રાજકોટ
News of Friday, 8th June 2018

અત્યારના ૪૪ હજાર કાયદામાંથી સમગ્ર ૪ નવા લેબર કોડ કરવાની કેન્દ્ર સરકારની કવાયત

આજે દેશમાં મજુર કાયદાઓમાં સુધારાઓ અંગે ઘણો જ ચર્ચાનો વિષય છે. બધી સરકારોનો આ અંગે એક જ અભિગમ નથી રહ્યો. યુ.પી.એ. અને એન.ડી.એ.માં તફાવત જોવા મળે છે. અત્યારની કેન્દ્ર સરકાર આ સુધારાઓ ઝડપી કરવા માંગે છે. સારા પણ છે, ખરાબ પણ છે. સહમતી બનાવવા પ્રયાસ કરવાની જરૂર

નવી સરકારનો પ્રયાસ :

વર્તમાન કેન્દ્ર સરકારની પ્રશંસા કરવી જોઇએ કે તેણે ઘણા પગલાંઓ લીધા છે. જે કામદારોના હિતમાં છે. ડો. આંબેડકરના સમયથી શરૂ થયા છે. આમાં એક સારૂ કામ બોનસ એકટમાં સુધારો, પાત્રતા સીમા ૧૦ હજાર વધારી રૂ.૨૦ હજાર કરેલ છે. ગણત્રીની સીમા રૂ.૩૫૦૦ માંથી રૂ.૭૦૦૦ કરેલ છે. લઘુતમ વેતન પણ રૂ.૨૪૬ થી વધારી રૂ.૩૫૦ પ્રતિ દિનના કરેલ છે. ચાઇલ્ડ લેબર કાનુનમાં સુધારો કરી ૧૪ વર્ષથી નીચેના બાળકો અંગે પ્રતિબંધ મુકેલ છે. બધા કર્મચારીઓને માહીતી મળે તે માટે પોર્ટલ, યુનિક લેબર આઇડેન્ટીફીકેશન નંબર (લિન), યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) વગેરેની શરૂઆત કરેલ છે. મેટરનેટીવ લીવ મહિલાઓ માટે ૧૨ વીકમાંથી ૨૬ વીક કરવામાં આવેલ છે. કર્મચારી વિમા યોજનાની સીલીંગ રૂ.૧૫ હજારમાંથી ર૧ હજાર કરેલ છે. આ સગવડતાને અસંગઠિત ક્ષેત્રો, જેવા કે આંગણવાડી, બાંધકામ, ઓટો રીક્ષા વગેરેમાં પ્રભાવી બનાવવા કટીબધ્ધ છે. ગ્રેચ્યુટીની મર્યાદા ૧૦ લાખમાંથી ૨૦ લાખ કરેલ છે.

લેબર કોડ ચર્ચાના મુદ્દાઓ :

જયારથી નવી કેન્દ્ર સરકારે ૪૪ કેન્દ્રીય શ્રમ કાનુનોના સ્થાને ૪ નવા લેબર કોડના રૂપમાં લાવવાની ચર્ચા વિચારણા શરૂ કરેલ છે. ત્યારથી મજુર કાયદાઓમાં સુધારા અંગે એક મહત્વનો મુદ્દો ચર્ચાનો બનેલ છે.

ચાર નવા લેબર કોડ નીચે મુજબ છે.

૧. ઔદ્યોગિક સંબંધ (ઇન્ડસ્ટ્રીયલ રીલેશન)

ર. મજુરી અથવા વેતન (વેઇજ)

૩. સામાજિક સુરક્ષા (સોશ્યલ સિકયોરીટી)

૪. કામનું વાતાવરણ તથા સુરક્ષા

આમાંથી વેતન અંગેનું કોડ બીલ લોકસભામાં મોકલી આપેલ છે. ઔદ્યોગિક સંબંધ બીલ પર ત્રિપક્ષીય ચર્ચા વિચારણા ચાલુ છે. સામાજિક સુરક્ષા કોડ પર ત્રિપક્ષીય વિચાર- વિમર્શ બાકી છે. જયારે ચોથા કોડનો પ્રસ્તાવિક ડ્રાફટ તૈયાર થાય છે. થોડા જ સમયમાં વેબસાઇટ પર મુકવામાં આવશે.

ઘણા કાયદાઓમાંથી થોડા કાયદાઓ કરવા તે આવકારદાયક છે. સરણીકરણ થશે. સામાન્ય કાર્યકર્તા પણ સમજી શકશે. મુશ્કેલીઓ દુર થશે.

નવા લેબર કોડ બીજા રાષ્ટ્રીય શ્રમ આયોગ (સેકન્ડ નેશનલ લેબર કમીશન) ની ભલામણોનાં આધારે તૈયાર કરવામાં આવેલ છે. ઓૈદ્યોગિક સંબંધો પર બનાવવામાં આવેલ લેબર કોડમાં અમુક જોગવાઇએ વિવાદાસ્પદ છે. જયારે બીજા કોડ-વેતન અને સામાજિક સુરક્ષા સંબંધીત લેબર કોડના થોડા અપવાદો છોડીને સ્વયંમાં ક્રાંતિકારી તથા ઐતિહાસિક છે. આથી આને કામદારોના હિતોને ધ્યાનમાં રાખી, ચાલુ રાખવા તથા શરૂઆતની થોડી જોગવાઇને હટાવી મજુર કાયદાઓના ઇતિહાસમાં નવા આયામ જોડવાની આવશ્યકતા છે.

પી.એફ.માં મકાન-ભથ્થું, વેતનની પરિભાષા-વ્યાખ્યાઃ

કર્મચારી ભવિષ્ય નિધિ કાયદામાં પગારની વ્યાખ્યામાં સુધારો કરી મકાન ભાડુ સહિત બીજા ભથ્થાંઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે તે ઘણો જ સારો પ્રસ્તાવ છે. આનાથી માલીકો પર ઓછા વેતર પર ઓછો પગાર તથા વધારે ભથ્થાઓ આપવાની પ્રવૃતિ પર અંકુશ આવશે. આમાં એક ખામી એ રહેશે કે આ નવો પગાર રૂ. ૧૫,૦૦૦-૦૦ થી વધી જેશ અને પાત્રતાની સીમાથી આ રકમ વધારે હશે. ઇ.પી.એફ., પેન્શનની લઘુતમ રકમ રૂ. ૧,૦૦૦-૦૦ થઇ ગઇ છે. કર્મચારીઓને છુટ છે કે તએો પી.એફ. સ્કીમ અથવા રાષ્ટ્રીય પેન્શન યોજના બે માંથી એકનો સ્વીકાર કરે. સરકાર ગંભીરતાથી એ પણ વિચાર કરી રહી છે કે ૨૦ અથવા ૨૦ થી વધારે કર્મચારીઓને અત્યારે પી.એફ. લાગુ પડે છે તે સંખ્યા હવે ૧૦ સુધી કરવી.

યુનિયન રજીસ્ટ્રેશન અંગેની પ્રક્રિયા :

ઓદ્યોગિક સંબંધ કોડમાં એવી જોગવાઇ છે કે જો રજીસ્ટ્રેશન ટ્રેડ યુનિયનનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ૪૫ દિવસમાં ન મોકલે તો સંબંધિત ટ્રેડ યુનિયન રજીસ્ટર થઇ ગયું છે તેમ માની લેવામાં આવશે. આ માંગણી બધા કેન્દ્રીય શ્રમ સંગઠનોની હતી. અત્યારે એવી ફરીયાદ હતી કે શ્રમ વિભાગ રજીસ્ટ્રેશન કરવામાં અનેક વાંધાઓ કાઢે છે.

મધ્યસ્થતા કાર્યવાહીઃ

કોડમાં આ વખતે વ્યવસ્થા કરવામાં આવેલ છે કે કન્સીલીએશન ઓફીસર કોઇપણ વ્યકિતને વાટાઘાટ માટે બોલાવી શકે છે. અત્યાર સુધી મરજીયાત હતું, વાટાઘાટ માટે ઉપસ્થિત ન રહેવું અને નોટીસનો જવાબ ન આપવો. એવા હઠીલા માલીકોને પાઠ મળશે અને કન્સીલીએશન વખતે સુનાવણીને ટાળી શકશે નહિં અને હાજર રહેવું પડશે.

ઓૈદ્યોગિક સંબંધ કોડ :

ઓદ્યોગિક સંબંધ કોડમાં કોઇ બદલી વર્કર માત્ર એક વર્ષ સુધી જ બદલી વર્કર રહેશે. ત્યાર પછી તેની સ્થિતિ કાયમી મજુરની થઇ જશે. કોડમાં જોગવાઇ છે કે કોઇપણ મજુર અથવા કર્મચારી કોઇપણ ''ઓદ્યોગિક વિવાદ'' માં સીધા લેબર કોર્ટ અથવા ઓદ્યોગિક અદાલતમાં અરજી કરી શકશે. આનાથી ''રેફરન્સ'' જેવી લાંબી પ્રક્રિયામાંથી છુટકારો મળશે. કોડમાં એ પણ વ્યવસ્થા છે કે એવોર્ડ સીધો હવેથી બન્ને પક્ષકારોને ઓદ્યોગિક અદાલત મોકલી આપશે. અત્યાર સુધીની પ્રસિધ્ધી- ગેઝેટ વગેરે જંઝટમાંથી મુકિત મળશે. પ્રક્રિયા સરળ બનશે. ખર્ચ અને સમયની બચત થશે. જુની વ્યવસ્થા અંગે અનેક રજુઆતો આવેલ હતી. આજના સમયમાં કોઇ ઉપયોગીતા નથી. આથી સુધારો કરવામાં આવેલ છે.

વેજ કોડ :

''વેજ કોડ'' બધું મળીને કામદારોના હિતમાં છે. આને ઐતિહાસિક પણ કહી શકાય. કારણકે અસંગઠીત ક્ષેત્રના છેવટના કામદારને પણ લઘુતમ વેતન અને મજદુરી જોગવાઇ અલગથી કાયદામાં સામેલ કરવામાં આવેલ છે. અત્યારના મજુરીના કાયદામાં જે કમીઓ હતી તે નવા કોડમાં દૂર કરવામાં આવી છે. જેમ કે, કાયદો બધાને લાગુ પડશે, કેટલાંક ખાસ ક્ષેત્રમાં અલગ-અલગ પગારની પધ્ધતિ, પગારની ચુકવણી બેંકના ખાતામાં જમા કરવાની નવ વ્યવસ્થા, જોગવાઇ પારદર્શીતા લાવશે. કામદાર અને ટ્રેડ યુનીયનોને અપરાધોની ફરીયાદો સીધી દાખલ કરવાની સત્તા આપવામાં આવેલ છે. આ વ્યવસ્થા જુના કાયદામાં ન હતી.

સામાજિક સુરક્ષા

સામાજિક સુરક્ષા કાર્ડને એક રીતે ઐતિહાસિક અને ક્રાંતિકારી કાયદો કહી શકાય. જો આને ઠીક રીતે લાગુ કરવામાં આવે. આ એક પ્રકારે બધી સામાજીક સુરક્ષાના કાયદાઓનું તર્કપૂર્ણ  સરલીકરણ અને ચુસ્તબદ્ધ કરવાનો પ્રયાસ છે. આમાં બધા જ કામદારો પછી ભલે તે સંગઠીત ક્ષેત્રમાં હોય કે અસંગઠીત ક્ષેત્રમાં બધાના હિતોનું ધ્યાન રાખવામાં આવેલ છે. અત્યારે સામાજિક સુરક્ષા ખાસ કરીને માત્ર સંગઠીત ક્ષેત્રના કામદારો માટે -ઇ.એસ.આઇ.અનેઇ.પી.એફ. ના કાયદાઓ દ્વારા જ છે. સામાજીક સુરક્ષાનો લાભ એવી સંસ્થા માટે પણ છે કે જયાં એક જ કામદાર કામ કરતો હશે. અત્યારે જે સંસ્થાઓમાં ૧૦ થી વધારે કર્મચારીઓ કામ કરે છેતેઓને ''કર્મચારી રાજય વિમા યોજના'' નો લાભ મળે છે અને જયાં ર૦ થી વધારે કર્મચારીઓ કામ કરે છે ત્યાં ''કર્મચારી ભવિષ્ય નિધિ યોજના''નો લાભ મળી રહ્યો છે.

પ્રાસ્તાવિક સામાજિક સુરક્ષા કોડ દેશના બધા ક્ષેત્રના કામદાર વર્ગને સામાજિક સુરક્ષા આપવાની ચોકકસ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કારણ કે નિયમોનું પાલન ન કરવાથી સખ્ત સજા અનેદંડની પણ જોગવાઇ કરવામાં આવેલ છે. ''કામદારો માટે સામાજિક સુરક્ષા એ તેમનો મૂળભૂત અધિકારી છે.'' આ કોડમાં સ્પષ્ટ માનેલ છે. સામાજિક સુરક્ષાના દાયરામાં તમામ પ્રકારના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ભલે તે ઘરેલું, બહારી અથવા સ્વયંનો વ્યવસાય કરવાવાળા અથવા કોઇ સંસ્થા ચલાવતા હોય એટલું જ નહીં બહારના કામદાર, સીઝનલ કામદાર, કમીશન પર કામ કરવાવાળા બધા આ સામાજિક સુરક્ષાના દાયરામાં આવે છ.ે ટુંકમાં જે પણ કામદાર છે તેનો આ કાયદામાં સમાવેશ છે. અગત્યની વાત એ છ ેકે કામાદારોને સામાજિક સુરક્ષાનો લાભ ઇ.એસ.આઇ.અને પી.એફ.અત્યારે ૬ છે તે વધારી ૧૪ કરવામાં આવેલ છે. આ છે.:-(૧) બિમારી સબબ સારવાર, (ર) બિમારી સહાયતા મદદ જેમ કે રોકડા અને અસ્થાયી લાભ સતત વધારા સાથે, (૩) સુવાવડ-ગર્ભપાત, કસુરવાવડ, બિમારી, (૪) અપંગતા લાભ (સ્થાયી અથવા અસ્થાયી), (પ) આશ્રિત લાભ, (૬) અંતેષ્ઠિત ખર્ચ રૂ.૧૦ હજાર માલિકે આપવાનો રહેશે.(૭) પેન્શન અને આંતરરાષ્ટ્રીય પેન્શન, (૮) અપંગતા લાભ (ફેકટરી બહાર), (૯) બેરોજગારી લાભ, (૧૦) ભવિષ્ય નિધિ લાભ, (૧૧) સામુહિક વિમા લાભ, (૧ર) ગ્રેચ્યુટી,(૧૩) કલ્યાણકારી યોજનાઓ, (૧૪) માલિકોની જવાબદારીઓ.

વહીવટી ચાર્જ કુલ અંશદાનનો પાંચ ટકાથી વધારે નહી હોય. ગ્રેચ્યુટી માટે નવું ફંડ બનાવવામાં આવશે જે કામદાર અને માલિક બન્ને માટે લાભદાયક હશે. ખાસ કરીને કોઇ કંપની બંધ થઇ જાય અથવા ત્યાં મોટા પાયા પર 'રીટ્રેચમેન્ટ'ની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે મુળ માલીક કંપનીમાં કામ કરતા કાયમી કર્મચારીઓ તથા કોન્ટ્રાકટરના કામદારો માટે પી.એફ.ની રકમ સ્વયં જમા કરાવશે. કોન્ટ્રાકટરના કામદારોનો પી.એફ.નો ફાળો કોન્ટ્રાકટર પાસેથી લેશે. આ ફાળો કોન્ટ્રાકટરને આપવાની રકમમાંથી સીધા કાપી લેશે. આ નવી જોગવાઇ આવકારદાયક છ.ે કોડમાં ઉપરની પરિસ્થિતિ નિર્માણ થાય તો પી.એફ.ના પૈસા મળવાની જોગવાઇ કરેલ છે વધુમાં જયાં માલિકોએ પી.એફ.ની રકમ જમા કરાવેલ નથી તેમજ નોકરી છોડયા બાદ અકસ્માત થાય તો પણ કર્મચારીઓને લાભ મળશે. આશ્રિત પરિવારની વ્યાખ્યા ઘણી વ્યાપક બનાવી તેમાં ભાઇ અને બહેનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે 'પગાર'ની વ્યાખ્યા વિસ્તૃત કરેલ છે. અર્થાત જમીની સ્તાર સુધી વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યુંછે. પગારની વ્યાખ્યા વધારવામાં આવી છે. આ સુધારો ઘણો જ અગત્યનો છે. બધા જ અસંગઠીત કામદારોને લાભ આપવા માટે રજીસ્ટ્રેશન માટે અલગથી સુવિધા કેન્દ્રો શરૂ કરવાની જોગવાઇ  છે.

આ રીતે આપણે જોઇ શકીએ છીએ કે આપણા દેશમાં શ્રમ-કાયદાઓમાં સુધારવાની પ્રક્રિયામાં ઘણા જ ઉતાર-ચડાવથી પસાર થયેલ છે.

આગામી સમયમાં આ બધા-શ્રમ-કાયદાઓ અંગે ટ્રેડ યુનિયનો, માલિકો તથા સરકારની ભૂમિકા કેવી હશે તેના પર આધાર છે. આજની આવશ્યતા અનુસાર પરિવર્તન જરૂરી છે.

હસુભાઇ દવેે

પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, મો.૯૪ર૬ર પ૪૦પ૩

(3:42 pm IST)