રાજકોટ
News of Monday, 8th March 2021

રૈયાધારના નટુભાઇએ જુના મિત્ર અનવર સમાને ઉછીના પૈસા ન દેતાં છરી ઝીંકાઇ

ઘરે આવી ગાળો દઇ લાફા માર્યા ને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા. ૮: રૈયાધારમાં રહેતાં પ્રોૈઢે પોતાની પાસે ઉછીના પૈસા માંગનાર જુના મિત્રને પૈસા ન દેતાં તેણે ગાળો દઇ ઝાપટો મારી બેઠકના ભાગે છરી ઝીંકી દેતાં સારવાર લેવી પડી હતી.

આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરા રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં નટુભાઇ વિરજીભાઇ પરમાર (ઉ.વ.૫૦)ની ફરિયાદપ રથી તેના જ જુના મિત્ર અનવર સમા સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

નટુભાઇના કહેવા મુજબ હું રૈયાધારમાં પચ્ચીસ વર્ષથી રહુ છું. મારે બે દિકરી અને એક દિકરો છે. મારા પિતા કાલાવડના વિરવાવ ગામે રહે છે. રવિવારે બપોરે હું એકલો હતો ત્યારે જુનો મિત્ર અનવર આવેલો. તેને હું દસ વર્ષથી ઓળખું છું. તે અગાઉ રૈયાધારમાં જ રહેતો હતો. તેણે મારી પાસે હાથ ઉછીના રૂ. ૫૦૦૦ માંગતા મેં તેને હાલમાં મારી પાસે પૈસા ન હોઇ દેવાની ના પાડતાં તે એકમદ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડ્યો હતો. ગાળો બોલવાની ના પાડતાં તેણે મને ગાલ પા ઝાપટો મારી દીધી હતી. એ પછી નેફામાંથી તેણે છરી કાઢતાં હું ભાગવા જતાં મને બેઠકના ભાગે ડાબી સાઇડમાં ઘા ઝીંકી દીધો હતો.

હુમલો કરી તે ભાગી ગયો હતો. મેં ૧૦૮ બોલાવી હતી અને હોસ્પિટલે પહોંચ્યો હતો. માર મારી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યો હતો. પીએસઆઇ બી. જી. ડાંગરે તેની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

(3:19 pm IST)