રાજકોટ
News of Friday, 8th June 2018

નીચા ભાવે ફલેટ પડાવી લેવા ડો. જયેશ મોઢવાડીયાને રિવોલ્વરથી ધમકાવનાર એસ્ટેટ બ્રોકર માંડણ મેરના ઘરમાં પોલીસની તપાસ

તબિબને વારંવાર ધમકી આપી કહેતો કે હું કહું એ ભાવે ફલેટ આપવો પડશે...કાલે કલીનિકમાં પહોંચી ગયો

રાજકોટ : કાલાવડ રોડ પર શિવધારા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં અને વિદ્યાનગર મેઇન રોડ પર હોસ્પિટલ ધરાવતાં ડો. જયેશભાઇ દુદાભાઇ મોઢવાડીયા (ઉ.૫૪)ને તેમની હોસ્પિટલમાં ઘુસી રિવોલ્વર બતાવી ગાળો દઇ 'આટલી જ વાર લાગશે' તેમ કહી ધમકી આપનાર કાલાવડ રોડ આઇસીઆઇસીઆઇ બેંક પાસે શિવધારા એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતાં એસ્ટેટ બ્રોકર માંડણ અર્જુનભાઇ ગોરાણીયા (મેર)ની સામે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ગઇકાલે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આજે આ શખ્સને લઇ કાલાવડ રોડ પર તેના રહેણાંકમાં લઇ ગઇ હતી અને વધારાનું કોઇ હથીયાર છે કે કેમ? તે અંગે તપાસ કરી હતી.

પોલીસે ડો. જયેશભાઇ મોઢવાડીયાની ફરિયાદ પરથી માંડણ મેર સામે આઇપીસી ૫૦૬ (૨), ૫૦૪, આર્મ્સ એકટ ૧૭ (ડી) મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે પોતે વિઝન આઇ કેર સેન્ટરમાં આંખના ડોકટર તરીકે પ્રેકટીસ કરે છે. સાથે પાર્ટનરમાં ડો. કિરીટ કનેરીયા છે. પોતે જ્યાં રહે છે એ ફલેટમાં જ ચોથા માળે માંડણ ગોરાણીયા (મેર) રહે છે. તે મુળ રાણપરડા ગામનો વતની છે. અગાઉ પોતાને પોતાનો ફલેટ વેંચવાનો હોઇ જેથી એક વખત માંડણ મેર સાથે ચર્ચા થઇ હતી. તેમજ બીજા ફલેટધારકોને પણ આ બાબતે વાત કરાઇ હતી. પરંતુ માંડણ પોતે વારંવાર એવું કહેતો હતો કે 'તમારે આ ફલેટ હું કહું એ ભાવે જ વેંચવો પડશે' તેમ કહી તે નીચા ભાવે ફલેટ લઇ લેવા ઇચ્છતો હતો. આ બાતે તે રૂબરૂ વાત કરી મોબાઇલમાં મેસેજ પણ કરતો હતો. પણ પોતાને નીચા ભાવ પોષાય તેમ નથી તેમ તેને જણાવી દીધુ હતું.

આમ છતાં માંડણ નીચા ભાવે ફલેટ આપી દેવા કહેતો હતો. દરમિયાન ગુરૂવારે પોતે હોસ્પિટલમાં હતાં ત્યારે માંડણ આવ્યો હતો અને ચર્ચા કરવી છે તેમ ઉંચા અવાજે કહેતાં પેશન્ટ હોઇ અત્યારે ચર્ચા ન થાય સાંજે આવજો તેમ જણાવતાં તે ઉશ્કેરાઇ ગયલ અને ગાળો દઇ કાળા રંગના પર્સમાંથી રિવોલ્વર કાઢી 'ફલેટ ખાલી કરી નાંખજે, હવે તું કેમ રહે છે એ હું જોવ છું...આટલી જ વાર લાગશે' તેમ કહી ધમકી આપી હતી અને પોતે નીચે રાહ જોવે છે તેમ કહી નીકળી ગયો હતો. બાદમાં પોલીસને જાણ   કરી હતી.

પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, શિવરાજસિંહ, રામગરભાઇ, ભાવેશભાઇ, ભરતસિંહ ગોહિલ, હાર્દિકસિંહ, કરણભાઇ, નરેશભાઇ સહિતના સ્ટાફે તુરત કાર્યવાહી કરી માંડણની ધરપકડ કરી લઇ રિવોલ્વર કબ્જે લીધી હતી. આજે માંડણને તેના ઘરે લઇ જઇ પોલીસે ઘરમાં સર્ચ કર્યુ હતું. કોઇ બીજુ હથીયાર કે ગેરકાયદે ચીજવસ્તુઓ છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:06 pm IST)