રાજકોટ
News of Monday, 8th March 2021

શા માટે ગાંધીજીએ એક પણ મહિલાને દાંડીકૂચમાં સામેલ ન કરી?

આશ્રમવાસી બહેનોએ જયારે કહ્યું કે અમને કેમ કૂચમાં નથી લઇ જતા ત્યારે ગાંધીજીએ શું કહ્યું?: કસ્તુરબાને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કહ્યું હતું કે તું જેલમાં મરી જઇશ તો હું તને જગદંબાની જેમ પૂજીશઃ પાકીસ્તાન ગયેલા ચંદ્રકાન્ત બક્ષીને લિયાકત અલીના પત્ની રાના લિયાકતે ગાંધીજી વિશે શું કહ્યું હતું?

 આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આજે થઇ રહી છે. મહિલા સશકિતકરણની વાતો આજે બુલંદ સ્વરે ચાલે છે. પરંતુ આપણા દેશમાં સ્ત્રી સશકિતકરણના ક્ષેત્રે જેમણે પાયાનું કામ કર્યું એમાં આઝાદીની ચળવળ દરમિયાન તો ગાંધીજીનું નામ અને કામ અત્યંત મોખરાનું સ્થાન પામે. ગાંધીજીએ સ્ત્રીઓને ઓશિયાળાપણાથી મુકત થવા સતત કહ્યું અને એ દિશામાં કામ પણ કર્યું. ગાંધીજીએ સ્ત્રી સશકિતકરણ માટે જે કર્યું એની અસર લાંબા સમય સુધી અન્ય દેશો પર પણ રહી હતી. આપણા પ્રખ્યાત લેખક ચંદ્રકાન્ત બક્ષી ૧૯૮૧માં પાકીસ્તાન ગયા ત્યારે પૂર્વ પ્રમુખ લિયાકત અલીના પત્ની રાના લિયાકતને મળ્યા હતા. રાનાએ બક્ષીને કહ્યું હતું કે અમારે પાકીસ્તાનથી આજે (૧૯૮૧માં) મહિલા હોકી ટીમને બહારના દેશમાં રમવા મોકલવી હોયતો વિચાર કરવો પડે છે. તમારા ગાંધીજી ૧૯૨૦ના દાયકામાં મહિલાઓને જાહેર આંદોલન માટે રસ્તા પર લાવ્યા હતા. સ્ત્રી સશકિતકરણ માટે ગાંધીજીનું ચિંતન અને કાર્ય બન્ને મહકવના રહ્યાં. આજે નરેન્દ્રભાઇ મોદી દાંડીકૂચના ૯૦ વર્ષ ઉજવવા દેશને હાકલ કરી રહ્યા છે. દાંડીકૂચ આઝાદીની લડતના ઇતિહાસનું એક અનન્ય પાનું છે. અને એમાં સ્ત્રીઓની ભૂમિકા શું હતી, ગાંધીજીએ કેમ એક પણ સ્ત્રીને દાંડીકૂચમાં સાથે ન રાખી, એ વિગતો જાણ્યે ખબર પડશે કે ગાંધીજીનું સ્ત્રી દાક્ષિણ્ય ૨૪ કેરેટના સોના જેવું હતું.

 મહાદેવભાઇ દેસાઇએ ગાંધીજીના જીવન અને કાર્યને જે રીતે શબ્દસ્થ કર્યું છે એ અભ્યાસ અને અનુભૂતિ બન્નેનો વિષય છે. મહાદેવભાઇની ડાયરી એવો ગ્રંથસંચય છે જેમાં ગાંધીજીના જીવનનો એકસ-રે, એમઆરઆઇ બધું મળે. મને ગાંધીપ્રેમી તરીકે એવો અતિરેક કરવાનું મન થાય કે મહાદેવભાઇએ ધાર્યું હોત તો ગાંધીજીને આવતાં સ્વપ્નોની એ જાણીને નોંધ કરી શકયા હોત એટલા એ નિકટ હતા. હા, આ રહ્યું ઉદાહરણઃ દાંડીકૂચ તો ૧૯૩૦માં થઇ પણ ૧૯૧૯ના સપ્ટેમ્બર માસની ૨૧મી તારીખે મહાદેવભાઇએ નોંધ કરી છે એ મુજબ ગાંધીજીએ હરસનું ઓપરેશન કરાવ્યું હતું અને સવારે સાડા આઠ સુધી એ ઊંઘ્યા હતા. પછી બેભાન અવસ્થામાં એમને લવારી ઊપડી અને આ જનસેવક-જનનાયક એ અવસ્થામાં પણ વિચાર તો હિન્દુસ્તાનની પ્રજાનો જ કરતા હતા.

બેભાન અવસ્થામાં એ બોલ્યા, મહાદેવભાઇ નોંધે છેઃ સરકારે બે વસ્તુ કરવી જ જોઇએ. નિમક વેરો રદ કરવો જોઇએ, અને દૂધનો ઉપયોગ રાષ્ટ્રાધીન એટલે કે નેશનલાઇઝડ કરવો જોઇએ. નિમક વેરા જેવો ઘાતકી વેરો કેમ સ્વીકારાયો હશે? એ જ નથી સમજાતું. એ પસાર થયો ત્યારે આખા દેશને સળગાવી શકાત. જે વસ્તુ વગર માણસને જરા પણ ચાલે નહીં એના પર વળી વેરો કેવો? આ ચિંતન હતું એમનું ,અને એ પછીના અનેક વર્ષે બાપુએ આ દાંડીકૂચ કરી.

પંદરમી માર્ચે નડિયાદથી અગાઉ ડભાણમાં બપોરે રોકાયા,સભામાં કહ્યુઃ આપણે ગૌરક્ષાને બદલે ભેંસરક્ષા કરીએ છીએ. આજે આપણે ગૌસેવાનો ઊંધો અર્થ કરીએ છીએ. મુસલમાનના હાથમાંથી મરતી ગાય બચાવવી તેમાં ગૌસેવા નથી. જો ગાયનો બચાવ કરવો હોય તો તેની સેવા કરો. ગાયોને વસાવો.......રાત્રિ મુકામ સાક્ષરભૂમિ નડિયાદમાં કર્યો. મેદની મોટી હતી એને સંબોધતાં બાપુએ કહ્યુઃ શ્રી ગોવર્ધનરામ અને શ્રી મણિલાલ નભુભાઇનું નડિયાદ શું કરશે? તમારે બધાએ સ્વયંસેવક થવાનું છે. તમે બધા મીઠાંનો કાયદો તોડવા નીકળી પડો અને જયાં સુધી આપણે ફતેહમંદ ન થઇએ ત્યાં સુધી નડિયાદ તરફ મોં ન કરો. સરદાર વલ્લભભાઇ તમારું કામ કરતાં જેલમાં ગયા. ખેડામાં એમને કેદ કર્યા એટલે આખું ખેડા કેદ થયું. એમને તો માન મળ્યું ગણાય. તે છતાં તેમને પકડીને અપમાન કર્યું તેનો જવાબ શો આપશો?

 ૧૭ માર્ચે મૌનવ્રતનો વાર હતો. એ દિવસે ગાંધીજીએ પત્રો જ લખ્યા. બે પત્રો મહત્વના હતા. પહેલો હતો જયપ્રકાશ નારાયણને જેમાં લખ્યુઃ ચિ.જયપ્રકાશ બલિદાન આપવાનો ઉત્સાહ મેં આશ્રમની બહેનોમાં જોયો તેવો કયાંયે જોયો નથી. આજકાલ આશ્રમની આંતરિક વ્યવસ્થા મોટે ભાગે માત્ર બહેનો લઇ રહી છે, તેવો અનુભવ એમને ફરીથી કદી મળવાનો નથી. તેથી મારી તમને સલાહ છે કે તમે પ્રભાવતીને (જયપ્રકાશના પત્ની)આશ્રમમાં મોકલો. હું જેલમાં જાઉં તે પછી આશ્રમની બહેનો જેલમાં જશે. એમાં પ્રભાવતી હોવી જોઇએ. એવો મારો અભિપ્રાય છે.પ્રભાવતી બધી રીતે લાયક છે.......

 બીજો પત્ર હતો મીરાંબહેન (મેડેલિન સ્લેડ)ને ચિ. મીરાં, તારો કાગળ મળ્યો. મને ખોળી કાઢવાને તલપી રહેલાં ફૂલો પણ હજુ સુધી તો મારો થાક મને આરોગ્યપ્રદ લાગે છે. કારણ કે એને લીધે હું એક વખતને બદલે બે વખત દૂધ અને સારી પેઠે ફળ લઇ શકું છું. મારે વિશે તું ચિંતા ન કરીશ. ત્યાં તને સારું કામ મળી ગયું લાગે છે. લડત આપણા સૌના માટે ઇશ્વરના પ્રસાદ સમી નીવડી છે. એ આત્મશુધ્ધિની પ્રક્રિયા છે.-હોવી જોઇએ. આપણે કગી શિથિલ ન બનીએ....પ્યાર..... મીરાં બહેન તો બાપૂની તદ્દન નિકટ. તો એ કેમ કૂચમાં નહીં?

દાંડીકૂચમાં ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુપીના ૮, કચ્છના ૬, કેરળના ૪, પંજાબના ૩, રાજપૂતાનાના ૩, મુંબઇના ૨ સિંદ્ય, નેપાળ, તમિળનાડુ, આંધ્ર, ઉત્કલ,  કર્ણાટક,  બિહાર, બંગાળમાંથી ૧,૧ મળીને કુલ ૭૯ યાત્રીઓ હતા. પાછળથી બે ઉમેરાયા હતા. પણ આમાં એક પણ મહિલાનો સમાવેશ નહોતો. કસ્તુરબા પણ નહીં. અને મીરાંબહેન પણ નહીં.

 દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ વખતે બાપુએ કસ્તુરબાને કહ્યું હતુઃ તું જેલમાં મૃત્યુ પામીશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ. ખ્રિસ્તી ધર્મની પધ્ધતિ સિવાયના લગ્નને અમાન્ય ગણવાની વાત આવી ત્યારે ગાંધીજીએ જ ત્યાં વસતા બહેનોને આંદોલનમાં જોડ્યા હતા. અને અહીં કોઇ બહેન નહીં. આ માણસનું કરવું શું?ગાંધીજીનો આદર કરાય, એના જીવનનું અવલોકન કરાય. શકય હોય એટલું અનુસરણ કરાય અને અત્યારે પોપ્યુલર થવું હોય તો એમની ટીકા કરાય.

 નિત્ય નૂતનતા એનો સ્થાયીભાવ હતો. આશ્રમવાસી બહેનોએ પૂછી પણ લીધુઃ બાપુ તમને આખા આશ્રમમાં એકેય બહેન સવિનય ભંગ કરવાને યોગ્ય ન મળી? ગાંધીજીએ કહ્યું મને ખબર હતી કે તમે આ પૂછશો. ન પૂછ્યું હોત તો આશ્ચર્ય થાત.

અને પછી સમજાવ્યું કે અગાઉ હિન્દુ-મુસલમાનોના યુધ્ધ થતા ત્યારે મુસલમાનો સૈન્યની આગળ ગાયો રાખતા. હિન્દુઓ, ક્ષત્રીયોની સેના ગાય પર પ્રહાર ન કરે. એમ અંગ્રેજો ગમે તેવા હોય પણ એ લોકો સ્ત્રીઓ પર એકાએક હાથ ન ઊપાડે. એટલે ગમે તેટલું સંકટ સહન કરનારા આપણે ટૂકડીની આગળ સ્ત્રીઓને રાખીએ તે આપણને ન શોભે. આપમી ખૂબ મારપીટ ખમવાની પણ તૈયારી હોય તો તેમાંથી બચી જવા માટે આપણે સ્ત્રીઓને આગળ કરીએ એ કેમ બને?

 એના કરતાં પણ બીજી વાત એમણે જે કહી એ અગત્યની હતી. ગાંધીજીએ કહ્યું, અહિંસાની લડતમાં એમને બહેનો પાસે ભાઇઓ કરતાં વધારે સહનશીલતા અને પરાક્રમની અપેક્ષા હતી. એમની સાથે કૂચ કરવી એ તો સહેલું કામ હતું. બહેનોને શોભે એવો કઠણ કાર્યક્રમ આપવો હશે ત્યારે તેઓ જરુર એમ કરશે.આપણે નેવું વર્ષ પહેલાંની આ કૂચને આજના આંદોલન કે સ્થિતિ સાથે સાંકળવાનો પ્રયાસ કરીએ છીએ. રાજનિતિમાં મહિલા અનામત એ શું ખરેખર સાર્થક થયેલો પ્રયોગ છે? ના. ઉચ્ચ સ્તરે મહિલાઓ મંત્રી બને છે કે મોટી જવાબદારી નિભાવે છે એ સાચું. આપણા અત્યારના (૨૦૧૯-૨૦૨૦) નાણામંત્રી પણ મહિલા છે એનું ગૌરવ છે આપણને. લશ્કરમાં પણ હવે બહેનોનો દરજ્જો વધ્યો પણ એ સિવાય?

ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અરે શહેરી વિસ્તારની પાલિકાઓમાં પણ બહેનો માટે અનામત બેઠક પર રાજકીય પક્ષો બહેનોને ટીકિટ આપે છે એ એમની ક્ષમતા ચકાસીને નહીં. કાં તો કાર્યકર્તાના પત્ની કે માતા કે પછી કોઇ બહેનની જ્ઞાતિ. જે બહેન ચૂંટાય એમના વતી તમામ પ્રકારના વહીવટ એમના પતિ-પિતા કરતા હોવાના તો કેટલા ઉદાહરણ જોઇએ, બહેનોને આગળ રાખીને અત્યારની રાજકીય સેનાઓ આગળ વધી રહી છે. જેટલી જોગવાઇ છે એટલી સંખ્યા પણ કયાં છે અને જે છે એમાં નારીશકિતનો સદઉપયોગ કયાં થાય છે ફકત એ નારી છે એ જ વાતનો રાજકીય ઉપયોગ થાય છે.ખરું સ્ત્રી સશકિતકરણ એમને હોદ્દા આપવાથી, રાજકીય સત્ત્।ા આપવાથી ન થાય. એની ગરિમા વધે, સ્ત્રીને પોતાને પોતાના અસ્તિત્વનો અહેસાસ થાય પોતાના હોવાનું એને ગૌરવ થાય એ સશકિતકરણ છે. પુરુષની સામે એને ઊભી કરી દેવામાં આવે એ રસ્તો જ ખોટો. એને પુરુષની સાથે ચાલવા માટે તૈયાર કરવાની હોય.

દાંડીકૂચ ભલે એકાણું વર્ષ પહેલાં થઇ ગઇ. માની લઇએ કે કદાચ એના જેવું આજના સમયમાં કંઇ થઇ જ ન શકે. એવું આંદોલન કે એની રીત અગત્યની નથી. એનો હેતુ અને સૂર-મૂળ વિચાર મહત્વનો છે. અને દેશને જગાડવાના કામમાં સ્ત્રીઓનું પણ યોગદાન હોઇ શકે એ ગાંધીજી માટે અલગથી વિચારવાનો વિષય નહોતો. દેશ આઝાદ થયો હોત કે નહીં, એમનું સ્ત્રીઓ માટેનું આ ચિંતન દ્યણું ઉપયોગી હતું. દાંડીકૂચ ૧૯૩૦ અને ૨૦૨૦.....ભલેને લાંબો ગાળો છે પણ બહેનો માટેની આ ઉદ્દાત ભાવના આજે ય એટલી પ્રસ્તુત છે. આપણને એની ય કયાંક કયાંક જરુર છે છે ને?

 સ્ત્રી સશકિતકરણ સામાજિક કાર્યક્રમ છે. રાજકીય ગતિવિધી એને સફળ બનાવવા માટે ઉપયોગમાં આવી શકે. પણ વાત આપણે ત્યાં આઝાદી પછી ઊંધી વળી ગઇ. રાજકીય ગતિવિધીને સફળ બનાવવા માટે આ સશકિતકરણ કર્યું. ગાંધીજી સ્ત્રીઓની શકિત પારખતા, એનો આદર પણ કરતા. દેશની નારી શકિતનો સકારાત્મક ઉપયોગ આજે પણ આપણે શીખી શકયા છીએ? ના. દાંડીકૂચના આયોજન માંથી એનું પ્રશિક્ષણ મળે. કેમ કે ગાંધીજીએ એમને કૂચમાં નહોતાં જોડ્યાં એટલું જ બાકી બહેનોએ પાછળથી અનેક જવાબદારી નિભાવી હતી. મીરાંબહેનને એમણે ત્યાં સુધી કહ્યું હતું કે અમે બધા પકડાઇ જઇએ તો તમે લોકો આશ્રમના ટ્રસ્ટી બનીને જવાબદારી નિભાવજો. ઉમાશંકર જોશીએ અબળાની વ્યાખ્યા કરતાં કહ્યું છેઃ અબળા એટલે જેનું બળ માપી ન શકાય તે.....ગાંધીજી આ વાત જીવ્યા હતા - પહેલેથી જ.  (૪૦.૧૨)

  દાંડીકૂચ સ્મૃતિ લેખમાળા-

જવલંત છાયા

સોશ્યલ મિડીયામાંથી સાભાર

મો.૯૯૦૯૯ ૨૮૩૮૭ 

(3:18 pm IST)