રાજકોટ
News of Monday, 8th March 2021

રાજકોટ-પડધરી-લોધીકાના સખી મંડળોને રીવોલ્વીંગ ફંડ અને ઈન્વેસ્ટમેન્ટ ફંડના ચેકોનું વિતરણ કરાયું

સીસી લોન-નિમણૂંક પત્રો અપાયાઃ શ્રેષ્ઠ કામગીરી બદલ બહેનોનું સન્માન :રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખાસ ઉજવણી

જૂની કલેકટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંદર્ભે ત્રણ તાલુકાના બહેનો-સખી મંડળોને ચેક, નિમણૂંક પત્રો જીલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસીયા, એડી. કલેકટર શ્રી જે.કે. પટેલના હસ્તે અપાયા તે નજરે પડે છે.(૨-૧૪)

રાજકોટ તા. ૮ :. આજે ૮ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજકોટ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ખાસ ઉજવણી થઇ હતી. રાજકોટ ખાતે જુની કલેકટર કચેરી સ્થિત ડી.આર.ડી.એ.ની કચેરી પાસેના પટાગંણમાં  સવારે ૯.૩૦ કલાકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજિત સમારોહમાં રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકામાં કાર્યરત સખીમંડળોને રીવોલ્વીંગ ફંડના ચેક તથા ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડના ચેકોનું વિતરણ  કરાયેલ આ ઉપરાંત સ્વસહાય જુથોને સી.સી. લોન મંજુરી પત્રો, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન મંજુરીપત્રો, બેંક સખીઓને નિમણુંક પત્રો અને  શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું વિશિષ્ટ સન્માન કરાયેલ. આ તકે મહિલાઓની રાજય અને દેશના વિકાસમાં સહભાગિતા વધે તે માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ ઉપસ્થીત રહ્યા હતા.  

રાજકોટ ઉપરાંત ગોંડલ ટાઉન હોલમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિર્ભય ગોંડલીયા અને જેતપુર સ્થીત રોટરી કલબમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામદેવસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રૂ.૨૫ લાખથી વધુ રકમના ચેકોનું વિતરણ લાભાર્થી બહેનોને  થયું હતું તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા લવલીહુડ પ્રોજેકટ મેનેજરશ્રી વી.બી. બસીયા તથા આસી. મેનેજરશ્રી સરોજબેન મારડીયા એ ઉમેર્યું હતું.

(5:06 pm IST)