રાજકોટ
News of Friday, 8th June 2018

વાવડીના જમીન કૌભાંડમાં મુંબઇનો નરેન્દ્ર શાહ રિમાન્ડ પર : બે ખોટા સોગંદનામા ઉભા કરી સરકારી જમીન ચાંઉ કરી'તી

અગાઉ ચીટીંગ, ખંડણી માંગવા સહિતના ગુનાઓમાં પણ સંડોવણી સબબ ગુના નોંધાયા હતાં :૯મી સુધી રિમાન્ડ પરઃ બ્લેકબેલ્ટ હોલ્ડર વૃધ્ધને મુંબઇથી પકડવા જે ટીમ ગઇ હતી એ સિવાયનો વધુ સ્ટાફ મોકલવો પડ્યો હતો

રાજકોટ તા. ૮: વાવડીના રેવન્યુ સર્વે નં. ૧૫ અને ૧૬ની સરકારની ફાજલ થયેલી જમીન મામલે હાઇકોર્ટના ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી તેના આધારે ખોટા સોંગદનામા ઉભા કરી મુંબઇના નરેન્દ્ર મગનભાઇ શાહ સહિતનાએ કૌભાંડ આચરી સરકારી જમીન ખોટા સોંગદનામાને આધારે પોતાના નામે કરી લઇ બોગસ સાટાખતને આધારે બનાવટી દસ્તાવેજો ઉભા કરી આ જમીન વેંચી દઇ માતબર રકમ મેળવી લઇ સરકારી જમીન ચાઉ કરી જવાના કૌભાંડમાં તાલુકા પોલીસે નરેન્દ્ર મગનભાઇ શાહ (ઉ.૭૫-રહે. રાજાવાડી, સીએચએસ લિમિટેડ, ઘાટકોપર વેસ્ટ મુંબઇ)ની મુંબઇથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ૯મી સુધીના રિમાન્ડ મંજુર થતાં પુરાવા એકઠા કરવા પોલીસે કવાયત આદરી છે. વાવડીની જમીન મામલે બે ખોટા સોગંદનામા તેણે ઉભા કર્યાનું તપાસમાં ખુલ્યું છે.

તાલુકા પોલીસે આ બારામાં ૧૫૦ ફુટ રીંગ રોડ આસ્થા રેસિડેન્સી પાછળ આશ્રય બંગલો કર્મયોગ-૩૨ ખાતે રહેતાં અને નિવૃત જીવન ગાળતાં ભીખાલાલ લક્ષમણભાઇ પીપળીયા (પટેલ) (ઉ.૬૩)ની ફરિયાદ પરથી નરેન્દ્ર શાહ, કિર્તીભાઇ ભગાભાઇ કોરાટ, રસિકભાઇ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૧૯૩, ૧૯૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો હતો. તપાસનીશ પી.આઇ. શ્રી વી.એસ. વણઝારાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર શાહને મુંબઇ પકડવા માટે અહિથી જે ટુકડી ગઇ હતી તે ઓછી પડતાં ખાસ મંજુરી લઇ વધારાનો સ્ટાફ મોકલવો પડ્યો હતો. નરેન્દ્ર શાહ બ્લેક બેલ્ટ હોલ્ડર છે. તેના સહિતનાએ કાવત્રુ રચી ૨૫/૪/૧૯૯૦ની સાલથી આજ સુધીના સમયમાં કૌભાંડ આચર્યુ છે. રાજકોટ તાલુકાના વાવડી રેવન્યુ સર્વે નં. ૧૫ અને ૧૬ની સરકારશ્રીની ફાજલ થયેલી જમીન મામલે નામદાર હાઇકોર્ટના ચુકાદાનું નરેન્દ્ર શાહે જજમેન્ટ પોતાની તરફેણમાં આવ્યું છે તે મતલબનું ખોટુ અર્થઘટન કરી તે અંગેના બે ખોટા સોગંદનામા ઉભા કરી ખોટા પુરવા ઉભા કર્યા હતાં અને રજીસ્ટ્રાર કચેરીમાં તથા તલાટી મંત્રી સમક્ષ રજુ કરી આ જમીનના કિર્તીભાઇ અને રસિકભાઇના નામે બોગસ સાટાખત ઉભા કરી લઇ સરકારી જમીન વેંચી નાંખી મોટી રકમ મેળવી લઇ સરકારી જમીનમાં હક્ક કબ્જો જમાવી લીધા હતાં. આ બારામાં તપાસ ક્રમશઃ આગળ વધી રહી છે અને પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

નરેન્દ્ર શાહને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ચારેક કલાક સુધી દલીલો ચાલી હતી. અંતે ૯મી સુધી રિમાન્ડ મંજુર થયા હતાં. પોલીસ હવે રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી સહિતના સ્થળોએ તપાસ કરી પુરાવા મેળવશે. કોઇ સરકારી કમર્ચારીઓ કે અધિકારીઓની સંડોવણી છે કે કેમ? તેની પણ તપાસ થશે અને અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવશે. પી.આઇ. વણઝારા, પ્રવિણભાઇ વસાણી સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર શાહ વિરૂધ્ધ અગાઉ પણ આ રીતે ચીટીંગના ગુના નોંધાયા હતાં. તાજેતરમાં કૃતિ ઓનેલાના  પ્રયોજકને પણ ખંડણી માટે ધમકી અપાયાનો ગુનો નોંધાયો હતો.

(4:06 pm IST)