રાજકોટ
News of Thursday, 8th April 2021

ઇમાનદારીનું ઉમદા કાર્યઃ મૂળ માલીકને શોધી પ.પ૦ લાખની રોકડ ભરેલો થેલો પરત કરતી પોલીસ

ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળા સહિતના સ્ટાફની કામગીરી

રાજકોટ : માધવ પાર્ક શ્યામલ સીટી બ્લોક નં. એ/ર માં રહેતા મયુરભાઇ રજનીકાંતભાઇ ભુવા આજે પોતાના ઘરનો સામાન બીજા મકાનમાં ફેરવતા હતાં. તે દરમ્યાન તેના રૂ. પ,પ૦,૦૦૦ રોકડ ભરેલો થેલો સામાન ફેરવતી વખતે રસ્તામાં પડી ગયો હતો. આ રોકડ ભરેલો થેલો વગડ ચોકડી પેટ્રોલ પંપ પાસેથી રાહદારી મુકેશભાઇ ભીખુભાઇ ડોડ (રહે. કોઠારીયા શ્રી ગણેશ સોસાયટી) ને મળ્યો હતો. તેણે પોતાના શેઠ સીધ્ધી ગ્રુપના પપ્પુભાઇ મહેતાને જાણ કરતા તેણે ડીસીપી મનોહરસિંહ જાડેજાનો સંપર્ક કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ તાલુકા પોલીસ મથકમાં રોકડ ભરેલો થેલો મોકલી મુળ માલીકને શોધી કાઢવા માટે સુચના આપતા પીઆઇ જે. પી. ધોળા તથા પીએસઆઇ એન. ડી. ડામોર સહિતના સ્ટાફે તપાસ કરતા મુળ માલીક મયુરભાઇ ભુવા મળી આવતા તેને રૂ. પ.પ૦ લાખની રોકડ ભરેલો થેલો પરત કર્યો હતો. અને રાહદારી મુકેશભાઇ ભીખુભાઇ ડોડના ઇમાનદારીના  ઉમદા કાર્ય બદલ ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રશંસા પત્ર આપવામાં આવ્યુ હતું.

(4:20 pm IST)