રાજકોટ
News of Monday, 8th March 2021

પી.જી.વી.સી.એલ. સામે ૮ માસ મોડું કનેકશન આપતા ૧૧ લાખ ૭૫ હજારના વળતરની ફરીયાદ

ગ્રાહક તકરાર ફોરમ દ્વારા પી.જી.વી.સી.એલ.ને નોટીસ અપાઈ

રાજકોટ, તા. ૮ :. પી.જી.વી.સી.એલ. સામે ૮ માસ મોડું કનેકશન દેવા બદલ ૧૧.૭૫ લાખના વળતરની ફરીયાદ થતા ગ્રાહક ફોરમે નોટીસ પાઠવેલ છે.

બનાવની ટૂંકી હકીકત એવી છે કે કન્‍ઝયુમર ફોરમમાં સંજયભાઈ ડોબરિયા નામના ફરીયાદીને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓની બેદરકારીને કામ કરવાની ઢીલી નીતિરીતિને કારણે વીજ કનેકશન દેવામાં ૮ માસ મોડું કરી સેવામાં બેદરકારી દાખવવા સબબ ફરીયાદીએ પી.જી.વી.સી.એલ. વિરૂદ્ધ રૂપિયા ૧૧.૭૫ લાખનું નુકશાનીનું વળતર માંગતી ફરીયાદ તેમના વકીલ શ્રી એડવોકેટ સંજય પંડિત મારફત દાખલ કરતા કન્‍ઝયુમર ફોરમ દ્વારા પીજીવીસીએલ વિરૂદ્ધ નોટીસ કાઢવાનો હુકમ ફરમાવેલ છે.

રાજકોટના કોઠારીયા રોડ વિસ્‍તારમાં આવેલ રામેશ્વર સોસાયટીના રહેવાસી સંજયભાઈ ગોવિંદભાઈ ડોબરિયાએ ઔદ્યોગીક વીજ જોડાણ મેળવવા તા. ૭-૨-૨૦૨૦ના રોજ અરજી કરેલ હતી. જે અરજી પેટા વિભાગીય કચેરી દ્વારા કોઈપણ જાતની તપાસ કર્યા વિના રદ કરી દીધેલ ત્‍યાર બાદ તા. ૧૨-૩-૨૦૨૦ના રોજ ફરીવાર વાવડી સબ ડિવીઝનમાં કરેલ હતી જે અંગેનું વીજ કનેકશન આપવા લગભગ ૮ માસ જેટલો સમય ખોટા બહાનાઓ હેઠળ અધિકારીઓએ દ્વારા પસાર કરવામાં આવેલ જેથી વીજ કનેકશન મેળવ્‍યા બાદ ફરીયાદી એ પી.જી.વી.સી.એલ.ના ગ્રાહક ફરીયાદ નિવારણ ફોરમમાં ફરીયાદ આપેલ જે અંગે આ ફોરમ દ્વારા પોતાના હુકમમાં સ્‍પષ્‍ટ જણાવવામાં આવેલ હતું કે પી.જી.વી.સી.એલ.ની વાવડી પેટા વિભાગીય કચેરીના અધિકારી-કર્મચારીઓની બેદરકારીને લીધે વીજ કનેકશન દેવામાં ૮ માસ જેટલો સમય પસાર થયેલ જેથી કાર્યપાલક ઈજનેર દ્વારા બાબતનો વિગતવાર અભ્‍યાસ કરી જરૂર જણાય તો લાગુ પડતા અધિકારી-કર્મચારી વિરૂદ્ધ શિસ્‍તભંગની કાર્યવાહી ફોરમની જાણકારી હેઠળ કરવી.

ઉપરોકત હકીકતોને આધારે પી.જી.વી.સી.એલ.ના અધિકારી-કર્મચારીની બેદરકારીને લીધે ફરીયાદીને ૮ માસ જેટલો સમય જનરેટર ઉપર પોતાનુ કામકાજ ચલાવવાની ફરજ પડેલ જેમાં ખૂબ જ ખર્ચ પણ થયેલ અને નુકશાની પણ ઉઠાવવી પડેલ જેથી ફરીયાદીએ આ અંગે રૂપિયા ૧૧૭૫૦૩૭ (અગિયાર લાખ પંચોતેર હજાર સાડત્રીસ)નું વળતર માંગતી ફરીયાદ એડવોકેટ સંજય પંડિત મારફત દાખલ કરેલ જે અંગે ફરીયાદીના વકીલશ્રીની રજૂઆતોને ધ્‍યાને લઈ ફરીયાદ રજીસ્‍ટરે લઈ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને ફોરમ સમક્ષ હાજર રહેવાની નોટીસ ઈશ્‍યુ કરેલ છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય પંડિત રોકાયેલ છે.

(4:15 pm IST)