળ રેન્જમાં વીટ્રીફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન કરી ભારતભરમાં સપ્લાય કરે છે તેમના દ્વારા મોરબીથી શીકોહાબાદ (યુ.પી.) ખાતે મે. માધવ ટ્રેડર્સને ટ્રક મારફત વીટ્રીફાઇડ ટાઇલ્સ મોકલવામાં આવેલ હતી અને સંભવિત જોખમ સામે રક્ષણ મેળવવાના હેતુથી સદરહું ટાઇલ્સનો વિમો લેવામાં આવેલ હતો. મે. માધવ ટ્રેડર્સ આ કામના ફરીયાદી ઉપરાંત અન્ય વીટ્રીફાઇડ ટાઇલ્સ ઉત્પાદક કંપની પાસેથી પણ માલ મંગાવેલ હતો. મે. માધવ ટ્રેડર્સ દ્વારા તેમના ચોક્કસ અને રોજીંદા ટ્રાન્સપોર્ટર મારફત માલ મોકલવા માટે બન્ને કંપનીને જણાવવામાં આવેલ હતુંં. પરિણામે બન્ને કંપનીએ પોતાનો માલ માધવ ટ્રેડર્સના ટ્રાન્સપોર્ટરને મોકલી આપેલ અને ટ્રાન્સપોર્ટર દ્વારા બન્ને કંપનીનો માલ સ્વીકારી રીસીપ્ટ આપવામાં આવેલ હતી અને બન્ને કંપનીનો માલ ટ્રકમાં ભરી દેવામાં આવેલ  હતો. માલ ભરેલ ટ્રક મોરબીથી સાંજે ૭ વાગ્યે નીકળી આગળ વધતા લગભગ રાત્રે ૯.૧૫ થી ૯:૩૦ આસપાસ ધ્રાંગધ્રા રોડ, હળવદ પાસે પહોંચતા અકસ્માત થયેલ અને અકસ્માત બાદ ટ્રકને આગ લાગેલ હતી. ટ્રકમાં રહેલ માલ નાશ થતા ગ્રાહક એટલે કે વિમાધારકને ખુબ જ મોટું નુકશાન થયેલ હતું.

વિમાધારક દ્વારા સંપુર્ણ ઘટના અંગે નિશ્ચિત સમયમર્યાદામાં વિમાકંપનીને જાણ કરવામાં આવેલ હતી. વિમાકંપની દ્વારા સર્વેયરની નિમણૂંક કરી સંપૂર્ણ હકીકતલક્ષી અહેવાલ મેળવવામાં આવેલ હતો. સર્વેયર દ્વારા પોતાના અહેવાલમાં એકસીડન્ટ થયા અંગે તથા સદરહું એકસીડન્ટથી ટ્રકમાં રહેલ માલને નુકશાન થયા અંગે કન્ફર્મેશન આપવામાં આવેલ. વધુમાં સર્વેયર દ્વારા પોતાના અહેવાલમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ હતું કે ટ્રકમાં ફરીયાદી ઉપરાંત અન્ય કંપનીનો માલ પણ ભરવામાં આવેલ હતો. વિમાધારકે થયેલ નુકશાન સામે વળતર મેળવવા માટે વિમાકંપની સમક્ષ કલેઇમ દાખલ કરેલ અને જરૂરી તમામ દસ્તાવેજો રજુ કરેલ. પરંતુ વિમાકંપની દ્વારા વિમાધારકનો કલેઇમ નામંજુર કરતા જણાવવામાંઆવેલ હતું કે રજે થયેલ પેપર્સમાં ટ્રાન્સપોર્ટર દ્વારા આપવામાં આવેલ રીસીપ્ટનો નંબર ફરીયાદીની કંપની તથા અન્ય કંપની બન્નેનો એક જ હોય તેમજ ટ્રક નંબરમાં પણ વિસંગતતા હોય કલેઇમ મંજુર કરી શકાય નહી.

સબબ વિમાકંપનીના નિર્ણયથી નારાજ થઇ આ કામના ફરીયાદી દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (મેઇન) સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવતા નામદાર ફરોમ દ્વારા ગ્રાહક એટલે કે વિમાધારકની તરફેણમાં ચુકાદો આપતા જણાવવામાં આવ્યું હતું કે સર્વેયર વ્યકિત છે અને સર્વેયર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ નુકશાનને વિમાકંપની અવગણી શકે નહી વધુમાં ટ્રાન્સપોર્ટરની વહીવટી ક્ષતિ આધીન વિમાધારકે રજુ કરેલ કલેઇમને મરીન કાર્ગો પોલીસીની શરત ક્રમાંક ૪ મુજબ નોનસ્ટાન્ડર્ડ ગણી મંજુર કરી શકાયો હોત પરંતુ તેમ ન કરી વિમાકંપનીએ વિમાધારકનો કલેઇમ નામંજુર કર્યો તે વિમાકંપનીની ખામીયુકત સેવા ગણાય.

જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ(મેઇન) ના પ્રમુખશ્રી એમ.પી. શેઠ, સભ્યશ્રી નિલમ મેડમ તથા સભ્યશ્રી માંડલીક ની બેંચ દ્વારા ગ્રાહકના હિતમાં ચુકાદો આપતા જણાવવામાં આવ્યું હતું કે વિમાકંપનીએ કલેઇમની રકમ રૂા. ૩,૭૦,૩૩૩/- હુકમની તારીખથી ૬ ટકા વ્યાજ સાથે તેમજ માનસીક ત્રાસ બદલ વળતરની રકમ રૂા. ૩,૦૦૦/- તથા ગ્રાહકે કરવી પડેલ ફરીયાદ ખર્ચના રૂા. ૨,૦૦૦/- દિવસ ૩૦માં વિમાધારકને ચુકવી આપવા.

આ કામમાં ફરીયાદી તરીફે વિદ્વાન એડવોકેટ ગજેન્દ્ર એમ. જાની, નયન આર. મહેતા તથા કિર્તીકુમાર ભોજાણી રોકાયેલ હતા.

(4:21 pm IST)