રાજકોટ
News of Friday, 8th June 2018

ચિલ્ડ્રન વર્કશોપનું સમાપન

 ઉનાળુ વેકેશનમાં બાળકો ઇતર પ્રવૃત્તિઓ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન મેળવે તેવા હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા બાલભવનના સંયુકત ઉપક્રમે એક 'ચિલ્ડ્રન વર્કશોપ' નું આયોજન કરાયુ હતુ. રંગપૂર્ણી, ડ્રોઇંગ, હેન્ડીક્રાફટ, સર્જનાત્મક હસ્તકલા, ઓરીગામી, મહેંદી આર્ટ, અક્ષર સુધારણા, નૃત્ય, અભિનય બાલગીત, વેસ્ટર્ન ડાન્સ સહીત અનેકવિધ પ્રવૃત્તિઓમાં કુલ ૪૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપનો પૂર્ણાહુતિ સમારોહ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. આ તકે બાળકોએ શીખેલી કલાનો નિચોડ રજુ કરાયો હતો. વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહીત કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા રમત ગમત અધિકારી વી. પી. જાડેજા, જિલ્લા રામત ગમત અધિકારી (ગ્રામ્ય)  પ્રવિણાબેન પાંડાવદરા, બાલભવનના માનદમંત્રી મનસુખભાઇ જોષી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના અલ્પનાબેન (હેલીબેન) ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)