રાજકોટ
News of Monday, 8th March 2021

રેશનીંગ દુકાનદારોનું ફીંગર પ્રિન્‍ટ કૌભાંડ : આજથી રાજકોટ - જેતપુર - ત્રંબાની ૨૫ દુકાનોમાં પૂરવઠાની તપાસ : સેંકડો કાર્ડ હોલ્‍ડરોના નિવેદન લેવાયા

DSOની સુચના બાદ ૨૫ ટીમો દ્વારા તપાસણી : ૧૦ દિવસ બાદ રીપોર્ટ : તોળાતા આકરા પગલા

રાજકોટ તા. ૮ : કોર્પોરેશન - જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂરી થતાં જ પુરવઠા તંત્ર દ્વારા ૨૫ જેટલા સસ્‍તા અનાજના દુકાનદારોને ત્‍યાં આજથી ૧૦ દિવસ માટે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ડીએસઓ શ્રી પૂજા બાવડાએ શનિવારે મીટીંગ બોલાવી જે દુકાનદારોની બોગસ ફીંગર પ્રિન્‍ટ કૌભાંડ અને બારોબાર જથ્‍થો વેચવામાં સંડોવણી ખુલી હતી અને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે જેમના નામો પુરવઠા તંત્રને મોકલ્‍યા હતા, તે તમામ ૨૫ જેટલા સસ્‍તા અનાજના દુકાનદારોને ત્‍યાં આજ સવારે ૧૦ વાગ્‍યાથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વિગતો મુજબ આ ૨૫ દુકાનદારોમાં રાજકોટના ત્રંબા અને જેતપુર તાલુકાના દુકાનદારોનો સમાવેશ થાય છે, રાજકોટમાં ચીફ સપ્‍લાય ઇન્‍સ્‍પેકટર શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા તથા અન્‍ય ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. આ તમામ દુકાનદારોના નિવેદન ઉપરાંત તે દુકાનદારના કાર્ડ હોલ્‍ડરોને પણ ફોન કરી બોલાવાયા છે, ૨૫ દુકાનદારોના થઇને સેંકડો કાર્ડ હોલ્‍ડરોના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. જે દુકાનદારો સામે તપાસ અને તેમના કાર્ડ હોલ્‍ડરોના નિવેદનો લેવાના આદેશો થયા છે, તેમાં મુકેશ જોબનપુત્રા, લાખાભાઇ બગડા, મોનાબેન ચંદારાણા, પ્રભુદાસ કારીયા, રાફુસા દિનાબેન, હસમુખભાઇ રાણા, એન.ટી.તુરખીયા, એન.એમ. ભારમલ, ઢેબર કોલોની પ્રગતિ મંડળ, શોભનાબેન પીપળીયા, રમીલાબેન ઝાલાવડીયા (તમામ રાજકોટ), ઉપરાંત કિશોર બારોટ (કસ્‍તુરબાધામ), મનીષ જોબનપુત્રા (ત્રંબા), હિતેષ ત્રિવેદી, કાજી ગફારભાઇ, નીતિન નાગર, વિજયગીરી ગોસાઇ, સુખદેવ જોષી, સુરેશ જોષી, યોગેશ, વિજય વઘાસિયા, બંસરીબેન ગાજીપરા, તુલજાશંકર જાની, જગજીવન ગોંડલીયા, દિલીપ ભાયાણી (તમામ જેતપુર)નો સમાવેશ થાય છે.

(4:13 pm IST)