રાજકોટ
News of Wednesday, 8th April 2020

કોરોના સંક્રમણ અટકાવવામાં નિમિત્ત બન્યાનું મને ગૌરવ : ડો. જૈમન

કોરોના પોઝીટીવ દર્દીના લક્ષણો ઓળખવામાં ૪­ વર્ષનો અનુભવ કામમાં આવ્યોઃ સ્વૈચ્છાએ આઇસોલેટ થયેલા તબીબીની સમજદારીને સલામઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ આ સંપૂર્ણ કેસથી માહિતીગાર કરાયા

રાજકોટ, તા. ૮ :. સોમવારે પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયના દવાખાને આવેલ કોરોના શંકાસ્પદ દર્દીને તાત્કાલીક સિવીલ હોસ્પીટલમાં મોકલી સમય સૂચકતા દાખવેલ અને ડો. જૈમન ઉપાધ્યાયે સામાજીક જવાબદારી સમજી સમાજ સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગરૂપે સમાજથી ટૂંક સમય માટે અળગા થયા હતા. સમય સૂચકતાને કારણે કોરોનાનુ સંક્રમણ અટકાવવામાં તેઓનું જ્ઞાન ઉપયોગી થયુ છે જેનુ તેઓને ગૌરવ છે.

આ અંગે ડો. ઉપાધ્યાયે વિગતવાર જણાવ્યુ હતુ કે વિશ્વ આજે કોરોનાના કહેરથી ત્રાહીમામ છે અને કોરોના વિશે સમાજ પાસે પુરી માહિતી ઉપલબ્ધ નથી ત્યારે હું જણાવીશ કે સોમવારે મારા દવાખાના પર એક દર્દી શરદી, તાવ, ઉધરસની દવા લેવા આવેલ. ડોકટર તરીકેની જવાબદારીના ભાગરૂપે મેં ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખેલ. આવેલ દર્દીને દૂરથી જ તેમની ફરીયાદ અને કન્ડીશન જોતા મારા ૪૦ વર્ષના મેડીકલ પ્રેકટીસના અનુભવના આધારે આ દર્દી નોર્મલ કરતા અલગ દેખાયેલ (લક્ષણો નોર્મલ કરતા અલગ દેખાયેલ) જેથી સમય સૂચકતા વાપરી સિવીલ હોસ્પીટલમાં તુરંત જવા સલાહ આપેલ અને ત્યાંના ડયુટી પરના ડોકટર પર મારા લેટરપેડ ઉપર ચીઠ્ઠી પણ લખી આપેલ. દર્દી સિવીલમાં ભરતી થઈ ગયેલ. બીજે દિવસે તેમનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જવાબદારીના ભાગરૂપે હું સ્વૈચ્છીક ટૂંક સમય માટે સમાજથી અળગો થવાનું નક્કી કરેલ છે.

ડો. ઉપાધ્યાય સેલ્ફ હોમ કોરન્ટાઈન થયા

ડો. ઉપાધ્યાયે જણાવેલ કે તેઓએ પેશન્ટને નજીકથી તપાસ્યો પણ ન હતો. નિદાન માટેનું કોઈ પણ ઉપકરણ દર્દીને અડાડેલ પણ ન હતુ. મેં સેલ્ફ પ્રોટેકશન માટે પહેલેથી જ સેલ્ફ પ્રોટેકશનના કપડા, હાથમાં ગ્લોઝ, મોઢા પર માસ્ક વિગેરે લગાવેલ અને દર્દીએ પણ તેમના મોઢા પર રૂમાલ બાંધેલ આથી મારા સ્વાસ્થ્ય ઉપર કોઈ ખતરો નથી પરંતુ જવાબદારીના ભાગરૂપે મેં મારા ઘરમાં ૧૪ દિવસ માટે અલગ રહેવાનુ નક્કી કરેલ છે. જો કે તેઓએ ડોકટર તરીકેના બધા જ પ્રિકોશનો લીધેલા હતા. પરંતુ ડબલ્યુએચઓની ગાઈડલાઈન મુજબ કોઈપણ વ્યકિત કોરોનાગ્રસ્ત વ્યકિતના સંપર્કમાં આવ્યો હોય તો કદાચ તેમના શરીરમાં જંતુ પ્રવેશ્યા હોય તો તે વ્યકિત કોરોના સંક્રમણ વધારી શકે છે. ભલે મેં પ્રિકોશનના બધા જ પગલા લીધા હોય તો પણ સમાજના હિત માટે હું વધુ પ્રિકોશન લેવા ઈચ્છુ છું.

ડો. ઉપાધ્યાય કહે છે કે રાજકોટમાં કોરોનાનો નવો કેસ મળે એટલે દુઃખ જરૂર થાય, પરંતુ નિદાન કરવામાં કોઈપણ જાતની ચૂક દાખવ્યા વગર દર્દીને યોગ્ય જગ્યાએ (સિવીલ હોસ્પીટલ) મોકલી આપ્યો, દર્દીની તાત્કાલીક સારવાર શરૂ થઈ ગઈ, લોકોમાં સંક્રમણ થતુ અટકયુ તેવી તકેદારી રાખવા બદલ મેં નિભાવેલ ફરજનું મને ગૌરવ છે.

હાલમાં પણ ઘરે બેઠા ડોકટર તેમજ કોર્પોરેટર તરીકેની ટેલીફોનીક જવાબદારી તેઓ નિભાવે છે. દર્દીના કોઈપણ પ્રશ્નોનું ટેલીફોન ઉપર નિરાકરણ કરે છે.

માર્ગદર્શન આપે છે તથા લતાવાસીઓનાં પ્રશ્નોનાં નિકાલ માટે જવાબદાર અધિકારીઓને માહિતગાર કરે છે.

અંતમાં તેઓએ જણાવેલ કે હું આપનાં માધ્યમથી સમાજને સંદેશો આપવા માગું છું કે કોરોના પોઝીટીવ કે શંકાસ્પદ દર્દીનો સંપર્કમાં આવ્યા હોય ત્યારે સેલ્ફ આઇસોલેટ (સમાજથી અળગુ) ૧૪ દિવસ માટે થઇ જવું જોઇએ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને માહિતી અપાઇ

દર્દીની ફરીયાદ થતા દર્દી કઇ પરિસ્થિતિમાં આવ્યો હતો. દર્દીમાં કયાં પ્રકારના લક્ષણો દેખાતા હતા. દર્દી કેટલા દિવસથી બિમાર હતો. આ બધી વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીશ્રી એ ડો. ઉપાધ્યાય પાસેથી મેળવી હતી અને દર્દીને સિવિલ હોસ્પિટલમાંં તાત્કાલીક સારવાર માટે મોકલી, સંક્રમણ અટકે તેવી સમય સુચકતા દાખવી વિગેરે બાબતોથી ડો. ઉપાધ્યાયે માહિતગાર કર્યા હતા.

''સેલ્ફ કોરોન્ટાઇન'' એટલે શું ?

ડો. જૈમન ઉપાધ્યાયે સેલ્ફ કોરોન્ટાઇન અંગે જાહેર હિતમાં માહિતી આપતાં  જણાવેલ કે કોઇપણ વ્યકિત કોરોના ગ્રસ્ત કે કોરોનાં શંકાસ્પદ વ્યકિતનાં સંપર્કમાં આવે તો તમને ''સેલ્ફ કોરોેન્ટાઇન'' અથવા તો ''સેલ્ફ આઇસોલેટ'' થઇ જવું જોઇએ.

જે લોકો ડાયરેકટ સંપર્કમાં ન આવ્યા હોય, પરંતુ ઇન્ડાયરેકટ (પરોક્ષ) પણ સંપર્કમાં આવ્યા હોય, તો તેમણે પરિવારનો સદસ્યોથી અલગ રૂમમાં રહેવું જોઇએ, અલગ બાથરૂમ વિગેરેનો ઉપયોગ કરવો જોઇએ. તેમનાં ટુવાલ, કપડાં, વાસણ, અવારનવાર સાબુથી ધોવા જોઇએ. ખાસ કરીને પોતાનાં મોઢા ઉપર, નાક ઉપર કે આંખ ઉપર અડે ત્યારબાદ ખાસ પોતાનાં હાથ સેનિટાઇઝર કે સાબુથી સાફ કરવા જોઇએ.

ઘરમાં કયાંય પણ દિવાલ, હેન્ડલ, સ્ટોપર, નળ, રિમોટ, મોબાઇલ વિગેરેને અડતાં પહેલા પોતાનાં હાથ સાબુથી સાફ કરેલા હોવા જોઇએ. મોઢે માસ્ક બાંધેલું હોવું જોઇએ. અને પૌષ્ટિક આહાર અને વિટામીન-સી યુકત (લીંબુ વગેરે) ખોરાક લેવો જોઇએ.

(3:59 pm IST)