રાજકોટ
News of Monday, 8th March 2021

શ્રધ્ધા સોસાયટીમાં કેમેરામેન કિશન મકવાણા, તેના માતા-પિતા અને બહેન પર હુમલોઃ એક શખ્સે કહ્યું-બીજીવાર ૩૦૭ કરું તો ફેર નહિ પડે

સોશિયલ મિડીયાના પત્રકાર અને કેમેરામેન સાથે અગાઉ ગાડી સામે આવી જવા મામલે થયેલી માથાકુટ-ફરિયાદનો ખાર રાખી ફરી ધમાલ : ભકિતનગર પોલીસે જયેશ ડાંગર, અદો, કિશન ડવ અને ધર્મેશ વડાળી સામે ગુનો નોંધી શોધખોળ આદરી : પહેલા તો રાતે એક વાગ્યે ઘર પાસે કાર રાખી મોટા અવાજે ટેપ વગાડ્યું: પછી આતંક મચાવ્યોઃ પહેલા બે જણા આવ્યા, ડખ્ખો કરી જતાં રહ્યા પછી ચાર ભેગા થઇ આવ્યા

રાજકોટ તા. ૮: અગાઉ સોશિયલ મિડીયાના પત્રકાર તથા કેમેરામેન કારમાં જતાં હતાં ત્યારે સામે બીજા શખ્સોની કાર આવી જતાં બોલાચાલી થતાં પત્રકારને મારકુટ થઇ હતી. તે વખતે નોંધાવાયેલી ફરિયાદનો ખાર રાખી રવિવારે મોડી રાતે ચાર શખ્સોએ કેમેરામેનના શ્રધ્ધા સોસાયટીના ઘરે પહોંચી મોટા અવાજે ટેપ વગાડી તેને તથા તેના માતા, પિતા, બહેનને મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપતાં વધુ એક ફરિયાદ થઇ છે. એક શખ્સે તો છરી કાઢી 'મેં અગાઉ ૩૦૭ કરી છે, બીજી કરું તો ફરક નહિ પડે' તેવી ધમકી પણ દીધી હતી.

ભકિતનગર પોલીસે આ બનાવમાં કોઠારીયા રોડ શ્રધ્ધા સોસાયટી ૪૦ ફુટ રોડ કૈલાસ ડેરી સામે રહેતાં અને સોશિયલ રિપોર્ટ ન્યુઝમાં કેમેરામેન તરીકે કામ કરતાં કિશન પ્રવિણભાઇ મકવાણા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથીજ જયેશ ડાંગર, અદો બ્રાહ્મણ, કિશન ડવ અને ધર્મેશ વડાળી સામે આઇપીસી ૩૨૩,

૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

કિશને ફરિયાદમાં જણાવ્યું છે કે હું કેમેરામેન તરીકે કામ કરુ છું. રવિવારે રાતે એકાદ વાગ્યે હું મારા ઘરના સભ્યો સાથે ઘરમાં હાજર હતો ત્યારે એક સફેદ સ્વીફટ કાળા કાચવાળી આવી હતી અને ઉભી હતી. તેમાં મોટા અવાજે ટેપ વગાડવામાં આવતું હોઇ મેં ઘરની બહાર આવીને જોતાં તેમાં જયેશ ડાંગર બેઠો હતો.

તેણે મને કહેલે કે શું મારી સામે જોવે છે? અમારે અગાઉ મનદુઃખ થયું હોઇ જેથી મેં તેને કહેલ કે મારે અને તારે કંઇ છે જ નહિ. એ પછી અદો બ્રાહ્મણ બેઠો હોઇ તેણે ઉતરીને  'તુંકારો શું કામ આપે છે?' કહી મને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ જયેશે પણ કારમાંથી ઉતરીને માર માર્યો હતો. દેકારો થતાં મારા ઘરના લોકો વચ્ચે પડતાં આ લોકો જતાં રહ્યા હતાં. એ પછી તરત જ કિશન ડવને લઇને પાછા આવ્યા હતાં. કિશનના હાથમાં છરી હતી અને અદાના હાથમાં ધોકો હતો. મને જમણા હાથમાં મારી દેતાં હું પડી ગયો હતો. માથામાં પાટા માર્યા હતાં. અદાએ 'મેં એક ૩૦૭ કરી છે, બીજી કરું તો ફરક નહિ પડે'...તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મારા મમ્મી હેમાબેન અને બહેન અંકિતા તથા પિતા પ્રવિણભાઇ મને છોડાવવા આવતાં તેઓને પણ આ શખ્સોએ મુંઢ માર માર્યો હતો. ધર્મેશ વડાળીએ કહેલ કે ફરિયાદ ન કરતો, નહિતર મોંઘુ પડી જશે.  ત્યાર પછી મારા મિત્ર પત્રકાર આશિષ ડાભી આવી જતાં મને હોસ્પિટલે સારવાર માટે લઇ ગયેલ. આ બનાવનું કારણ એ છે કે અગાઉ અમારા પત્રકાર આશિષ ડાભીએ આ શખ્સો વિરૂધ્ધ ભકિતનગર પોલીસમાં મારામારીની ફરિયાદ કરી હતી. ગાડી સામ સામે આવી જતાં ત્યારે માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી મારા ઘરે આવી મને તથા ઘરના સભ્યોને માર મારી ધમકી દીધી હતી. મને હોસ્પિટલે લઇ ગયા પછી પણ દસ-બાર જણા મારા ઘર પાસે આવી ગયા હતાં. તેવું મારા ઘરનાએ કહ્યું હતું.

કિશનની ફરિયાદ પરથી એએઅસાઇ નરેન્દ્રભાઇ ભદ્રેચાએ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:22 pm IST)