રાજકોટ
News of Friday, 8th June 2018

સરધાર ગામની સીમમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી રદ

આરોપીની બેનને ભગાડી જતાં ફરીયાદીની હત્યા થયેલઃ ફરીયાદને ડી.ડી.નો પુરાવા માની અદાલતે જામીન અરજીઓને ફગાવી દીધી

રાજકોટ, તા., ૮: રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી યુવતીને ભગાડી જવા બાબતનો ખાર રાખીને સરધાર ગામના યુવાન ઉમેશ રણછોડ શેલડીયા નામના પટેલ યુવાનનું અપહરણ કરી ગામની સીમમાં લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરીને હત્યા કરવા અંગે પકડાયેલા અને જેલહવાલે થયેલા આરોપીઓ વેજાભાઇ ઉર્ફે દુધો વશરામ ગમારા અને ગોપાલ ઉર્ફે વિપુલ ગમારાએ ચાર્જશીટ બાદ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી વી.વી.પરમારે રદ કરેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, આ કામમાં ગુજરનાર ફરીયાદી ઉમેશ રણછોડ શેલડીયા આરોપીની બેનને ભગાડી ગયો હતો. જે અંગેનો ખાર રાખીને આરોપીઓએ તા.ર-૧૧-૧૮ ના રોજ ફરીયાદી ઉમેશનું તેના ઘરેથી અપહરણ કરીને સરધાર ગામની સીમમાં લઇ જઇને ધોકા પાઇપ વડે હુમલો કરીને હત્યા કરી હતી.

આ ગુનામાં આરોપીઓએ ચાર્જશીટ બાદ જામીન પર છુટવા અરજી કરતા સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, ફરીયાદમાં આરોપીઓના નામ છે. ફરીયાદી સારવાર દરમ્યાન મરણ ગયેલ છે. તેથી ફરીયાદીની ફરીયાદને ડાઇંગ ડેકલેરેશન ગણવી જોઇએ. આમ ડી.ડી.નો મહત્વનો પુરાવો આરોપીઓ સામે હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત ધ્યાને લઇને એડી સેસન્સ જજશ્રી વી.વી.પરમારે આરોપીઓ સામે સાહેદોના નિવેદનો જોતા પ્રથમ દર્શનીય કેસ જણાતો હોય જામીન અરજી રદ કરવામાં આવે છે તેમ ઠરાવીને બંન્ને આરોપીઓની જામીન અરજીને નકારી કાઢી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. બિનલબેન  રવેશીયા રોકાયા હતા.

(4:05 pm IST)