રાજકોટ
News of Monday, 8th March 2021

મીડીએશન સેન્ટર અને લોક-અદાલતની પ્રવૃતિને વેગ આપવા હાઈકોર્ટ જજ વિનીત કોઠારીનો અનુરોધઃ રાજકોટમાં મીટીંગ યોજાઈ

જસ્ટીશ કોઠારી સાથે યુનિટ જજ કારીયા જસ્ટીશ મુલીયાની ઉપસ્થિતિઃ સ્વ. અભયભાઈ ભારદ્વાજના ફોટાની અનાવરણવિધિઃ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયાઃ એડવોકેટ રાજેશ મહેતાનું એવોર્ડ આપી સન્માન કરાયું

રાજકોટ, તા. ૮ :. ગુજરાત હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશો જસ્ટીશ વિનિત કોઠારી, ભાર્ગવ ડી. કારીયા અને એચ.એસ. મુલીયાએ રાજકોટ કોર્ટની મુલાકાત લીધી હતી અને આગામી દિવસોમાં મીડીએશન સેન્ટર અને લોક-અદાલતની પ્રવૃતિને વધુ વેગ મળે અને વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તેના ઉપર ભાર મુકયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલ રવિવાર તા. ૭-૩-૨૧ના રોજ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના ચેરમેન જસ્ટીશ વિનીત કોઠારી, હાઈકોર્ટ જજ બી.ડી. કારીયા અને એચ.એસ. મુલીયા રાજકોટ ખાતે આવ્યા હતા.

આ ત્રણેય હાઈકોર્ટ જજીસ દ્વારા રાજકોટના મુખ્ય સેસન્સ જજ શ્રી ઉત્કર્ષ દેસાઈ, એડી. સેસ. જજ શ્રી પવાર, કે.ડી. દવે, ડી.કે. દવે, ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ શ્રી ડી.જે. છાંટબાર, જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા તથા રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ કરીને મીડીએશન સેન્ટર અને લોક-અદાલતોની કામગીરીને વેગ આપવા અને વધુમાં વધુ કેસોનો નિકાલ કરવા ઉપર જસ્ટીશ શ્રી વિનીત કોઠારીએ મીટીંગ યોજી હતી અને બપોરના ૨.૩૦થી ૨.૪૫ દરમિયાન વૃક્ષારોપણ કર્યુ હતુ અને ત્યાર બાદ ૨.૪૫થી ૨.૫૫ સુધી એમ.એ.સી.પી. બાર એસો. સાથે બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ મહેમાનોનું સ્વાગત કરી પ્રાર્થના યોજાઈ હતી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી.

ત્યાર બાદ એમ.એ.સી.પી. બાર એસો.ના રૂમમાં રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના ફોટાની અનાવરણવિધિ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ કોઈને તુલસી કયારો અને બુકનું વિતરણ કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત એમ.એ.સી.પી. બાર એસો.ના પ્રમુખ રાજેશ મહેતાને લોક-અદાલતમાં સૌથી વધુમાં વધુ અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરવામાં સહભાગી થવા બદલ 'હાઈએટસ કેસ સમાધાન' અંગેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી સ્વ. અભય ભારદ્વાજના ફોટાનું રવિવારે રાજકોટ કલેઈમ બાર એસો.ના રૂમમાં અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયેલ હતો તેમ કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા, જી.આર. પ્રજાપતિ, સંજય બાવીસી, કે.એમ. ભટ્ટ અને ભાવેશ મકવાણાએ જણાવેલ હતું.

રાજકોટ કલેઈમ બારમાં સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુરા માન સન્માન સાથે તેના ફોટાનું અનાવરણ કરવાનું હોય ગુજરાત હાઈકોર્ટના સીનીયર જસ્ટીશ વિનીત કોઠારી તથા યુનિટ જજ બી.એમ. કારીયાના રાજકોટ ખાતે કાર્યક્રમમાં આવેલ હોય તેના હસ્તે કરવામાં આવેલ હતું.

હાઈકોર્ટના સીનીયર જસ્ટીસ શ્રી કોઠારીએ જણાવેલ હતુ કે સ્વ. અભયભાઈ ભારદ્વાજ લેજેન્ડ્રી લોયર હતા અને તેમની ખોટ હંમેશા રહેશે. આપણે ગુજરાતના ખૂબ જ પ્રખર ધારાશાસ્ત્રી ગુમાવેલ છે તેમના કામથી અભયભાઈ ભારદ્વાજ હંમેશા કાયદા જગતમાં જીવંત રહેશે અને સ્વ. અભયભાઈ ભારદ્વાજના સિદ્ધાંતોન પગલે તમામ વકીલોએ ચાલવાનું છે અને તે જ સ્વ. અભયભાઈ ભારદ્વાજને ગુજરાતના વકીલોની સાચી શ્રધ્ધાંજલી હશે. જસ્ટીશ શ્રી કારીયાએ પણ સ્વ. અભયભાઈ ભારદ્વાજને ખૂબ જ આદરપૂર્વક શ્રધ્ધાંજલી આપેલ હતી.

રાજકોટ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી ઉત્કર્ષ દેસાઈ, લીગલ ઓથોરીટીના ચેરમેન શ્રી જોટાણીયા, જો. ડીસ્ટ્રીકટ જજ કે.ડી. દવે તથા કલેઈમ બારના તમામ સીનીયર-જૂનીયર વકીલોએ સ્વ. અભયભાઈ ભારદ્વાજના ફોટાના અનાવરણ કાર્યક્રમમા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. સ્વ. અભયભાઈ ભારદ્વાજના પરિવારના પુત્ર અંશ અને પુત્રી અમૃતા તથા જમાઈ કાર્તીકેય તથા ધીરૂભાઈ પીપળીયા સહિતના તમામ ઓફિસ સ્ટાફ હાજર રહેલ હતા.

(3:27 pm IST)