રાજકોટ
News of Friday, 8th June 2018

આહિર સમાજના વીરસપૂત શ્રી દેવાયતબાપુ બોદરની પ્રતિમા મવડી ચોકડીએ મૂકાશે : રવિવારે વિજયભાઈના હસ્તે અનાવરણ

આહિર સમાજ માટે ગૌરવવંતો અવસર : લોકડાયરામાં માયાભાઈ આહિર અને રાજભા ગઢવી જમાવટ કરશે : વાસણભાઈ આહિર, મુળુભાઈ બેરા, જવાહરભાઈ ચાવડા સહિતના આગેવાનો હાજર રહેશે : સમસ્ત આહિર સમાજને જાહેર આમંત્રણ

આગામી રવિવારે આહિર સમાજના વીરસપૂત શ્રી દેવાયતબાપુ બોદરની પ્રતિમાની અનાવરણવિધિ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થનાર છે. જયારે આ અંગેની વિગતો આપવા'અકિલા' કાર્યાલયે આહિર સમાજના આગેવાનો આવેલા. તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કોંગી કોર્પોરેટર શ્રી વિજયભાઈ વાંક, શ્રી શૈલેષભાઈ ડાંગર, શ્રી નિર્મળભાઈ મેતા,  શ્રી મહેશભાઈ માખેલા, શ્રી તુલસીભાઈ ડાંગર, શ્રી મનસુખભાઈ બાળા, શ્રી જશુભાઈ રાઠોડ સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ : અહિંના વોર્ડ નં. ૧૨માં મવડી ચોકડી ખાતે આહિર સમાજના વીરસપૂત એવા શ્રી દેવાયતબાપુ બોદરની પ્રતિમા મૂકાનાર છે. જેની અનાવરણવિધિ આગામી ૧૦મીના રવિવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવનાર છે. શ્રી રૂપાણીના હસ્તે અનાવરણ વિધિ કાર્યક્રમ બાદ નાના મૌવા સર્કલ ખાતે લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં કલાકારો માયાભાઈ આહિર અને રાજભા ગઢવી (સાસણ ગીર) લોકડાયરામાં જમાવટ કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત આહિર સમાજને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

આહિર સમાજના વીર સપૂત શ્રી દેવાયતબાપુ બોદરની પ્રતિમાની અનાવરણ વિધિ વોર્ડ નં. ૧૨ મવડી ચોકડી ખાતે તા.૧૦ના રવિવારે સાંજે ૭ વાગ્યાથી આહિર સમાજને ઉમટવા હાકલ કરવામાં આવી છે. આહિર સમાજને આશરા ધર્મનું ગૌરવ અપાવનાર તેમજ રા.નો વંશ રાખવા માટે પોતાના દિકરાનું બલિદાન આપનાર શ્રી દેવાયત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે આહિર સમાજના સાંસદ પૂનમબેન માડમ તેમજ ગુજરાત રાજયના મંત્રી શ્રી વાસણભાઈ આહિર, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, ચેરમેન વીજ નિગમ ગુજરાત રાજય રાજશીભાઈ જોટવા, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી અમરશીભાઈ ડેર, વડોદરા મેયર ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, રાજકોટ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, તેમજ રાજકોટ મહાનગર પાલિકાના સર્વે પદાધિકારીઓ અને આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ આહિર સમાજનું ઘરેણુ માયાભાઈ આહિર લોકસાહિત્યકાર તથા ચારણી સાહિત્યની ધરોહર રાજભા ગઢવી (ગીર) દ્વારા લોકડાયરાની જમાવટ કરાવશે.

આ કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગથી યોજવામાં આવશે. આ અનાવરણ કાર્યક્રમમાં આહિર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તથા આહિર સમાજ દ્વારા અઢારેય વરણને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવશે.

આ અનાવરણ વિધિને સફળ બનાવવા આહિર સપુત શ્રી દેવાયત બોદર સેવા સમાજ સમિતિના સભ્યો સર્વેશ્રી નિર્મળભાઈ મહેતા, વિજયભાઈ વાંક, હિરેનભાઈ ખીમાણીયા, મહેશભાઈ માખેલા, તુલસીભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર, મનસુખભાઈ બાળા, જશુભાઈ રાઠોડ, મેહુલભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા, સુરજભાઈ ડેર, જેઠસુરભાઈ ગુજરીયા, કરશનભાઈ મેતા તેમજ આહિર સમાજના તમામ આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુજરાતનો બલિદાની દેવાયત આહિર'આહિર સોરઠીયો થયો, નામ હતુ દેવાયત, માં ભૌમ કાજે જીવના મરનાર આહિર'

(દેવાયતનામનો એક સોરઠીયા આહિર હતો, જેને સાબિત કરી આપેલ કે આહિર તેમની માતૃભૂમિની રક્ષણ માટે જીવે છે, અને મરે છે.)

લગભગ ૧૦૧૦ ઈ.સ.ની વાત છે. ગુજરાતના સોરઠ રાજયમાં આહિર રાજા રા. દિયાસ (રા.દહિયાસ/ રા.હડિયાસ / મહિપાલ)નું શાસન હતું. એવા સમયમાં સોરઠની રાજધાની જૂનાગઢ અનેક હિન્દુ પંથોની ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયુ હતું. જૂનાગઢનો ગિરનાર પર્વત તથા તલહટી વૈષ્ણવો, શૈવો સિદ્ધો તથા જૈનોના અનેક મંદિરો તથા બૌદ્ધ શિલાલેખો તથા એના નિર્માણ માટે પ્રસિદ્ધ પ્રાપ્ત કરી લીધી હતી. એટલા માટે ભારતના ખુણે - ખુણેથી અનેક જગ્યાએથી શ્રદ્ધાળુ તીર્થ યાત્રીઓ ત્યાં પૂણ્યલાભ માટે આવ્યા કરતા હતા. મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોના સંચાલન માટે તીર્થ યાત્રીઓની પાસે કર વસૂલ કરવા માટે રાજાએ તેમના વિશ્વાસુ અધિકારી જુમ્મક ચાવડાને નિયુકત કર્યો હતો.

ગુજરાતના શકિતશાળી રાજય (અનહિલવાડ) પાટણનો શાસક સોલંકી રાજા દુર્લભસેન (ઉર્ફે કરણદેવ) હતો. રાજા દુર્લભસેનની મહારાણીને ચારણોના મુખથી ગિરનારની પ્રશંસા સાંભળેલી તો તીર્થયાત્રા માટે વ્યાકુલ થઈ ગઈ અને રાજી થઈને ગીરનારની યાત્રા માટે જવા નીકળી ગઈ હતી. જયારે રાણીનો સંઘ જૂનાગઢની પાંચ ગાવ ઉતર મજોવાડી ગામ પાસે આવી વુ તો જુમ્મક ચાવડાના સૈનિકોએ એને રોકી યાત્રા વેરોની માગણી કરી પાટણની રાણીના કાનોમાં આ વાતની ખબર પડી તો તે ક્રોધિત થઈ ગઈ અને તેમણે જુમ્મક ચાવડાને સંદેશો મોકલ્યો કે હું પાટણ નરેશની મહારાણી છું. મારી પાસેથી યાત્રી કર માગીને તેમ તમારા રાજયની બરબાદી કરવા માગો છો. કારણ કે જૂનાગઢની રાજયસત્તાનું અસ્તિત્વ સોલંકી રાજાના હાથમાં છે.

જુમ્મક ચાવડા એ ઉત્તર આપ્યો કે મહારાણીજી તમારી ધમકી મને મારા કર્તવ્ય માર્ગમાંથી દૂર નહિં કરી શકે. જો તમારે જૂનાગઢમાં પ્રવેશ કરવો હોય તો નિયમમાં આવે તેટલો વેરો આપીને તેમને પ્રવેશ કરી શકો છો અથવા તો નહિં.

રાણી અપમાન સહન કરીને ગુસ્સામાં પાછી પાટણ જવા રવાના થઈ ગઈ. તેમને રોઈને રાજા દુલર્ભસેનને બધી વાત કહી સંભળાવી અને જાહેર કર્યુ કે જયાં સુધી રાડીયાસને હરાવી જુમ્મડ ચાવડાને બંદી બનાવી ન લઈ આવે ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરીશ. રાજા દુર્લભસને રાણીને સમજાવ્યા કે જુમ્મડ ચાવડાનો યાત્રી કર માગવાનું ન્યાય ઉચિત હતું. તેથી આપ ક્રોધનો ત્યાગ કરો. પરંતુ રાણી જુમ્મડ ચાવડાનો યાત્રી કર માગવાનું ન્યાય ઉચિત હતું. તેથી આપ ક્રોધનો ત્યાગ કરો. પરંતુ રાણી ગુસ્સામાં કેશને વિખેરીને પલંગ પર ઢળી ગયા અને કહેવા લાગ્યા કે 'હું રાણી નહિં, પાટણ નરેશની પટરાણી છું. આખા ગુજરાતની પ્રજા મારી પગમાં પડે છે. સોરઠ યાત્રામાં મારૂ અપમાન થયુ છે. આપ જાણો કે અપમાનનો બદલો લીધા વિના હું રાણીવાશમાં પગ પણ નહિં રાખુ. આ અહિંયા હું પ્રાણ ત્યાગી દઈશ.

રાજા દુર્લભસેનને રાણીને ફરીથી સમજાવવાનો પ્રયાસ કર્યો કે વ્યર્થ ખૂન - ખરાબાથી કોઈ લાભ નહિં થાય. આપ ઘટનાને ભૂલી જાવ. પરંતુ રાણી એની જીદ પર અટલ રહ્યા અને ઉતેજીત થઈને બોલ્યા કે આ વીરોની વાણી નથી, કાયરોની વાણી છે. જો તમે મારી વાત હવે નહિં માનો તો હું માથુ પટકાવી પટકાવી મારી જાન દઈ દઈશ.

રાજા દુર્લભ સેનની પાસે યુદ્ધ કર્યા સિવાય કોઈ માર્ગ ન હતો. રાજાએ મંત્રીની સભા બોલાવી સોરઠ અભિયાનની યોજના બનાવી અને સેનાપતિ હિંમતસિંહને કૂચ કરવાનો આદેશ આપી દીધો.

સેનાપતિ હિંમતસિંહ સોરઠીયાની શૂરવીરતાને અને પરાક્રમને સારી રીતે પરિચિત હતો. તેથી કપટનીતિનો સહારો લઈને જૂનાગઢની અંદરના લોકોના વેશમાં નાની - નાની સૈનિક ટુકડીઓને પ્રવેશ કરાવી દીધો. બીજી યુકિત દ્વારા, સેનાપતિને બે ચારણોને ગાતા વગાડતા ગઢની અંદર મોકલ્યા કે ચુડાસમા વંશના આહિર રાજા રાંડીયાસ એમની વચનનો પાક્કો છે. એટલે એમની દાનવીરતાના ગીત ગાતા મોં માગ્યુ ઈનામમાં રાજાનું સીર માંગી લ્યો.

બંને ચારણ ગાતા - વગાડતા ઉપરકોટમાં મહેલની પાસે જઈને રા'ડીયાસના વખાણના ગીત ગાતા કહ્યું,

'એ રાતમાં ઉગે કવિ, અને દિન થઈ જાય રેણ,દિન ફરે પણ ડિયાસનું, બોલ્યુ ફરે નવેણ'

(એવું સંભવ છે કે રાતમાં સૂરજ ઉગી આવે અને આ પણ સંભાવના છે કે દિવસ રાતમાં બદલી જાય. એવુ પણ શકય છે કે પૃથ્વી પલ્ટી જાય, પરંતુ આ શકય નથી કે રાડીયાસ એમના દીધેલા વચનમાં ફરી જાય.)

કપટ યોજના સફળ થઈ રાડીયાસ આત્મવિભોર થઈ ગયા અને બોલ્યા ''ચારણો માગો, માગો જે માગશો તે જ મળશે. ચારણોને કોઈપણ પ્રકારની રાહત જોયા વગર ઝડપથી એમની માંગ સંભળાવી દીધી કે

''એ દે દાની દિયાસ, માગલ તવ માથાતણો,પૂરબ કર કો આશ, માથુ જાવનાથે ચઢો.''

(હે દાનવીર રાડીયાસ, અમે તમારૂ માથુ (મસ્તક) માગીએ છીએ. આપ આપના વચન પ્રમાણે અમારી ઈચ્છાઓને પૂર્ણ કરતા તમે તમારૂ મસ્તક આપી દયો જેને ભવનાથ મહાદેવ મંદિરમાં ચઢાવવુ છે.)

એટલુ સાંભળીને રાડીયાસ અને તેમના મંત્રી સાંપતસિંહ બેચેન થઈ ગયા અરે આ શું થઈ ગયું ધન - દોલતની કાઈ માગ્યુ નહિં ને મસ્તક માગી લીધુ. મંત્રી સાંમતસિંહને કહ્યુ મહારાજ આ ઢોંગી લાગે છે. અવશ્ય આ દુશ્મનનો માણસ છે. એટલા માટે આપે આપેલા વચનની જરાપણ ચિંતા ન કરો. ચારણને જયારે ડરાવીયો ધમકાવ્યો ત્યારે તેને સાચી વાત બતાવી દીધી કે આ બધી સેનાપતિ હિંમતસિંહની બધી ચાલ છે.

પછી શું થાઈ યુદ્ધનું બ્યુગલ વાગવા લાગ્યુ, સોરઠવાસીઓ પાટણ સેના પર તૂટી પડ્યા પરંતુ સેનાપતિ હિંમતસિંહ એકબાજુથી ગઢની અંદર છુપાવેશમાં પ્રવેશ કર્યો. ઘણા પાટણના સૈનિકોની સહાયતા મળી રહી હતી. તો બીજીબાજુ પાટણની બીજા સૈનિકો એકબીજાની સામે સામે સોરઠવાસીઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતા. જયારે હિંમતસિંહ અને રાડીયાસ સામને - સામને યુદ્ધ કરતા હતા ત્યારે પાછળથી એક સીપાહીએ રાડીયાસને દગાથી માર્યો અને તેના યુદ્ધનો વિરામ થયો.

રાડીયાસ મરી ગયા. રાડીયાસ મરી ગયા એવુ ચારે કોર અવાજ આવવા લાગ્યો અને આ સાંભળી સોરઠવાસીઓમાં ભાગદોડ મચી ગઈ જૂનાગઢની રાણી સુરૂપાને જયારે ખબર પડી કે રાડીયાસ મરી ગયા છે ત્યારે તેણે જૂનાગઢ મહેલમાં અગ્નિદાહની તૈયારી કરી લીધી.

મરતા સમયે રાણીને તેના પુત્ર રાનવધણની રક્ષાની ચિંતા થવા લાગી. આ સમયે વીસ ગાંવ દૂર રહેતી પોતાની સહેલ સોનલ અને તેના રાજભકત પતિ દેવાયત આહિરની યાદ આવી તેમણે પોતાની ચતુર દાસીઓ અડી - કડીને બોલાવીને કહ્યુ દાસીઓ આ સમયે મારા માટે સોનલ અને દેવાયત આહિરથી વધારે કોઈ નથી. તમે લોકો કોઈપણ સંજોગોમાં રાજવંશ (રા'નવધણ)ના ચિરાગને સોનલ અને દેવાયત બોદરના હાથમાં સોપી દેજો. તો લોકો પોતાનો જીવ દઈ દેશે પરંતુ આહિર રાજવંશના ગૌરવનો વાળ પણ વાંકો નહિં થવા દે.

અનેક તકલીફોનો સામનો કરી ભૂખી, તરસી, અડી-કડી જયારે છુપાતા, છુપાતા કોલંભા ગામમાં પહોંચી ત્યારે તેમને ખબર પડી કે દેવાયત બોદરનો પરિવાર આલીદર ગામમાં રહે છે. અડી - કડી હિંમત હારી નહિં અને દેવાયત આહિરનુ ઘર ગોતી કાઢ્યુ. રાજદાસીઓ જયારે દેવાયતને મળ્યુ ત્યારે કહ્યું બાપુ ! ખોટુ થઈ ગયુ રાડીયાસ માર્યો ગયો. રાણીએ અગ્નિદાહ કરી લીધો. જૂનાગઢ ઉપર સોલંકી રાજાઓનો ઝંડો ફરકી રહ્યો છે. રા'નવધણને સોલંકી સૈનિકો શોધી રહ્યા છે. રાણી સુરૂયાએ કહ્યુ હતું કે આ રાજવંશના ચિરાગને દેવાયતના હાથમાં સોપી દેજો. તે લોકો પોતાનો જીવ દઈ દેશે પણ રાજવંશના ગૌરવનો વાળ વાંકો નહીં થવા દે. એટલે અમે લોકો આ બાળકને તમને સોપવા આવ્યા છીએ લ્યો આમને સાંભળો.

દેવાયત અને સોનલનની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. સોનલે પોતાની દૂધ પીતી બાળકી જાહલને એક બાજુ મૂકી ને નાના એવા બાળક નવધણને પોતાના ખોળમાં લઈ લીધો અને ભૂખ્યો નવઘણ અમૃત પાન કરતા જ માંના આંચલમાં ભેટી ગયો. દેવાયતે અડી, કડીને તેમના સંબંધીના ગામમાં મોકલી દીધી જેથી તેના આવવાની કોઈ શંકા ન જાય.

એક પાડોશી સ્ત્રીએ નવુ બાળક જોઈને પૂછી લીધુ કે સોનલ તારો છોકરો તો (બે વર્ષનો) ઉગો છે. તો આ નવો છોકરો કયાંથી લઈ આવી? તો સોનલે કહ્યું કે આ તો જાહલની જોડીયો ભાઈ રૂગો છે. બંને સાથે - સાથે સંભાળી ન હોતી શકતી એટલે માટે જૂના ગામમાં મૂકી આવી હતી. ધીમે - ધીમે રૂગો અને ઉગો મોટા થયા તો દેવાયત બંનેને ઢોર ચરાવવા માટે મોકલવા લાવ્યા. જેથી કોઈને રા'નવધણ ઉપર રાજકુમાર હોવાની શંકા ન થાય.

સોરઠ જીત્યા પછી સેનાપતિ હિંમતસિંહને સોરઠના પ્રધાન (સુબેદાર) શાસક બનાવી દીધા. તેમને રાણી સુરયાએ આત્મદાહ કરી લીધુ તેની ખબર નહતી. એટલા માટે હરેક સમયે, ચિંતા રહેતી હતી કે રાણી સુરપા અને રા'નવઘણ કયાંક છુપાયેલા હશે તો તે રાજય પાછુ મેળવવા માટે વિરોધ કરશે. તેમને આહિરોથી ખૂબ ડર રહેતો હતો. એટલા માટે આહિરોના બધા ગામમાં જાસૂસો (ગુપ્તસરો)ને મોકલી દીધા હતા. અંતે સેનાપતિને એક જાસૂસ થકી ખબર પડી કે દેવાયત આહિરને ત્યાં રા'નવઘણ ઉછરી રહ્યો છે. સેનાપતિની આજ્ઞાથી આલીદર ગામને સૈનિકોથી ઘેરી લીધુ સોનલ અને દેવાયતને પરિસ્થિતિ સમજતા વાર ન લાગી તેમણે નક્કી કરી લીધુ કે રા'નવઘણને બચાવવા માટે મોટામાં મોટી કુરબાની દેવી પડશે.

સૈનિકો દેવાયત આહિરને બંદી બનાવીને સાથે લઈ ગયા. હવે બધો જ ભાર સોનલ પર આવી પડ્યો. આવી વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે કામ લેવું. દેવાયતને પૂછપરછ થવા લાગી અને કહેવામાં આવ્યુ કે રા'નવઘણને છુપાવીને તમે રાજદ્રોહ કર્યો છે. શું એ સાચુ છે કે રાનવધણ તમારી પાસે છે? પહેલા તો દેવાયત આનાકાની કરવા લાગ્યા. અંતે એમણે કબૂલ કર્યુ કે શ્રીમાન રાનવધણ મારા જ ઘરમાં છે. અત્યાર સુધી તો મેં તેમનું પાલન પોષણ કરેલ, પરંતુ હવે તમે એની દેખરેખની જવાબદારી લેતા હો તો મને કોઈ મુશ્કેલી નથી એણે સૈનિકોની સામે જ સોનલને સંદેશો મોકલ્યો કે રાનવધણને લઈને તરત જ દરબારમાં હાજર થઈ જાઓ.

સોનલ બહુ કુશાગ્ર બુદ્ધિની સ્ત્રી માનવામાં આવતી હતી તેમણે પોતાના પુત્ર ઉગાને સારો પોષાક પહેરાવી ગળામાં રાજચિન્હ લગાવેલો હાર પહેરાવી દીધો અને કહ્યું બેટા તારો રાજતિલક થશે. એટલા માટે તને કોઈ તારૂ નામ પૂછે તો ડરવાનું નહિં, કહી દેવાનુ કે હું રાજકુમાર નવઘણ છું. જો કહે કે વિશ્વાસ કેવી રીતે થાય? તો કહેવાનુ કે મારા ગળામાં જૂનાગઢનું રાજચિન્હ છે.

સોનલ પોતાના પુત્રને લઈ દરબારમાં હાજર થઈ. પૂછવામાં આવ્યુ કે સાચે સાચુ બતાવો કે તમારી સાથે આ છોકરો કોણ છે. સોનલે જવાબ આપ્યો અન્નદાતા તમારાથી શું છુપાવવાનું હોય આ રાડીયાસનો દિકરો રાનવધણ છે. જેને મેં મારૂ દૂધ પાઈને ઉછેરેલ છે. જયારે ઉગાને પુછવામાં આવ્યુ તો માંએ શીખવ્યા પ્રમાણે કહેવા લાગ્યો હું રાનવઘણ છું. જુઓ મારા ગળામાં રાજચિન્હ અને હવે કરો મારો રાજતિલક સેનાપતિએ કહ્યું કે તેઓ સાચુ બોલી રહ્યા છો કે આ તમારો પોતાનો પુત્ર નથી તો સોનલબેન પાથરો તમારો ખોળો અને દેવાયત આહિર લ્યો આ શાહી તલવાર અને રાડીયાસના વંશનું માથુ કાપીને તમારી પત્નિના ખોળામાં નાખી દયો, જેથી સાબિત થાય કે ખરેખર આ પુત્ર તમારો નથી દેવાયત અને સોનલ બંનેનું હૃદય કંપી ઉઠ્યુ. તેમને રાણી સુરૂપાનો સંદેશો યાદ આવ્યો કે રાજવંશના આ દિપકને દેવાયતના હાથમાં આપી દેશો. આ લોકો પોતાની જીંદગી હોમી દેશે. પણ રાજવંશના ગૌરવને નુકશાની નહિં થવા દે.

પ્રશ્ન રાનવધણના જીવનનો હતો. દેવાયત અને સોનલે આંખોની ભાષામાં વાત કરી લીધી અને સમજી લીધી સોનલે પોતાનો ખોળો પાથર્યો દેવાયતે ઉગાને કહ્યું બેટા સભાને પ્રણામ કરો. ત્યાં જ દેવાયત આહિરે જગ ગીરનારીના નાદ સાથે પ્રણામ કરવા નમેલા ઉગાના મસ્તક ઉપર જોરદાર તલવારનો ઘા કરતા પુત્ર ઉગાનું મસ્તક કપાઈ ગયુ. દરબારમાં બેઠેલા લોકોના દિલ દ્રવી ઉઠ્યા. પરંતુ ભેદ ખુલી જવાની બીકે, દેવાયત અને સોનલ ગંભીર મુદ્રામાં ખોવાઈ ગયા.

સોરઠના રાષ્ટ્રીય ધરોહર સમાન કુમાર નવઘણનો જીવ બચાવવા માટે પોતાના હાથે, પોતાના જ વ્હાલા પુત્ર ઉગાનું અમૂલ્ય બલિદાન દેવાયત આહિરે આપેલુ પરંતુ આહિર વિરોધી સાહિત્યકારોએ સ્વર્ણ અક્ષરોએ તો શું, પણ કાળા અક્ષરોમાં સ્થાન ન આપ્યુ. છતાં એક પત્રકારને આ ઘટનાને માથાનો માંગનાર શિર્ષક તરીકે ગુણગાન ગાયા છે અને એક નાટ્યકારે મરદનો ઘા એવુ સંબોધન કરીને કિર્તી ફેલાવી છે. જરૂર લોક આખ્યાનો અને પુસ્તકોમાં એની પ્રશંસા કરવામાં આવી છે. શું કોઈ વ્યકિત પોતાના દેશ કે રાષ્ટ્રને માટે ચિંતા છે? શું કોઈ એવો માણસ થશે જે બીજાને માટે બીજાના કામ માટે પોતાના પુત્રનું બલિદાન આપી દે. રાજવંશની રક્ષા કરવા માટે પોતાના વંશનું કે પુત્રનું બલિદાન ધન્ય છે. દેવાયત આહિર તમારૂ કર્મ ધન્ય છે. ધન્ય છે.

રાષ્ટ્રીય કવિ સ્વ. મૈથિલીચરણ ગુપ્તાએ આવા બલિદાનની પ્રશંસા કરતા લખ્યુ છે.

બનતા નહિં ઈટ ગારે સે, યહ સામ્રાજ્ય વિશાલ,સૂનો ચુને જાતે હૈ, ઉસમે રૂધિરાપ્લુત કંકાલ.

પરંતુ આ નાટકનો પડદો એટલેથી નથી પડતો સેનાપતિએ સબની ઓળખ માટે ગુપ્તચરને બોલાવ્યો અને પૂછ્યુ શું આ રાનવધણ હતો એણે લોહીથી લથબથ શરીરને જોઈને ધ્રુજતા કહ્યું નહિં મહારાજ મને તો આ દેવાયત આહિરનો પુત્ર ઉગો લાગે છે.

વિદુષી આદરાણી સોનલને પરિસ્થિતિ સંભાળતા વાર ન લાગી, તે બૂમ પાડી ઉઠી અરે મૂર્ખ તું અન્નદાતા સાથે પણ જૂઠુ બોલે છે. તુ ભૂલી ગયો કે તું રાણી અને તેના પુત્રને લઈને મારી પાસે આવેલો અને કહેલુ આને શરણ આપો સમય આવશે ત્યારે તમને માલામાલ કરી દેશુ. રાજવંશ ખતમ કર્યો હવે મારો વંશ ખતમ કરાવવો છે. ઉપાડ આ લાશને અને આપી દે રાણીને જેને તે છુપાવીને રાખી છે અને કહી દે તારી રાણીને કે આ લાશને સિંહાસન પર બેસાડીને પોતાના અરમાન પૂરા કરે અને લઈ લે પાંચ ગામ ઈનામમાં.

વાત બદલી ગઈ ગુપ્તચરને દુઃખ આપવામાં આવ્યુ છેવટે રાણીનો પતો ન બતાવવા બદલ એને મારી નાખવામાં આવ્યો

અને પછી સેનાપતિએ કુટનીતિનો આશરો લીધો અને દેવાયતને સોનાની મૂઠ વાળી તલવાર ભેટ આપી અને જાગીરની લાલચ આપી કહ્યું, તું રાણીને ઓળખે છે એને શોધી લાવો. એ તલવાર જોઈને દેવાયતની બાહુ ફડકવા માંડી એ તલવારથી એમને એમના વ્હાલા પુત્રની હત્યા કરી હતી. પણ પોતાના ભાવો પર કાબુ રાખીને એમને કહ્યું - મહારાજ રાણીને વિશ્વાસમાં લેવા માટે રાજચિન્હ મને આપો. હું આજથી ગામો - ગામ ફરીને વહેલા મોડા શોધીને આપનું કામ કરી દઈશ.

રાજચિન્હને લઈને દેવાયત ગામો ગામ ફરીને આહિરોને ભેગા કરવા લાગ્યો. પુત્ર વધની વ્યથાથી બંને દુઃખી હતા, પરંતુ નવઘણને સુરક્ષિત રાખવાની ચિંતા થતી હતી. દેવાયત રાનવધણને સોરઠ રાજયની કથાઓ સંભળાવીને એમને સોરઠ રાજસિંહાસનની તરફ આકર્ષિત કરતા રહ્યા અને એમને તલવાર, ભાલા વગેરે ચલાવવાની શિક્ષા પણ આપવા લાગ્યો.

આ સમયગાળા દરમિયાન એમની પુત્રી જેસલ વિવાહ સાંસતીયા આહિરની સાથે નકકી થઈ ગયા. પ્રદેશના બધા આહિરોને આમંત્રણ આપવામાં આવ્યુ. એવા સંદેશાની સાથે કે એકલૌતી દિકરીની લગ્ન ધામધૂમથી કરવાના છે તેથી બધા લોકો સજી-ધજીને સાથે આવે. ઈશારાનો ખ્યાલ આવી ગયો. વર્ષોથી આહિરોના આટલો વિશાળ જમાવડો ભેગો નહોતો થયો. અતિથિઓની આગતા - સ્વાગતા થતી હતી ત્યારે એક વૃદ્ધ કાકાએ કહ્યું કે, 'દેવાયત! તમે બહાદુર તો છો પરંતુ આહિર રાજવંશ રાનવધણની હત્યા કરીને તમે આપનું નામ કલંકિત કરી દીધું છે' દેવાયત ઘણા સમયથી આ જુઠ્ઠા કલંકને સહન કરી રહ્યા હતા અને બોલ્યા - કાકા ! સાચી વાત તો તમે કાલે જાણશો. આહીરોમાં ગણગણાટ થવા લાગ્યો કે એનો અર્થ એ છે કે રાનવધણ જીવતો છે. બહુ જ ધામધૂમથી જેસલના વિવાહ કરવામાં આવ્યા. આગલા દિવસની ખૂબ જ તીવ્રતાથી રાહ જોવાતી હતી. આગલા દિવસે દેવાયતે આહિર ભાઈઓને કહ્યું, સેનાપતિએ લગ્નમાં ખૂબ જ મદદ કરી છે એટલે આજ હું તેમનું સન્માન કરીશ. એમને સેનાપતિને આમંત્રણ આપ્યુ અને ખુશ થઈને સેનાપતિ હિંમતસિંહએ આસન ગ્રહણ કર્યુ.

દેવાયત આહિરે સભાને સંબોધતા કહ્યું કે, સેનાપતિજીએ આ શાહી તલવાર મને ભેટમાં આપી છે હવે હું આ પાણીધાર / ધારદાર તલવારનો કમાલ આપ બધાને દેખાડુ છું અને ''જય ગીરનારી'' જોરથી બોલીને દેવાયત સેનાપતિ પર તૂટી પડ્યો. સેનાપતિનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. બધા જ આહિરોએ ત્યાં ઉપસ્થિત સુરક્ષા સૈનિકોનો સફાયો કરીને જૂનાગઢ પર ચઢાઈ કરી. સોલંકી સેનાપતિના અભાવને લીધે પાટણી સેના અચાનક હુમલાનો સામનો ન કરી શકી. સેના ભાગી ગઈ. આહિરોનો વિજય થયો. જૂનાગઢ પર આહિરોનો કબજો થઈ ગયો. જયારે રાનવધણનો રાજતિલક થયો હતો ત્યારે જેસલે એમની આંગણી ચીરીને લોહીથી નવઘણને તિલક કર્યો. રા-નવધણે કહ્યું બહેન, તમારા હિસ્સાનું દૂધ પીને હું મોટો થયો છું. બદલામાં કાલે તમારા વિવાહમાં હું કાઈ દઈ નહી શકયો. આજ હું રાજા છું બોલો, ભેટમાં શું આપું? જેસલ, સોનલ જેવી વિદુષિમાની બેટી હતી. બોલી - ભાઈ ! જયારે સમય આવશે ત્યારે જાતે ભેટ માગી લઈશ. (પછી તો તે માગવાનો પણ એક અલગ ઈતિહાસ થઈ ગયો.)

રાનવધણે ઘોષણા કરી કે અડી-કડીએ મારો જીવ બચાવ્યો હતો એટલે એના નામથી ઉપરકોટમાં એક વિશાળ વાવ બનાવીશ. (બસ્સો પગાની આ વિશાળ વાવ આજ પણ અડી - કડી વાવ નામથી પ્રખ્યાત છે. મારા મોટા ભાઈ ઉગોએ જીવ બચાવવા માટે પોતાનું જીવનું બલિદાન આપ્યુ. એટલે ઉપરકોટમાં ઉગો અને (એમના) નવઘણ નામની એક કુવો ખોદાવુ છું (ઉગો નવધણ નામનો એક સો છોતેર ફૂટ ઉંડો કુવો એટલો વિશાળ છે કે એમા પણ બે સીડીઓ છે પરંતુ લોકો ઉગો નામ ભુલતા ગયા, નવઘણ નામ જ યાદ રહ્યું.

આ રીતે બલિદાની દેવાયત આહિરે આહિર વંશની રાજસતાને જૂનાગઢમાં ફરી સ્થાપિત કરવા માટે પોતાનો એકમાત્ર પુત્રના લોહીથી યાદવોની અસ્મિતાનો એવા ઉત્કૃષ્ટ ઈતિહાસ રચ્યો કે જેમની બરાબરી જગતના કોઈ બીજા ઈતિહાસ નહિં કરી શકે.

:: સંકલન :: નિર્મળ મેતા, યદુવંશ પ્રકાશમાંથી

આહિર સપૂત શ્રી દેવાયત બોદર સેવા સમાજ

૧    નિર્મળભાઈ રાયધનભાઈ મેતા    - ૯૮૨૪૮ ૩૬૫૫૧

૨    વિજયભાઈ બાબુભાઈ વાંક -      ૯૮૨૪૫ ૮૦૯૮૦

૩    હિરેનભાઈ લાભુભાઈ ખીમાણીયા - ૯૭૨૫૭ ૮૮૮૮૮

૪    મહેશભાઈ દેવજીભાઈ માંખેલા    - ૯૭૧૪૨ ૦૦૪૪૪

૫    તુલસીભાઈ નરસંગભાઈ ડાંગર   - ૯૩૨૮૦ ૦૪૮૪૯

૬    શૈલેષભાઈ હરીભાઈ ડાંગર       - ૯૯૭૪૩ ૪૩૬૪૩

૭    મનસુખભાઈ વાળા        -      ૯૮૨૪૬ ૫૬૫૨૨

૮    જશુભાઈ લાભુભાઈ રાઠોડ -      ૯૯૭૯૦ ૧૩૨૫૩

૯    મહેશભાઈ રામભાઈ ચાવડા      - ૯૮૨૫૧ ૯૬૩૯૩

૧૦  દિલીપભાઈ લખમણભાઈ બોરીચા -       ૯૬૨૪૭ ૦૦૦૦૧

૧૧  સૂરજભાઈ વાસુરભાઈ ડેર -      ૯૪૨૮૬ ૪૪૪૪૪

૧૨  જેઠસૂરભાઈ યુ.ગુજરીયા   -      ૯૭૨૪૪ ૪૭૩૯૯

૧૩  કરશનભાઈ મેતા          -      ૯૬૬૨૦ ૫૧૧૧૧

(3:46 pm IST)