રાજકોટ
News of Friday, 8th June 2018

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જીવીત બાળકીને મૃત જાહેર કરી દેવાઇ!

ગોંડલ પોલીસને જાણ કરી દેવાયા પછી ખબર પડી કે બાળકી જીવીત છેઃ બીજી એક બાળકીનું મોત થયું હોઇ તબિબથી ભુલ થઇ ગઇ

રાજકોટ તા. ૮: સિવિલ હોસ્પિટલની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબિબે ભુલથી જીવીત બાળકીને મૃત જાહેર કરી દેતાં પોલીસ ધંધે લાગી હતી. હકિકતે બીજી એક બાળકીનું મોત થયું હતું તેના બદલે આ બાળકીને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલ ચોકી મારફત ગોંડલ તાલુકા પોલીસને જાણ પણ કરી દેવામાં આવી હતી. જો કે બાદમાં એન્ટ્રી  કેન્સલ કરાવાઇ હતી.

ગોંડલના ખડવંથલીથી રીનાબેન રાઠવાની ૧ દિવસની વયની બાળકીને ગઇકાલે બેભાન હાલતમાં કોલીથડ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિના તબિબે બાળકીને મુકીને તેના સગા જતાં રહ્યાની અને બાળકી મૃત્યુ પામ્યાની જાણ પોલીસ ચોકીમાં કરતાં તે મુજબની નોંધ ગોંડલ તાલુકા પોલીસને કરાવાઇ હતી. જો કે બાદમાં આ બાળકી જીવીત હોવાની જાણ કરવામાં આવતાં પોલીસ ચોકીનો સ્ટાફ ચોંકી ગયો હતો. તબિબે બાદમાં આ અંગે લેખિતમાં જાણ કરતાં ગોંડલ પોલીસને નોંધ કરાવાઇ હતી.

હકિકતે કાગદડીના કિશોરભાઇ પટેલની વાડીમાં રહેતાં નાનજીભાઇ પરમારની ૧ દિવસની વયની દિકરી બિમારીથી મૃત્યુ પામી હોઇ અને તેના બદલે તબિબે ભુલથી ખડવંથલીથી લાવવામાં આવેલી બાળકીને મૃત જાહેર કરી દીધી હતી. તબિબની આ ભુલથી પોલીસને ધંધે લાગવું પડ્યું હતું.

(11:39 am IST)