રાજકોટ
News of Monday, 8th March 2021

આજે જન્મ લેનાર દિકરીઓને સોનાની ચુંક આપી મહિલા દિનની સર્વોત્તમ ઉજવણી કરતા વિજય વાંક

સીવીલ, જનાના અને પદ્મકુંવરબા હોસ્પીટલમાં રૂબરૂ જઇ દિકરીઓને રૂ. ૧૦૦ અને સોનાની ચૂક અર્પણ કરી વધાવતા કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર

આજે ૮ માર્ચ એટલે મહિલા દિને કોંગ્રેસનાં પુર્વ કોર્પોરેટર અને સેવાભાવી અગ્રણી વિજય વાંકે સીવીલ, જનાના અને પદ્મકુંવરબા હોસ્પીટલમાં રૂબરૂ જઇ અને આજના શુભદિને જન્મ લેનાર દિકરીઓને સોનાની ચુંક તથા રૂ. ૧૦૦નું કવર આપી વધામણા કર્યા હતા. તે વખતની તસ્વીર. વિજય વાંક તથા તેમના પરીવારનાં સભ્યો અને કાર્યકરો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૮: આજે ૮ માર્ચને મહીલાદિન છે. ત્યારે મહિલાઓને પ્રોત્સાહીત કરતા અનેક કાર્યક્રમો યોજાયા છે. પરંતુ કોંગ્રેસનાં પુર્વ કોર્પોરેટર અને સેવાભાવી અગ્રણી વિજય વાંક દ્વારા આજે જન્મ લેનાર દિકરીઓને સોનાની ચુંક અને રૂ. ૧૦૦ રોકડા આપી લક્ષ્મીનો અવતાર ગણાતી દિકરીઓને વધાવી મહીલા દિનની સર્વોતમ ઉજવણી કરી હતી. દર વર્ષે તેઓ આ પ્રકારે દિકરીઓના જન્મને વધાવી.. બેટી બચાવો અભિયાન સાર્થક કરે છે.

આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે રાજકોટના મવડી વોર્ડ નં. ૧રના પુર્વ કોર્પોરેટર વિજયભાઇ બાબુભાઇ વાંક દ્વારા રાજકોટમાં સિવિલ હોસ્પીટલ-જનાના હોસ્પીટલ-પદ્મકુંવરબા હોસ્પીટલ કે પછી ખાનગી હોસ્પીટલ હોઇ આજના દિવસે જે પણ મહિલાને દિકરીનો જન્મ થયો હોય એવી દિકરીઓને સોનાની ચુંક-ગુલાબનું ફુલ તેમજ ૧૦૦ રૂપીયા આપી દિકરીઓને વધાવી હતી. વિજયભાઇ દ્વારા દર વર્ષે મહિલા દિવસ નિમિતે જન્મલેનાર દિકરીઓને વધાવવામાં આવે છે. તેમજ જે દિકરીઓના માં-બાપ હયાત ન હોય તેવી દિકરીઓના સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજવામાં આવે છે. અત્યાર સુધી ૬૦૦ થી પણ વધારે દિકરીઓને સાસરે વળાવવાનું પુણ્યનું ભાથુ બાંધેલ હતું.

ગત વર્ષ ૪૦ થી પણ વધારે દિકરીઓને વધાવી હતી. દિકરી એટલે વ્હાલનો દરીયો આ વ્હાલના દરીયા સમી દિકરીઓ પ્રત્યે અપાર પ્રેમ અને ખરા અર્થમાં મહીલાઓને સન્માનની લાગણી ધરાવતા શ્રી વિજયભાઇ વાંક દ્વારા ન નાત ન ભાત જ્ઞાતિ, જાતીના ભેદભાવ વગર દર વર્ષ દિકરીઓના પગલાને ભેટ સ્વરૂપે સોનાની ચુંક આપી દિકરી પરત્યે  વ્હાલ વરસાવી દિકરીઓના જન્મના વધામણા કરી સમાજને નારી સન્માનની નવી રાહ ચીંધી હતી.

સમગ્ર રાજકોટ શહેરમાં સરકારી હોસ્પીટલ હોઇ કે ખાનગી હોસ્પીટલ હોઇ કે ઘરે જન્મ લેનાર દિકરીના માતા-પિતા અથવા સગા સબંધી ફોનથી સંપર્ક કરી શકશે. મો. ૯૮ર૪પ ૮૦૯૮૦ વિજયભાઇ વાંકનો કોન્ટેક કરવો. આ તકે શ્રી ક્રિષ્ના યુવા ગૃપના પ્રમુખ શ્રી બાલાભાઇ વાછાણી, જગદીશભાઇ સખીયા પુર્વ કોર્પોરેટર સંજયભાઇ અજુકીયા, કનકસિંહ જાડેજા, મયુરભાઇ વાંકે, અજીતભાઇ વાંક, નિલેશભાઇ ભાલોડી , અશોકભાઇ મારકણા, ભુપતભાઇ સારથી, કિશનભાઇ પરસાણીયા, દિલીપભાઇ ચાવડા, દિલીપભાઇ નિમાવત, બાલાભાઇ પ્રજાપતી, ધવલભાઇ નટડા, વિપુલભાઇ ગોસ્વામી વગેરે ઉપસ્થિત હતા.

(4:21 pm IST)