રાજકોટ
News of Friday, 8th June 2018

ચુનારાવાડમાં ગાળો દેવાની ના પાડતાં સુનિલ બાવાજીની હત્યાનો પ્રયાસ

બાઠીયાએ ધોલધપાટ કરી અને સન્નીએ છરી કાઢી પડખામાં ઝીંકી દીધી

રાજકોટ તા. ૮: ચુનારાવાડ ચોક ડાભી હોટેલ નજીક બરફના કારખાના પાસે બાવાજી યુવાનને બે શખ્સોએ ગાળો ભાંડતા તેને ના પાડતાં એક શખ્સે ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

બનાવ અંગે થોરાળા પોલીસે કુબલીયાપરા લાખાજીરાજ ઉદ્યોગનગર-૯માં રહેતાં સુનિલ અશોકભાઇ કુબાવત (બાવાજી) (ઉ.૨૭)ની ફરિયાદ પરથી વિજય નથાભાઇનો છોકરો બાઠીયો તથા સન્ની સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. સુનિલના કહેવા મુજબ તે હાર્ડવેરના કારખાનામાં મજૂરી કરે છે. તેના પિતા હયાત નથી. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો અને કુંવારો છે.

સુનિલે જણાવ્યું હતું કે પોતે મિત્ર મહેશ કોળી સાથે ઉભો-ઉભો વાતો કરતો હતો ત્યારે બાઠીયો અને સન્નીએ આવીને કારણ વગર જ તું...છો તેમ કહી ભુંડી ગાળ દેતાં તેને ગાળ દેવાની ના પાડતાં સન્નીએ છરી કાઢી હતી અને ખુન્નસથી પડખામાં ઘા મારી દેતાં પોતે પડી ગયો હતો. મિત્રએ હોસ્પિટલે ખસેડ્યો હતો.

થોરાળાના પી.આઇ. બી. પી. સોનારા, ભરતસિંહ પરમાર અને અજીતભાઇ ડાભીએ હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી છે. (૧૪.૭)

 

(12:45 pm IST)