રાજકોટ
News of Friday, 8th June 2018

લોહાણા મહાજનની ચૂંટણીમાં સર્વસંમતિ સધાય તો જ જ્ઞાતિ સારી અને ગૌરવવંતી લાગશેઃ રાજુભાઈ પોબારૂ

જ્ઞાતિ સંસ્થા રાજકીય અખાડો ન બને તેવી આશા વ્યકત કરીને પોતે ચૂંટણી નહીં લડતા હોવાનું ટેલિફોનિક નિવેદન આપતા રાજુભાઈ. ખોડલધામ (નરેશભાઈ પટેલ)નું ઉદાહરણ ટાંકીને સર્વસંમતિની તરફેણ કરી, જો કે લોહાણા સમાજનો અમુક વર્ગ ચૂંટણીની સ્પષ્ટ તરફેણ કરે છે

રાજકોટ, તા. ૮ :. નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટના આદેશ મુજબ લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી પ્રક્રિયામાં દિવસે દિવસે ધમધમાટ વધતો જાય છે ત્યારે લોહાણા મહાજન રાજકોટના હાલના કારોબારી પ્રમુખ અને સટ્ટાબજારના અગ્રણી રાજુભાઈ પોબારૂએ (મો. ૯૮૨૪૦ ૪૦૫૫૯) જણાવ્યું હતું કે, લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી ન થાય તો જ જ્ઞાતિ સારી અને રૂપાળી લાગશે. તેઓએ ઈલેકશન નહીં પરંતુ સર્વસંમતિથી સારા માણસનું સિલેકશન થાય અને જ્ઞાતિ સંસ્થા રાજકીય અખાડો ન બને તેવી આશા વ્યકત કરી હતી. પોતે ચૂંટણી નહીં લડતા હોવાનું ટેલિફોનિક નિવેદન પણ આપ્યું હતું.

રાજુભાઈએ તાજેતરના ભૂતકાળમાં ખોડલધામમાં થયેલ નરેશભાઈ પટેલ સંદર્ભેના કહેવાતા વિવાદ અને તેના ઝડપી ઉકેલનું ઉદાહરણ ટાંકીને રાજકોટના લોહાણા સમાજમાં પદાધિકારીઓ નિમવા સર્વસંમતિની તરફેણ કરી હતી. તેઓએ રાજકોટના સ્ટોક એક્ષચેન્જ, સટ્ટાબજાર, ચેમ્બર ઓફ કોમર્સ વિગેરેની ભૂતકાળમાં જાહેર થયેલ ચૂંટણી અને છેલ્લી ઘડીએ થયેલ સર્વસંમતિને પણ યાદ કરી હતી. ચૂંટણી થવાથી જ્ઞાતિની આબરૂ ઘટતી હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

અત્રે એ યાદ આપવુ ઘટે કે અત્યાર સુધી લોહાણા મહાજનમાં સર્વસંમતિથી જ પ્રમુખ સહિતના પદાધિકારીઓ પસંદગી પામતા રહ્યા છે, છતા પણ એક યા બીજી રીતે વિવાદ કેડો મુકતો નહોતો. અંતે સમગ્ર વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને હાઈકોર્ટના ચુકાદા સંદર્ભે નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટ દ્વારા સંજયભાઈ લાખાણીની અરજી સંદર્ભે ૪૫ દિવસમાં લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી કરવાનો આદેશ અપાયો.

લોહાણા સમાજનો અમુક વર્ગ એવું માની રહ્યો છે કે, સર્વસંમતિ કરવાથી પણ જો વિવાદ જ થતો હોય અને જ્ઞાતિ ઉત્કર્ષના કોઈ કાર્યો થતા ન હોય તો પછી ચૂંટણી જ કરવી જોઈએ. જેથી પ્રમુખ પદ સહિત ચૂંટાયેલી પેનલને જવાબદારીનું ભાન રહે અને જ્ઞાતિહિતના વિવિધ કાર્યો કરવામાં સરળતા રહે.

દરમ્યાન ચૂંટણીની જાહેરાત થતા જ લોહાણા મહાજન રાજકોટના હાલના ઉપપ્રમુખ અને તેજતર્રાર રઘુવંશી અગ્રણી રમેશભાઈ ધામેચા તથા ગ્રુપ દ્વારા ચૂંટણી લડવાનો સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે અને તેઓને સેંકડો આગેવાનોનું સમર્થન પણ મળી રહ્યાનું જાણવા મળે છે.(૨-૨૮)

(3:37 pm IST)