રાજકોટ
News of Monday, 8th March 2021

જીવનમાં ચડાવ ઉતાર આવ્યા કરે, ભાંગી ન પડો આગળ વધો : રીવાબા જાડેજા

મહિલા દિવસ અંતર્ગત જૈન વિઝન દ્વારા સફળ મહિલા સાથે મુલાકાત

રાજકોટ તા. ૮ જાણીતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનો દેશ પ્રેમ ક્રિકેટની પીચ ઉપર અને  રીવાબા જાડેજા સ્વમાન, સન્માન સાથે સન્નારીઓને સ્વાવલંબી બનાવવા આત્મનિર્ભર ભારતની મુહિમ થકી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ ચૂકવે છે. જાણીતા ક્રિકેટરના લાઈફ પાર્ટનર હોવા છતાં સેલિબ્રિટી ના પત્ની તરીકે નહીં પરંતુ પોતાના કામ અને તેમની આવડત થકી ખૂબ જ ટૂંકા સમયમાં રીવાબા જાડેજાએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. જૈન વિઝન દ્વારા ખાસ મહીલા દિવસ અંતર્ગત તેમની લેવાયેલ મુલાકાતના અંશો અહીં રજુ છે.

કરણી સેનાના નેજા હેઠળ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ દિશા પ્રેરક કદમ ઉઠાવી અને રૂઢિચુસ્તતા તેમજ રિવાજો વચ્ચે બહેનોમાં રહેલા કૌશલ્યને બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કરી રહેલ રીબાએ યંગ અને ડાયનેમિક લીડર તરીકે તેમની પ્રતિભા ઉભી કરી છે. ખુબ જ નાની ઉંમરે મહિલા ભાજપમાં તેમણે ટોચનું સ્થાન મેળવ્યું છે. તો સમાજને આગળ લાવવા માટે અનેકવિધ સંસ્થાઓ માં સક્રિય હોવાની કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષા તરીકેની સુપેરે જવાબદારી નિભાવી રહ્યા છે.

સિવિલ સર્વિસીસની તૈયારી સમયે જ તેમણે દાંપત્યજીવનમાં પગલા માંડયા, પરંતુ આ તૈયારીઓને તેમણે એળે જવા ન દીધી અને હવે લગ્ન પછી પણ સમયની વ્યસ્તતા વચ્ચે સમાજ માટે અને ખાસ કરીને મહિલા ઉત્કર્ષના કાર્યોને લઈ તેઓ સતત મેરેથોન કરતા રહે છે.

તેઓ કહે છે કે, પિતા કે પતિના લીધે એક વખત તક મળે છે, પણ તમારે તમારા વ્યકિતત્વની ઓળખ કરાવી હોય તો સોનાની જેમ ઘસાવું પડે છે. મહિલા દિવસ નિમિતે તેમનો ખાસ એક જ માત્ર સંદેશ છે કે કુદરતે મહિલાઓનું સર્જન કર્યું છે અને સ્ત્રીઓને સહન શકિત આપી છે. જયારે કોઇ પણ મહિલા ગંભીર પગલું રહે છે ત્યારે તે આંતરિક રીતે જ તૂટી ચૂકી હોય છે. આથી મારી એટલીઅપીલ છે કે, જીવનમાં આવતા વળાંક દરમ્યાન તમારા નજીકના સ્વજનની તમારી સમસ્યાઓ શેર કરો.

માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં સતત સેવાયજ્ઞ ધમધમતો રહ્યો છે.આ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ અને જરૂરિયાત મંદ ઓ માટે ચાલતી ખાસ યોજનાઓથી લોકોને માહિતગાર કરવા માટે ખુદ રિવાબા પોતે  કડકડતી ઠંડી હોય કે આકરો તાપ તેમ છતાં ગામડાઓ ખૂંદી ને માર્ગદર્શન આપે છે. આ મુલાકાત જૈન વિઝનના ફેસબુક પેજ પર લાઈવ નિહાળી શકાશે.

(4:21 pm IST)