રાજકોટ
News of Thursday, 8th April 2021

કોરોના સ્થિતિ બેકાબુ : દવાઓ ખાલી - ટેસ્ટીંગ કીટ ખાલી : હોસ્પિટલો ફુલ

મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રોમાં કોરોના માટેની ફેવીપીરવીર દવાનો સ્ટોક ખાલી : ટેસ્ટીંગ બુથ ઉપર પણ કીટ અને દવાની અછત : કેટલાક સ્થળે વેકસીનનો સ્ટોક પણ ખાલી : તંત્ર વાહકો લાચારીની સ્થિતિમાં : પ્રજા ભગવાન ભરોશે

ટેસ્ટીંગ બુથ પર લોકોના ટોળા : કોરોનાથી બેફામ સ્થિતિ દર્શાવતી આ તસ્વીરમાં કેકેવી ચોક ખાતે કોરોના ટેસ્ટ માટે લોકોએ લાઇનો લગાવી હતી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮ : શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે. એટલી ઝડપથી સંક્રમણ વધવા લાગ્યું છે કે, હવે તંત્ર પહોંચી શકતું નથી. છેલ્લા ત્રણ દિવસથી ટેસ્ટીંગ માટેની એન્ટીજન કીટ ખાલી થઇ ગઇ છે. અને હવે આજથી તો કોરોનાના દર્દીઓ માટેની એન્ટી વાયરલ દવા ફેવીપીરવીર નામની દવાઓનો સ્ટોક ખાલી થવા લાગ્યો છે.

આજે કેકેવી ચોક, રૈયા ચોકડી વગેરે સ્થળે એન્ટીજન કીટની ટેસ્ટીંગના કેમ્પ ચાલુ કરાયા છે ત્યાં લોકોની લાઇનો સવારથી લાગી રહી છે અને બપોર સુધીમાં ટેસ્ટીંગ કીટ ખાલી થઇ જાય છે.

એટલુ઼ જ નહી હવે ટેસ્ટીંગની છાવણીમાં પોઝિટિવ આવનાર દર્દીઓને આપવામાં આવતી દવાઓનો સ્ટોક ખાલી થઇ જતા દર્દીઓને આરોગ્ય કેન્દ્રોમાં ધકેલાય છે પરંતુ આરોગ્ય કેન્દ્રમાં પણ દવાઓની અછત છે અને ટેસ્ટીંગ કીટ પણ અપૂરતી હોવાની ફરિયાદો છે.

જ્યારે કોરોના કાબુમાં હતો ત્યારે રોજના ૧૫ હજાર અને હવે માત્ર ૮ હજાર ટેસ્ટીંગ

દરમિયાન હાલમાં કોરોનાના ટેસ્ટીંગમાં પણ તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે. કેમકે સપ્ટેમ્બરમાં જ્યારે કોરોના કાબુમાં હતો ત્યારે રોજના ૧૫ હજાર ટેસ્ટીંગ થતા હતા અને હવે કોરોના બેફામ છે ત્યારે ૮ થી ૯ હજાર ટેસ્ટ જ થાય છે.

(4:21 pm IST)