રાજકોટ
News of Thursday, 8th April 2021

સાંજે ૮થી કર્ફયુના અમલમાં અંધાધૂંધીનો માહોલઃ ઠેકઠેકાણે ટ્રાફિકજામઃ પોલીસ સાથે લોકોની બહાનાબાજી, ચડભડઃ કર્ફયુ ભંગના ૭૧ કેસ

નોકરી-ધંધાના સ્થળોએથી કે બીજા કામેથી છેલ્લી ઘડીએ નીકળવાને બદલે લોકો ઘરે જવા વહેલા નીકળે તો સમસ્યા ન સર્જાય : કેટલાક તો દૂકાનો ખુલ્લી રાખીને બેઠા હતાં: કેટલાક અમસ્તા આટો મારવા નીકળ્યા ને કેટલાક વાહન લઇ નીકળી પડ્યા હતાં : પહેલા દિવસે પોલીસે પણ થોડુ જતું કરી મોટા ભાગના વાહન ચાલકોને હવે પછી મોડુ નહિ કરવાની કડક સુચના આપી જવા દીધાઃ આજથી પોલીસ કોઇ બહાના ચલાવાશે નહિઃ સંક્રમણ અટકાવવાની કાર્યવાહીમાં શહેરના નાગરિક તરીકે સોૈની ફરજ બને છે કે નિયમોનું પાલન કરે

પોલીસની કામગીરીમાં ફરીથી વધારોઃ કોરોનાનું સતત વધી રહેલું સંક્રમણ કાબૂમાં લેવા સરકારની માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસ તંત્ર સાંજના ૮ થી સવારના ૬ સુધીના કર્ફયુનો કડક અમલ કરાવવા ગત સાંજથી કામે લાગી ગયું હતું. ઉચ્ચ અધિકારીઓ પણ મુખ્ય માર્ગો પર પહોંચ્યા હતાં અને કર્ફયુનો કડક અમલ થાય તે માટે થાણા ઇન્ચાર્જ અને બીજા સ્ટાફને જરૂરી સુચનાઓ આપી હતી. પહેલો દિવસ હોઇ લોકો થોડુ ઘણું મોડુ થશે તો ચાલશે એવું સમજી નોકરી-ધંધા-કામના સ્થળેથી મોડા નીકળ્યા હતાં અને આ કારણે કર્ફયુ શરૂ થઇ ગયા પછી પણ અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. લોકોએ મોડુ થઇ જવાના અલગ અલગ કારણો અને બહાના પોલીસ સામે રજૂ કરી દીધા હતાં.  આ કારણે અનેક ઠેકાણે પોલીસ સાથે ચડભડ પણ થઇ હતી.  પોલીસ અધિકારીઓ અને ચેકીંગ કાર્યવાહીના દ્રશ્યો તથા કાલાવડ રોડ કેકેવી ચોકમાં જામ થયેલો ટ્રાફિક, ઇન્દિરા સર્કલ સહિતના રસ્તાઓ પર કર્ફયુ ચાલુ થઇ ગયા પછી પણ કેવો ટ્રાફિક હતો તે જોઇ શકાય છે. એક મહિલાએ પોતે સાત વાગ્યે નોકરીના સ્થળેથી નીકળ્યા છતાં ટ્રાફિકને લીધે મોડુ થઇ ગયાનું કહી પોલીસ સાથે દંડ ભરવા બાબતે ચડભડ કરી હતી. એક હોટેલના ડિલીવરી બોયને પણ કર્ફયુ ભંગ મામલે પોલીસ સાથે માથાકુટ થઇ હતી. ઠેકઠેકાણે આવા દ્રશ્યો સર્જાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: કોરોનાને ફરીથી એવી જાળ ફેલાવી છે કે દરરોજ લોકો ટપોટપ મરવા માંડ્યા છે અને દરરોજ સેંકડોની સંખ્યામાં નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઇ છે એ હકિકત વચ્ચે દરરોજ નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે. સતત વધી રહેલુ સંક્રમણ ઘટાડવા માટે સરકારે કર્ફયુનો સમય વધારી દીધો છે. ગઇકાલ તા. ૭થી રાજકોટ સહિત વીસ શહેરોમાં કર્ફયુનો સમય સાંજના ૮ થી સવારના ૬નો કરી નાંખવામાં આવ્યો હોઇ ગઇકાલથી જ શહેર પોલીસે કર્ફયુનો કડક અમલ શરૂ કરાવી દીધો હતો. પહેલી રાતે જ કર્ફયુ ભંગના ૭૧ કેસ પોલીસે નોંધીને કાર્યવાહી કરી છે. જેમાં કેટલાક તો દૂકાનો ખુલ્લી રાખીને બેઠા હતાં. કેટલાક પગપાળા આટો મારવા નીકળ્યા હતાં તો કેટલાક વાહનો લઇને નીકળી પડ્યા હતાં. કામ ધંધા કે નોકરીના સ્થળોએથી ઘરે જઇ રહેલા મોટા ભાગના લોકોને સાચા કારણો હોઇ જવા દેવામાં આવ્યા હતાં. પણ હવે પછી મોડુ નહિ કરવા ખાસ તાકીદ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદની સુચના મુજબ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ તથા ડિવીઝનો, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમો કાલાવડ રોડ, કેકેવી ચોક, ઇન્દિરા સર્કલ, રૈયા રોડ સહિતના મુખ્ય માર્ગો-ચાર રસ્તાઓ પર પહોંચી હતી અને સાંજે આઠ વાગ્યે કર્ફયુનો અમલ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ઠેકઠેકાણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. કર્ફયુ શરૂ થઇ ગયા પછી પણ સતત લોકો રસ્તા પર હોઇ પોલીસે પુછતાછ શરૂ કરી હતી. બધાએ પોતે નોકરી-ધંધા-કામના સ્થળેથી નીકળ્યા અને રસ્તામાં ટ્રાફિક જામ નડવાથી મોડુ થઇ ગયાનું બહાનુ આડે ધર્યુ હતું. જેમાં કેટલાક સાચા પણ હોઇ શકે છે. અનેક ઠેકાણે લોકોને પોલીસ સાથે ચડભડ પણ થઇ હતી. સરકારની માર્ગદર્શિકા મુજબ કર્ફયુના આદેશનું પાલન કરાવવા પોલીસ કાર્યવાહી કરી રહી હોઇ જે લોકોએ કારણ વગરની દલીલો કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ પોલીસને કરવી પડી હતી.

મોટા ભાગના વાહન ચાલકોને બીજા દિવસે કર્ફયુ શરૂ થાય એ પહેલા જ ઘરે પહોંચી જવાની તાકીદ કરી જવા દેવામાં આવ્યા હતાં. કોરોનાનું સંક્રમણ અટકાવવા તમામ તંત્રવાહકો પોતપોતાની રીતે ફરજ બજાવી રહ્યા છે ત્યારે શહેરના નાગરિક તરીકે આપણી પણ ફરજ બનશે કે આપણે નિયમોનું પાલન કરીએ જેથી કરીને દંડ કે પોલીસ કાર્યવાહીથી બચી શકીએ. નોકરી ધંધા કામના સ્થળોએથી કે બીજા કામે બહાર ગયા હોઇએ તો એક વાત ધ્યાને રાખીએ કે આઠ વાગ્યે કર્ફયુ ચાલુ થાય છે અને એ પહેલા કોઇપણ રીતે ઘરે પહોંચવાનું છે તો ટ્રાફિકજામમાં ફસાવું ન પડે. ટૂંકમાં હવે જ્યાં સુધી સાંજના ૮થી કર્ફયુ લાગુ રહેવાનો છે ત્યાં સુધી લોકોએ જ એકાદ કલાક કે પછી પોતાના સ્થળથી ઘરનું અંતર કેટલું છે એ વિચારીને એ સમયે ઘર તરફ જવા રવાના થવું પડશે. જો છેલ્લી ઘડીની નાસભાગ થશે તો ટ્રાફિકજામમાં ફસાસો અને કર્ફયુ ભંગની કાર્યવાહીનો પણ ભોગ બની શકો છો. પહેલી રાતે જ તમામ પોલીસ સ્ટેશન, બ્રાંચની ટીમોએ કર્ફયુ ભંગના ૭૧ કેસ દાખલ કરી કાર્યવાહી કરી છે.

(3:29 pm IST)