રાજકોટ
News of Monday, 8th March 2021

રૂમેટીક અને ઓટોઈમ્યુન બિમારીઓ સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે

આ બિમારીઓ શરીરના એક કરતાં વધારે અંગોને નુકસાન કરેઃ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી બિમારીઓ નિયંત્રીત કરી શકાય

આજે વિશ્વ 'વુમન્સ ડે' માનવી રહ્યુ છે. ભલે આપણે એક જ દિવસ 'વુમન્સ ડે' સેલીબ્રેટ કરતા હોઈએ પણ એક સ્ત્રી પોતાની પારિવારિક અને અન્ય જવાબદારીઓ પાછળ પોતાની હેલ્થને લઈને બેદરકાર બની જતી હોય છે. જેવી રીતે થાયરોઈડની બિમારી તકલીફો અને સ્તન કેન્સર સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેવી જ રીતે અમુક જાનેટીક અને હોર્મોનલ પરીબળોને કારણે રૂમેટીક અને ઓટોઈમ્યુન બિમારીઓ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. અમેરીકામાં થયેલા એક સર્વે પ્રમાણે દર છ માંથી એક વ્યકિત ઓટોઈમ્યુન બિમારીઓથી પીડાય છે. આ પૈકી ૭૫ ટકા દર્દી સ્ત્રીઓ હોય છે. બિમારીઓ આટલી વ્યાપક હોવા છતા સમાજમાં આ બિમારીઓની જાણકારી નહિવત છે. તો આજે જાણીએ રૂમેટીક અને ઓટોઈમ્યુન બિમારીઓ વિશે એકસપર્ટના અભિપ્રાય

(૧) રૂમેટીક અને ઓટોઈમ્યુન

બિમારી શું હોય છે?

દરેક શરીરમાં ઈશ્વરે રોગપ્રતિકારક શકિત (ઈમ્યુનીટી) આપેલી હોય છે. રોગપ્રતિકારક શકિત શરીરને અનેક બેકેટરીયા, વાઈરસ અને અન્ય સુક્ષ્મભવોથી રક્ષણ આપે છે. પરંતુ વિવિધ જીનેટીક અને પર્યાવરણીય પરિબળોને કારણે અમુક વખત અકુદરતી રીતે આ રોગપ્રતિકારક શકિત જ શરીરના વિવિધ અંગોને નુકશાન પહોંચાડતા તત્વો (સામાન્ય રીતે એન્ટીબોડી) પેદા કરે છે. જેના કારણે વિવિધ રૂમેટીક અને ઓટોઈમ્યુન બિમારીઓ થાય છે.

(૨) રૂમેટીક બિમારીઓમાં કઈ

 બિમારીઓનો સમાવેશ થાય છે?

વિવિધ પ્રકારના આર્થરાઈટીસ જેમ કે રૂમેટોઈડ આર્થરાઈટીસ (સંધિવા), એન્કાયલોસીંગ સ્પોન્ડાયલાઈટીસ, સોરાઈટીક આર્થરાઈટીસ (સોરીયાસીસના દર્દીમાં જોવા મળતો 'વા'), પોસ્ટવાઈરલ આર્થરાઈટીસ (ચિકન- ગુનિયા, ડેન્ગ્યુ અને કોરોના જેવા વાઈરલ ઈન્ફેકશન પછી થતાં 'વા') વગેરે સામાન્ય રીતે જોવા મળતી રૂમેટીક બિમારીઓ છે. તદુપરાંત, અન્ય બિમારીઓ જેમ કે લ્યુયસ (SLE), સ્કલેરોડર્મા, માયોસાઈટીસ, શોગ્રીન્સ સિન્ડ્રોમ પણ સ્ત્રીઓમાં વધારે માત્રામાં જોવા મળતાં ઓટોઈમ્યુન રોગો છે.

(૩) રૂમેટીક બિમારીઓનાં સામાન્ય

લક્ષણો શું હોય છે ?

સામાન્ય રીતે આ બિમારીઓને મલ્ટીસિસ્ટમ બિમારીઓ કહેવામાં આવે છે. મતલબ કે આ બિમારીઓ શરીરના એક કરતા વધારે અંગોને નુકશાન કરે છે. શરૂઆતમાં દર્દી શરીરનું તુટવું, થાક લાગવો કે ઝીણો તાવ આવવો જેવા અચોકકસ લક્ષણો અનુભવે છે. આ ઉપરાંત ઠંડીમાં આંગળીનાં ટેરવા ભૂરા અથવા સફેદ થવા, ચામડી પર લાલ નિશાન થવા, આંખ મોં અથવા ચામડીનું સુકાવું, મોં માં વારંવાર ચાંદા પડવા, વધારે વાળ ખરવા, સ્નાયુઓમાં નબળાઈ આવવી સાંધામાં દુઃખાવો થવો અથવા સોજા આવવા, સવારે શરીર જકડાઈ જવું અને આંગળીઓમાં સોજો આવવો વગેરે પણ રૂમેટીક રોગોનાં લક્ષણ હોય શકે છે. જો સમયસર સારવાર ના મળે તો આગળ જઈને ફેંફસાનું સંકોચાવું, હૃદય પર દબાણ આવવું અને કિડનીમાં સોજો આવવો અથવા કિડની ફેઈલ થવી જેવા કોમ્પલીકેશન્સ થઈ શકે છે.

(૪) શું રૂમેટીક/ ઓટોઈમ્યુન

બિમારીઓનો ઈલાજ શકય છે?

હા, સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે 'વા' બેઈલાજ જે સાચી નથી. પાછળના અનેક વર્ષોમાં સફળતાપૂર્વક થયેલા સંશોધનોને પરિણામે આ રોગોની સારવારમાં ખૂબ જ પ્રગતિ સધાઈ છે અને તેના ખૂબ જ સારા પરિણામો જોવા મળી રહ્યા છે.

(૫) શું લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવાથી આ બિમારીઓ નિયંત્રિત કરી શકાય છે?

 હા, દવાઓ ઉપરાંત સંતુલિત પોષક આહાર, દારૂ-સિગારેટના વ્યસનનો ત્યાગ અને તણાવયુકત જીવન તેમજ નિયમિત કસરત તથા યોગા- પ્રાણાયામ આ બિમારીઓને નિયંત્રિત કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ સમયસર બિમારીનું  નિદાન આ બિમારીઓને નિયંત્રિત  કરવા માટે સોંથી અગત્યનો ભાગ ભજવે છે. વહેલી તકે સારવાર શરૂ થવાથી બિમારીની શરીરના અંગોમાં પ્રસરતી અટકાવી શકાય છે અને આ રોગોમાં લાંબા સમયે જોવા મળતી ખોટ- ખાંપણ નિવારી શકો છે.(૩૦.૬)

ડો.ધવલ તન્ના

એમ.ડી. મેડીસીન (ગોલ્ડ મેડાલિસ્ટ), ડી.એન.બી. રૂમેટોલોજી (ગોલ્ડ મેડાલિસ્ટ), સૌરાષ્ટ્ર રૂમેટોલોજી સેન્ટર, ચૌધરી હાઈસ્કુલ પાસે, કસ્તૂરબા ટેલીફોન એકચેંજ સામે, રાજકોટ, ફોનઃ ૦૨૮૧-૨૪૪૩૩૮૮, મો.૮૧૬૦૧ ૧૨૩૮૦

(3:25 pm IST)