રાજકોટ
News of Monday, 8th March 2021

લાખોના ખર્ચે કલેકટર કચેરીમાં ઉભા કરાયેલા જનસેવા કેન્‍દ્રમાં રાશનકાર્ડની કામગીરી બંધ કરી દેવાતા કલેકટરને ફરીયાદો

કેન્‍દ્ર શરૂ થયું ત્‍યારે ૬૬ સેવાની જાહેરાત કરાઇ હતી, હાલ માત્ર આવક-જાતિના દાખલા જ નીકળે છે... : લોકોમાં દેકારો બોલી ગયોઃ આમ જનતાને સ્‍પર્શતી ૪ સેવા બંધ કરાતા કર્મચારીઓ પણ સ્‍તબ્‍ધ...

કલેકટર કચેરીનું જનસેવા કેન્‍દ્ર લાખોના ખર્ચે બનાવાયું છે, પરંતુ ૯પ ટકા સેવા બંધ કરી દેવાતા શોભાના ગાંઠીયા સમાન બની રહ્યું છે, જયાં ચહલ હોવી જોઇએ ત્‍યાં ભેકાર ભાંસી રહ્યું છે, કોઇ સ્‍ટાફ નથી, ખાલી ૧૭ કાઉન્‍ટરો નીસાસા નાંખી રહ્યા છે, આ બધી કલેકટર તંત્રની બલીહારી છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૮ :.. રાજકોટ નવી કલેકટર કચેરીમાં ૪પ લાખના ખર્ચે અદ્યતન આખુ સેન્‍ટ્રલી એસી જનસેવા કેન્‍દ્ર બનાવાયું છે, પરંતુ આ કેન્‍દ્ર હાલ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહયાનું અને ગત તા. ર૪-૧-ર૦ર૦ના રોજ શરૂ કરાયું ત્‍યારે એકી સાથે ૬૬ જેટલી સેવાની જાહેરાત કરાઇ હતી, અને હાલ માત્ર આવક અને જાતિના દાખલા કાઢી આપવા અંગેની જ અરજી સ્‍વીકારાય છે, અને કામગીરી થાય છે.

જનસેવા કેન્‍દ્ર શરૂ થયા બાદ માર્ચ મહિનાથી કોરોનાએ કાળો કેર વર્તાવતા, આ હેતુ ઉપર પાસ સિસ્‍ટસની વ્‍યવસ્‍થા કરાઇ હતી, તે પૂર્ણ થયા બાદ ધીમે ધીમે જનસેવા કેન્‍દ્રની ૬૪ સેવા બંધ કરી દેવાઇ, અને હવે લટકામાં રાશનાકાર્ડની  કામગીરી કે જે અત્‍યંત મહત્‍વની, અને સામાન્‍ય - ગરીબ - મધ્‍યમ વર્ગને સ્‍પર્શની કામગીરી છે, તે બંધ કરી દેવાતા ખળભળાટ મચી ગયો છે, દેકારો બોલી ગયો છે, કલેકટર ઉપર ફરીયાદોના ઢગલા થયા છે, જનસેવા કેન્‍દ્રમાંથી આ કામગીરી કોના કહેવાથી, કોના ઓર્ડરથી બંધ કરાઇ તે પણ તપાસનો વિષય છે, લોકોને દૂર - દૂર મામલતદાર કચેરીએ જવુ ન પડે, હેરાન ન થવુ પડે તે માટે જનસેવા કેન્‍દ્ર આર્શીવાદરૂપ હતું. ત્‍યાં કુલ ૧૭ બારી-ટેબલ છે, પરંતુ હાલ માત્ર બે બારી જ ચાલુ છે, કોન્‍ટ્રાકટરે કોરોના કાળ બાદ રાખેલા માણસો પણ છૂટા કરી દિધા છે, એ બાબતથી પણ કલેકટર તંત્ર અજાણ છે, જનસેવા કેન્‍દ્રમાં રાશનકાર્ડ કામગીરી ઉપરાંત, હથિયાર પરવાના, દિકરી યોજના, કસ્‍તુરબા પોષણ યોજના, ઘાસચારા યોજના, પ્‍લોટ ફાળવણી, સોલ્‍વર પરવાના, શૈક્ષણિક - ઔદ્યોગિક સહિતના હેતુસર જમીન માંગણી, આધાર કાર્ડ સહિતની કુલ ૬૪ સેવા બંધ કરી દેવાઇ છે, કલેકટર તંત્ર આ બધી સેવા ટૂંક સમયમાં શરૂ કરાશે તેમ ઉમેરી રહ્યું છે, આ ૬૪ સેવા બંધ કરાઇ તેમાં મોટાભાગની યોજના માટે કોરાનાનું બહાનુ અપાઇ રહ્યું છે, લોકો અને ખુદ કલેકટર તંત્રના સ્‍ટાફમાં જનસેવા કેન્‍દ્રમાં આધારકાર્ડ રેશનીંગ કાર્ડની સેવા બંધ કરાઇ તેની ભારે ટીકા થઇ રહી છે.

 

(4:16 pm IST)