રાજકોટ
News of Friday, 8th June 2018

રેસકોર્ષ રીંગ રોડ પરથી રીઢો તસ્કર સાગર ઉર્ફ બાવ પકડાયો

બે દિવસ પહેલાની મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ પ્ર.નગરના હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા અને જયદિપભાઇ ધોળકીયાની બાતમી

રાજકોટઃ આજીડેમ ચોકડી પાસે રજાકભાઇની રેંકડી પાસે ઝૂપડામાં રહેતાં સાગર ઉર્ફ બાવ મનસુખભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૨૪)ને પ્ર.નગર પોલીસે રેસકોર્ષ રીંગ રોડ પરથી રૂ. ૭૦૦૦ના ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો છે. પી.આઇ. પી. બી. શાપરાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. દેવશીભાઇ રબારી, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, જયેન્દ્રસિંહ પરમાર સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે દેવશીભાઇ અને જયદિપભાઇની બાતમી પરથી આ શખ્સને પકડી લેવાયો હતો. તેણે આ ફોન બે દિવસ પહેલા યાજ્ઞિક રોડ પર પરિમલ પ્રકાશન નામની દૂકાન પાસે ગિરદીનો લાભ લઇ ચોરી લીધો હતો. પોલીસના કહેવા મુજબ આ શખ્સ રીઢો ગુનેગાર છે અને અગાઉ ચોરીના ગુનામાં ઝડપાઇ જતાં સુરત પાસામાં પણ ધકેલાયો હતો.

(4:06 pm IST)