રાજકોટ
News of Saturday, 8th May 2021

રાજકોટ વીજ તંત્રમાં ઘેરો શોકઃ કોરોનાને પછાડનાર જીબીઆના જનરલ સેક્રેટરી-એકઝી. ઇજનેર સાવલીયાનું નિધન

જીબીઆના સેક્રેટરી જનરલ શાહ સહિત તમામ સ્ટાફ શોકમાં ગરકાવ શ્રધ્ધાંજલી પાઠવી : કોરોનાને મ્હાત આપી પરંતુ અન્ય સાઇડ ઇફેકટ અને કિડની ફેઇલ થતા વહેલી સવારે અંતિમશ્વાસ લીધા

રાજકોટ તા. ૮ :.. રાજકોટ વીજ તંત્ર એક કારમી ઘટનાને કારણે શોકમાં ગરકાવ થઇ ગયું છે, કોરોનાને પછાડનાર અને ૧પ દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાને મ્હાત આપનાર અને જીબીઆના જનરલ સેક્રેટરી તથા જેટકોના રીટાયર્ડ એકઝી. ઇજનેરશ્રી આર. બી. સાવલીયાનું આજે વહેલી સવારે ૪.૧પ વાગ્યે દુઃખદ અવસાન થતા રાજકોટ વીજ તંત્રમાં ઘેરો શોક છવાયો છે, જીબીઆના સેક્રેટરી જનરલ બી. એમ. શાહ સહિત તમામ સ્ટાફ શોકમય બની ગયો છે. તેમને શ્રધ્ધાંજલી પાઠવતા શ્રી શાહે જણાવેલ કે મે એક લડાયક સાથી ગૂમાવ્યો છે, શ્રી સાવલીયા અત્યંત હસમુખા-સરળ સ્વભાવના હતા, અને સ્ટાફ માટે તેઓએ મેનેજમેન્ટ સામે દર વખતે લડાયક વલણ દાખવ્યું હતું.

શ્રી શાહે જણાવેલ કે સદ્ગત સાવલીયા કોરોનાથી મુકત બન્યા હતા, પરંતુ અન્ય સાઇડ ઇફેકટ તથા કિડની ફેઇલ થવાના કારણે તેઓ ઝીક ન ઝીલી શકયા અને આજે વહેલી સવારે ૪.૧પ વાગ્યે અંતિમશ્વાસ લીધા હતાં.

શ્રી આર. બી. સાવલીયા, સંનિષ્ઠ, સમર્પિત અને સાહસિક કાર્યકર હતાં. છેલ્લા દસેક વર્ષથી જેટકોના જનરલ સેક્રેટરી તરીકે એસોસીએશન માટે અવિરત, અવિરામ અને પ્રસંશનીય કામગીરી કરી હતી. તેમના પ્રયત્નોને કારણે જ નવા સેટ-અપની મંજૂરી આપી  અમલીકરણ શકય બન્યું છે. ઇજનેરોના હકકો અને લાભો માટે તેમની પ્રતિબધ્ધતા અને ઝૂઝારૂ વૃતિને કારણે જ જે કાંઇ મેળવી શકયા કે મળતા લાભો બચાવી શકયા.

(12:00 pm IST)